તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ખેડૂતો ખુશ:આણંદ જિલ્લામાં 57,356 કવિન્ટલ ઘઉંની ટેકાના ભાવે ખરીદી થઇ, ખેડૂતોને રૂ.8.70 કરોડ મળ્યા

આણંદ3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • ટેકાના ભાવે 30 જૂન સુધી ખરીદી ચાલુ રહેશે

આણંદ જિલ્લામાં પાક ઉતરવાની તૈયારીઓ હોય ત્યારે જ વેપારીઓ સંગઠિત થઈ પાકની ખરીદીના ભાવમાં કડાકો બોલાવી ખેડૂતો પાસેથી માલ પટકાવી લે અને તે માલના બે જ મહિના બાદથી ભાવ ચઢવાના ચાલુ થાય તો ખેડૂત માથે હાથ લઈ માલ વહેલો વેચ્યો નો પસ્તાવો કરતો હોય છે. આ મુદ્દે સરકારે નિશ્ચિત પદ્ધતિ હેઠળ ટેકાના ભાવ નક્કી કરતા ખેડૂતોને પાકના સ્પર્ધાત્મક ભાવ મળતા થયા છે. અને વેપારીઓ દ્વારા કરાતા શોષણમાં પણ ઘટાળો થયો છે. અન્ન અને નાગરિક પુરવઠા વિભાગે જિલ્લાના જુદા જુદા કેન્દ્રો પરથી 1099 ખેડૂતોએ 57356 કવીન્ટલ ઘઉંનું વેચાણ કર્યું છે.

15 જૂન સુધીમાં કુલ 1099 ખેડૂતોએ 57356 કિવન્ટલ ઘઉંનું વેચાણ કર્યું

કોરોના મહામારીમાં ખેડૂતોને ખેતપેદાશો માટે પણ વેચાણ માટે અનેક મુશ્કેલીઓ સામે આવી હતી. આર્થિક રીતે ખેડૂતોને યોગ્ય ભાવ મળી રહે તે હેતુથી પુરવઠા વિભાગે પ્રતિમણ રૂા.390 થી ટેકાના ભાવે ઘઉં ખરીદી ભાવ જાહેર કર્યો હતો. આણંદ જિલ્લામાં સરકારી કેન્દ્રોમાં ઘઉં વેચાણ માટે 2662 ખેડૂતોને રજીસ્ટ્રેશન કરાવ્યું હતું. જિલ્લામાં 15 જૂન સુધીમાં કુલ 1099 ખેડૂતોએ 57356 કિવન્ટલ ઘઉંનું વેચાણ કર્યું છે. જેમાં 14 જૂન સુધી 873 ખેડૂતોને રૂા.8.70 કરોડ ચૂકવણી કરી દેવામાં આવી છે.

226 ખેડૂતોને ટૂંક સમયમાં જ નાણાં ખાતામાં જમા કરાશે

તેમજ બાકી રહેલા 226 ખેડૂતોને ટૂંક સમયમાં જ નાણાં ખાતામાં જમા કરાવવામાં આવનારા છે. કોરોના મહામારીમાં ખરીદ કેન્દ્રો પર છેલ્લા ઘણા સમયથી મંદી જેવો માહોલ હતો. પરંતુ નિયમો છુટછાટ આપવામાં આવતાં સરકારી ગાઈડલાઈન મુજબ હાલ ખેડૂતોને કમશઃ બોલાવીને ખરીદી કરવામાં આવી રહી છે. 30 જૂન સુધીની અંતિમ મુદ્દત હોવાનું પુરવઠા વિભાગના સૂત્રોએ જણાવ્યું હતું. રજીસ્ટ્રેશન કરાવ્યા બાદ વેચાણ કર્યા બાદ બાકી રહેલા ખેડૂતોને લેખિત મૌખિક સૂચનાઓ આપીને 30 મી જૂન અગાઉ વેચાણ કરવા જણાવ્યું છે.

અન્ય સમાચારો પણ છે...