વૈદિક હોળીનું આકર્ષણ:આણંદ જિલ્લામાં શહેર અને ગામડે ભક્તિભાવપૂર્વક હોલિકાદહન ઉત્સવ ઉજવાયો

આણંદએક મહિનો પહેલા
  • કૉપી લિંક

આણંદ જિલ્લામાં આજે હોલિકાદહનનો ઉત્સવ ખૂબ જ ભાવભક્તિ સાથે ઉજવાયો હતો.આણંદ શહેર અને જિલ્લાના ગલી,મહોલ્લા ,સોસાયટીઓમાં ધર્મપ્રેમી પ્રજાએ પરંપરાગત ધાર્મિક વિધિપૂર્વક પૂજન અર્ચન કરી હોળી પ્રગટાવી હતી.શ્રધ્ધાળુ નાગરિકોએ બીલું ,કેસૂડો,ફૂલ ,શ્રીફળ, તલ અને અન્ય પૂજન સામગ્રી સાથે હોળી પૂજન કરી હોળીનો ઉપવાસ છોડ્યો હતો.

ભારતીય સંસ્કૃતિમાં હોળીનું ઉત્સવનું ધાર્મિક જ નહીં પણ સામાજિક એકતાનું પણ પ્રતીક માનવામાં આવે છે.અનેક ગામો અને શહેરોમાં જાહેર સ્થળે આજે પણ તમામ જ્ઞાતિ સમાજના લોકો ભેગા થઈ હોળી ઉત્સવ ઉજવે છે.વળી હોળીની જ્વાળાનો તાપ પણ શરીરના કળતર અને તાવ અને રોગોને નષ્ટ કરનારો ગણાતો હોઈ અને શ્રધ્ધાળુઓ આ જ્વાળાનો દૂર થઈ શેક લેતા હોય છે.જોકે ચાલુ વર્ષે વૈદિક હોળીનું આકર્ષણ વધ્યું છે.જિલ્લામાં અનેક જગાઓએ ગાયના ગોબરમાંથી બનેલ સ્ટીક અને છાણાનો ઉપયોગ કરી વૈદિક હોળી પ્રગટાવવામાં આવી હતી.

આ વર્ષે આણંદ વિદ્યાનગર માર્ગ ઉપર આવેલ મોતીકાકાની ચાલી પાસે આવેલ ચોગાનમાં સરદાર યુવક મંડળ દ્વારા વૈદિક હોળી મહોત્સવ ઉજવવામાં આવ્યો હતો. આ ઉપરાંત વિદ્યાનગરમાં સ્ટ્રાઈકર પરિવાર અને ભગતસિંહ ઓલ ઈન્ડિયા યુથ કાઉન્સીલ દ્વારા પણ 10 હજારથી વધુ ગાયના છાણાનો ઉપયોગ કરી વૈદિક હોળી ઉત્સવ મનાવવામાં આવ્યો હતો.ભક્તો શ્રધ્ધાળુઓ દ્વારા હોળીકાદહનના દર્શન ,પૂજન અને પ્રદક્ષિણા કરી આ ઉત્સવને ભક્તિમય બની ઉજવ્યો હતો.

આ અંગે સરદાર યુવક મંડળના પ્રમુખ બિંજેશભાઈ પટેલે જણાવ્યું હતું કે ભારતીય સમાજમાં ઉત્સવો આપણી સંસ્કૃતિ, પરંપરા અને ગૌરવ છે. આ વર્ષે અમોએ ભારતીય વૈદિક ઋષિ પરંપરાને આધીન ગાયના છાણમાંથી બનેલી ગોબરસ્ટીકની મદદથી વૈદિક હોળી પ્રગટાવી હોળી મહોત્સવ ઉજવ્યો છે.આ પ્રકારે હોલિકાદહન ઉત્સવ ઉજવણીની ધાર્મિકકાર્ય દ્વારા પર્યાવરણના જતન, ગૌવંશ સંવર્ધન પણ થયુ હોવાનો સંતોષ છે.વળી વૈદિક હોલિકાદહનથી વાતાવરણમાં વ્યાપ્ત પ્રદુષણ અટકશે. વાતાવરણમાં શુધ્ધિ પ્રસરશે તેમજ પવિત્રતા નિર્માણ થશે.

આ અંગે એનઆરઆઈ વ્યવસાયિક અલ્પેશભાઈ પટેલ વૈદિક હોળીદહનનો દર્શનલાભ લઇ ભાવવિભોર થયા હતા.તેઓએ વૈદિક હોલિકાદહનના આ પ્રયાસને વખાણ્યો હતો અને પ્રતિવર્ષ પર્યાવરણની રક્ષા અને ગૌસંવર્ધનના સંકલ્પ સાથે ધર્મપ્રેમી ગુજરાતી જનતા આ પ્રકારે વૈદિક હોળીનો પ્રચાર પ્રસાર કરે ઉત્સવ પ્રકૃતિના પૂજન અને ભક્તિભાવ પૂર્વક ઉજવે તેવી જાહેર અપીલ અને મંગલકામના કરી હતી.

અન્ય સમાચારો પણ છે...