કિશોરોએ ઉત્સાહભેર વેક્સિન લીધી:15થી 18ની વય જૂથના 1,08,858 બાળકોમાંથી પ્રથમ દિવસે 16, 329 બાળકોને રસી મુકવામાં આવી

આણંદ20 દિવસ પહેલા
  • આણંદ શહેર-જિલ્લામાં 15થી 18 વર્ષના કિશોરો માટે રસીકરણનો પ્રારંભ થયો
  • આણંદની ડી.એન. હાઇસ્કૂરલ ખાતે સાંસદ મિતેષભાઇ પટેલ અને પૂર્વ શિક્ષણ મંત્રી ભુપેન્દ્રસિંહ ચુડાસમા ઉપસ્થિત રહ્યા
  • 15+ને રસીકરણના પ્રથમ દિવસે 15 ટકા સિદ્ધિ

આણંદ શહેર અને જિલ્લામાં સોમવારથી 15થી 18 વર્ષના કિશોરવય માટે કોરોના વિરોધી રસી આપવાનું ઝબેશ શરૂ કરવામાં આવી છે. જેમાં પ્રથમ દિવસે જ જિલ્લામાં વિવિધ સ્થળે 16 હજારથી વધુ કિશોરોને રસી આપવામાં આવી હતી. જેમાં પૂર્વ મંત્રી, સાંસદ, કલેક્ટર સહિત મહાનુભાવો હાજર રહ્યાં હતાં. આ અભિયાન અંતર્ગત જિલ્લાના 1.08 લાખ કિશોરને રસી આપી કોરોના સામે સુરક્ષા પ્રદાન કરવામાં આવશે.

આણંદ શહેર અને જિલ્લામાં 15થી 18 વર્ષના કિશોરને વેકસિન આપવાનો સોમવારથી પ્રારંભ થયો છે. જિલ્લામાં શાળાએ જતાં 84 હજાર 398 અને શાળાએ ન જતાં હોય તેવા 24 હજાર 460 બાળકો મળી કુલ 1 લાખ 8 હજાર 858 કિશોર-કિશોરીઓને કોરોના પ્રતિરોધક રસી આપવામાં આવશે. પ્રથમ દિવસે શહેરની ચરોતર એજ્યુકેશન સોસાયટી સંચાલિત ડી. એન. હાઈસ્કૂલ ખાતે સાંસદ મિતેષ પટેલ, પૂર્વ શિક્ષણ મંત્રી ભુપેન્દ્રસિંહ ચુડાસમા, જિલ્લા પંચાયતના પ્રમુખ હંસાબહેન પરમાર સહિત ઉચ્ચ અધિકારીઓ હાજર રહ્યાં હતાં અને બાળકોને રસી લેવા ઉત્સાહ વધાર્યો હતો.

આ રસીકરણ ઝુંબેશમાં સૌથી વધુ ચિંતા આડઅસરની હતી. આથી, સાંસદ મિતેષભાઈ પટેલ, પૂર્વ શિક્ષણ મંત્રી ભુપેન્દ્રસિંહ ચુડાસમાએ બાળકોએ રસી લીધા બાદ તેમના માટે તૈયાર કરવામાં આવેલા ઓબ્ઝર્વેશન રૂમની મુલાકાત લીધી હતી અને સંવાદ કર્યો હતો.

આણંદ શહેરની ડી.એન. હાઈસ્કૂલમાં અભિયાનના પ્રથમ દિવસે જ અંદાજે બે હજારથી વધુ બાળકોને કોરોના પ્રતિરોધરક રસી મુકાય જાય તેવું આયોજન કરીને પાંચ ટીમ કાર્યરત કરવામાં આવી હતી. જેમાં બાળકોનું સ્થળ ઉપર જ રજીસ્ટ્રેશન કરીને રસી મુકવામાં આવી હતી. બાદમાં જે બાળકે રસી મુકાવી દીધી હોય તેઓને ઓબ્ઝર્વેશન રૂમમાં બેસાડીને તેમને કોઇ આડ અસર થઇ છે કે કેમ? તેની દેખરેખ રાખવામાં આવી હતી.

