પતિ સહિત સાસરિયા સામે ફરિયાદ:આણંદમાં પતિએ વિદેશ જવા દહેજમાં 50 લાખ માગ્યા, પરસ્ત્રી સાથે સંબંધનો ભાંડો ફૂટતા પત્નીને મારી નાખવાનો પ્રયાસ કર્યો

આણંદએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • પોલીસે પતિ સહિત સાસરિયા સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી

આણંદના જીટોડીયા ગામે રહેતી પરિણીતાને તેના પતિ સહિતના સાસરિયાએ શારીરિક માનસિક ત્રાસ આપી દહેજમાં રૂ.50 લાખ માંગ્યાં હતાં. આ ઉપરાંત પતિના પર સ્ત્રી સાથેના સંબંધોનો ભાંડો ફુટતા તેણે ગળુ દબાવી હત્યાની કોશિશ કરી હતી. આ અંગે પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

વડોદરાના ડભોઇ ગામે રહેતા તુલસીભાઈ પટેલની દીકરી અર્પિતાબહેનના લગ્ન આણંદ રહેતા પ્રશાંત હરિકૃષ્ણ પટેલ સાથે 2016માં થયાં હતાં. સંયુક્ત પરિવારમાં રહેતા સાસરિયાએ શરૂઆતમાં સારી રીતે રાખ્યા બાદ ત્રાસ આપવાનું શરૂ કરી દીધું હતું અને મારઝુડ કરવા લાગ્યા હતા. તેમાંય પતિ પ્રશાંતે માનવતા નેવે મુકી અર્પિતાબહેન સગર્ભા હોવા છતાં તેને મારમારી ગર્ભપાત કરાવવાની કોશિશ કરી હતી. જોકે, પિયરમાંથી સમયસર સારવારના પગલે તેઓએ જોડીયા બાળકોને જન્મ આપ્યો હતો. ઘર સંસાર ચલાવવા માટે નાણાકીય ખર્ચની જરૂરિયાત પડતી તો તે પણ નાણાની માગણી કરતાં પ્રશાંત તેને તું તો ભણેલ ગણેલી છું અને નોકરી કરે છે. તેનો પગાર આવે તે એક રૂપિયો તારે રાખવાનો નથી, બધો જ પગાર તારે મારા હાથમાં આપવાનો છે, તેમ જણાવીને નાણાની માગણી શરૂ કરી દીધી હતી. આ ઉપરાંત તારા બાપા પાસેથી રૂ. 50 લાખ લઇ આવ મારે વિદેશ જવાનું છે, તેના માટે મારે જરૂર છે. તારા પિતા પ્રિન્સીપાલ હતા અને તે રિટાયર્ડ થયા છે. જેથી તેની પાસેથી મોટી રકમ આવેલી છે, જેથી આ મારી માગણીની રકમ તો તેની આગળ ખૂબ જ નાની છે, તેમ કહેતો હતો.

પ્રશાંત કોઇ અનામિકા નામની યુવતીના પ્રેમમાં હોવાનો ભાંડો ફુટતાં તે ઉશ્કેરાઇ ગયો હતો અને ગળુ દબાવી હત્યાની કોશિશ કરી હતી. આ ઉપરાંત અનામિકા વિદેશ જવાની હોવાથી પ્રશાંત પણ વિદેશ જવા માટે દબાણ શરૂ કરી દીધું હતું. આખરે અર્પિતાબહેન પિયર જતાં રહેતાં સમાધાન કર્યું હતું. જેમાં રૂ.100ના સ્ટેમ્પ પેપર પર લખાણ પણ આપ્યું હતું. પરંતુ એક સપ્તાહ સારી રીતે રાખ્યા બાદ ફરી સ્થિતિ જેમની તેમ શરૂ થઇ ગઈ છે. પ્રશાંત દારૂ પી ધમાલ કરતો હતો. વારંવાર મારી પત્ની અનામિકા છે, તેમ જણાવતો હતો. મારઝુડ કરી ઘરમાંથી કાઢી મુક્યાં હતાં. છુટાછેડા આપી દે નહીં તો અમે તને જીવવા દઇશ નહીં. તેવી ધમકી આપી હતી. ઉંચકીને બહાર ફેંકાવી દઇશ અને તારી લાશને ઠેકાણે પાડી દઇશ. તેવી ધમકી આપી હતી. આ અંગે અર્પિતાબહેનની ફરિયાદ આધારે મહિલા પોલીસે સહજાનંદ હરિકૃષ્ણ પટેલ, હેમાંગીની હરિકૃષ્ણ પટેલ, રસીલાબહેન હરિકૃષ્ણ પટેલ, હરિકૃષ્ણ છોટાભાઈ પટેલ, પ્રશાંત હરિકૃષ્ણ પટેલ સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...