આણંદમાં તમાકુનો વેપાર કરતા અને ઉચ્ચ પરિવારના વૃદ્ધના વિકૃત કૃત્યથી પોલીસ પણ ચોંકી ગઇ છે. આ વૃદ્ધે ટ્યુશને જતી ચાર વિદ્યાર્થિનીને ભરબજારમાં ફિલ્મી ઢબે રોકી તેના ગાલ પર હાથ ફેરવ્યો હતો. આ બનાવના ઘેરા પડઘા પડ્યા હતા અને મામલો પોલીસ મથકે પહોંચ્યો હતો. આ અંગે શહેર પોલીસે ગુનો નોંધી વેપારીની ધરપકડ કરી આગળની તપાસ હાથ ધરી છે.
આણંદ શહેરના ગોપી સિનેમા રોડ પર હરિ ટ્યુશન કલાસીસના દરવાજા પાસે જ ચાર વિદ્યાર્થિનીની છેડતી થઇ હતી. શહેરના હરિ ટ્યુશન કલાસીસના ગેટ પાસે રવિવારે બપોરે ચાર વિદ્યાર્થિની ચાલતા ચાલતા રોડ પર જઇ રહી હતી. તે દરમિયાન પાછળથી વૃદ્ધ ધસી આવ્યો હતો અને ચારેય વિદ્યાર્થિનીને ઉભી રાખી તેમના નામ, સરનામા પુછી હાથ લંબાવી વારા ફરતી બધાના હાથ પકડી તમામને ગાલ પર હાથ ફેરવ્યા હતાં. જોકે, વિદ્યાર્થિનીઓએ વિરોધ કરવા છતાં ગાલ પર હાથ ફેરવી સ્પર્શ કરી ચૂંટલી ખણી હતી. અચાનક બનેલા આ બનાવથી વિદ્યાર્થિનીઓ ગભરાઇ ગઇ હતી અને રડવા લાગી હતી.
આ અંગે વાલીઓને જાણ કરતા મામલો પોલીસ મથકે પહોંચ્યો હતો. તપાસ કરતાં આ વૃદ્ધ હોવાનું જાણવા મળ્યું હતું. આ અંગે શહેર પોલીસે વૃદ્ધ સામે ગુનો નોંધી તેની ધરપકડ કરી હતી.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.