જિલ્લામાં સોમવાર બપોર સુધીમાં 16 હજાર 320 કિશોરને કોરોના પ્રતિરોધક રસી આપવામાં આવી હતી. આ પ્રસંગે જિલ્લા પંચાયત કારોબારી સમિતિના ચેરમેન પ્રદીપ પટેલ, જિલ્લા વિકાસ અધિકારી બી. જી. પ્રજાપતિ, મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડો.એમ.ટી. છારી વિગેરે હાજર રહ્યાં હતાં.

પેટલાદ સ્કૂલમાં પણ રસીકરણ કરાયું
સરકારના ગાઈડ લાઇન પ્રમાણે 15થી 18 વર્ષની વયજૂથના બાળકોનું રસીકરણ કાર્યક્રમની શરૂઆત કરી હતી. જે અન્વયે પેટલાદ શહેરી વિસ્તારમાં સોમવારે વેસ્ટર્ન ઇંગ્લીશ મીડીયમ સ્કૂલ તથા પી.પી. પટેલ કન્યા વિદ્યાલય ખાતે 15થી 18 વર્ષના કિશોરની રસીકરણની કામગીરી અર્બન હેલ્થ સેન્ટર પેટલાદના સ્ટાફ દ્વારા કરવામાં આવી હતી. જેમાં વેસ્ટર્ન ઇંગ્લીશ મિડિયમ સ્કૂલમાં 259 બાળકો અને પી.પી. પટેલ કન્યા વિદ્યાલયના 300 બાળકો એણ કુલ 559 વિદ્યાર્થીનું રસીકરણ કરવામાં આવ્યું છે.
આ કાર્યક્રમમાં વેસ્ટર્ન ઇંગ્લીશ મીડીયમ સ્કૂલ તથા પી.પી. પટેલ કન્યા વિદ્યાલયના પ્રિન્સીપાલ દ્વારા સારો સહયોગ મળ્યો છે. જેના અન્વયે તમામ કિશોરનું સોમવારે રસીકરણ કામગીરી પૂર્ણ કરી છે. આ ઉપરાંત વિદ્યાર્થીઓ અને વાલીઓનો સારો પ્રતિસાદ મળ્યો છે.

જિલ્લાની 352 માધ્યમિક શાળામાં રસી આપવામાં આવશે
આણંદ જિલ્લાની કુલ 352 માધ્યમિક શાળા સહિત જિલ્લાના 277 સબ સેન્ટર અને 53 પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ખાતે કિશોરને રસી આપવામાં આવશે. આ ઉપરાંત 10મી જાન્યુઆરી,22 પછી જિલ્લાના 13,528 હેલ્થ વર્કર અને 15,752 ફ્રન્ટલાઇન કોરોના વોરિયર્સ તેમજ 60 વર્ષથી વધારે વયના સીનિયર સિટિઝન અને કો-મોર્બિંગ દર્દીઓ જેઓએ અગાઉ રસીના બંને ડોઝ લીધા હોય તેઓએ પણ ડોક્ટરની સલાહ મુજબ બુસ્ટર ડોઝ આપવાનું પણ આયોજન કરવામાં આવ્યું છે.

પાંચથી સાત દિવસમાં તમામ કિશોરને રસી આપી દેવામાં આવશે
આ પ્રસંગે કલેક્ટર મનોજ દક્ષિણીએ જણાવ્યું હતું કે, જિલ્લામાં આગામી પાંચથી સાત દિવસમાં જ 15થી 18 વર્ષના તમામ બાળકોને કોરોના પ્રતિરોધક રસી આપી સુરક્ષા પ્રદાન કરવામાં આવશે. આથી, બાળકો અને વાલીઓને કોરોના પ્રતિરોધક રસી મૂકાવી દઇ સુરક્ષિત થવા અપીલ કરી છે.

ઇન્જેકશનથી ડર લાગે છે પણ સુરક્ષિત થવા રસી મૂકાવી
મને નાનપણથી ઇન્જેકશનની બીક લાગે છે. મેં કયારેય ઇન્જેકશન મુકાવ્યું ન હતું. પરંતુ કોરોનાથી મારી જાતને, પરિવારને અને અન્યોને સુરક્ષિત કરવા માટે મે રસી મુકાવી હતી. દરેક વિદ્યાર્થીઓ વેક્સિન લઇને શાળાને સુરક્ષિત કરવી જોઇએ. - અનિશા તળપદા, ધો. 11, ડી.એન.હાઇસ્કૂલ, આણંદ

કોરોનાની અસર ના થાય તે માટે વેક્સિન મુકાવી
કોરોનાની બે લહેર પૂરી થયા બાદ છેલ્લા કેટલાક દિવસોથી જિલ્લામાં કોરોના સંક્રમણ પુનઃ વધી રહ્યું છે. ત્યારે તેની ઝપેટમાં ન આવી જવાય તેમજ જો કદાચ તેની અસર થાય તો પણ રોગપ્રતિકારક શકિત વધે અને સંક્રમણની ગંભીર અસર ન થાય તે માટે વેક્સિન મુકાવી છે. - સમીતકુમાર પરમાર, વિદ્યાર્થી

રોગપ્રતિકારક શક્તિ વધતાં હવે મૃત્યુનો ડર ના રહ્યો
રસી મળી ન હતી ત્યાં સુધી કોરોના થાય તો મૃત્યુ પામ્યાની બીક લાગતી હતી. પરંતુ સોમવારે વેક્સિન મળી જતાં હું ખુશ છું. જેથી મારી રોગ પ્રતિકારક શકિત વધી જશે. કોરોનાની અસર ઓછી થાય છે. મોતનો ડર પણ રહેતો નથી ત્યારે દરેક વિદ્યાર્થીઓ વેક્સિન મુકાવી જોઇએ. - માહી પટેલ, આંકલાવ હાઇસ્કૂલ

કોરોનાનું સંક્રમણ ફરી ફેલાયું છે ત્યારે રસી ખુબ જ જરૂરી
હાલમાં પુનઃ કોરોના સંક્રમણ ફેલાયું છે ત્યારે વેક્સિન લીધી હોય તો ચેપ લાગવાની શકયતા ઓછી રહે છે. હું વેક્સિન મુકાવીને ખુશ થઇ ગયો છે. હું હવે સુરક્ષિત બની ગયો છે ત્યારે તમામ વિદ્યાર્થીઓ રસી મુકાવી જોઇએ. વેક્સિન મુકાવવાથી હું અને મારો પરિવાર પણ સુરક્ષિત થઈ ગયા છીએ. - રાકેશ પઢિયાર, આંકલાવ હાઇસ્કૂલ

​​​​​​​મારી બા એ રસી ન લેતા કોરોનાથી મોત નિપજ્યું હતું
ધોરણ 10 માં અભ્યાસ કરતી દીકરી એ જણાવ્યું હતું કે આજે અમારી રસી પણ આવી ગઈ અને તે પણ ફ્રી માં જેથી અમે આજે રસી મુકાવી દીધી છે. અમારા બાએ રસી મુકાવી નહીં તેઓને કોરોના થતા સારવાર કરાવેલ પરંતુ આજે તે અમારી જોડે રહીયા નથી. - મહેક તપોધન, જે ડી પટેલ કન્યાવિદ્યાલય. બોરસદ

​​​​​​​રસી મુકવાતા ડર લાગતો હતો પરંતુ મુકી ત્યારે ખબર ન પડી
ધોરણ 11 અભ્યાસ કરતાં વિદ્યાર્થીઅે જણાવ્યું હતું કે રસી મુકાયા પહેલા બહુ બીક લાગતી હતી પરંતુ રસી મુકાઇ ગઇ તેની ખબર પણ પડી નહી હવે કોરોનાની બીક નહીં લાગે કોરોના થશે તો પણ ઘરે જ સાજા થઈ જઈશું મને પહેલા જ દિવસે રસિ મળી જતા ખૂબ જ આનંદ છે. - જય રાકેશભાઈ પ્રજાપતિ,જે ડી પટેલ હાઇસ્કુલ બોરસદ

અન્ય સમાચારો પણ છે...