કોરોનાનો કહેર:આણંદ જિલ્લામાં ડિસેમ્બરના 31 દિવસમાં 122 કેસ જાન્યુઆરીના 5 દિવસમાં જ 281, બુધવારે 114 દર્દી

આણંદ15 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • ડિસેમ્બરમાં દૈનિક 4 કેસની સામે જાન્યુઆરીમાં રોજના સરેરાશ 56 કેસ નોંધાયા

આણંદ જિલ્લામાં ગ્રામ પંચાયતોની ચૂંટણી પછી કોરોના સંક્રમણમાં જબરદસ્ત ઉછાળો આવ્યો છે. ડિસેમ્બરના મધ્ય સુધી કોરોનાના એકલદોકલ કેસ નોંધાતા હતા પરંતુ ત્યારબાદ પરિસ્થિતિ જાણે નિયંત્રણ બહાર હોય તેવો માહોલ સર્જાયો છે. એટલું જ નહીં જાન્યુઆરીના પ્રથમ પાંચ દિવસમાં તો રેકોર્ડબ્રેક કેસ નોંધાઇ રહ્યા છે જે જિલ્લાવાસીઓની સાથે આરોગ્ય તંત્ર માટે પણ ચિંતાનો વિષય છે.

આંકડાકીય વિગતોની વાત કરીએ તો ડિસેમ્બરના 31 દિવસમાં જિલ્લામાં કોરોનાના કુલ 122 કેસ નોંધાયા હતા તેની સામે જાન્યુઆરી 1 થી 5 તારીખ સુધીમાં 281 દર્દીઓ સરકારી ચોપડે નોંધાયા છે. આમ જોઇએ તો ડિસેમ્બર માસમાં સરેરાશ પ્રતિદિન 4 કેસની સામે જાન્યુઆરીમાં રોજના 56 કોરોનાના પોઝિટિવ કેસ આવી રહ્યા છે. હાલમાં 339 એકટીવ દર્દીઓ છે. જેમાંથી 21 દર્દીઓ સારવાર લઇ રહ્યાં છે બાકીના હોમ આઇસોલેશનમાં છે.

આણંદ શહેરમાં ચારેતરફ કોરોના સંક્રમણ ફેલાઇ ગયું છે. 17 વધુ વિસ્તારો કોરોની ઝપેટમાં આવી ગયા છે. જેમાં ખાસ કરીને વિદેશથી આવેલા સંક્રમિત એનઆરઆઇનું પ્રમાણ પણ ઘણું ઊંચું છે. ગ્રામ પંચાયતની ચૂંટણી બાદ પેટલાદ, સોજીત્રા, ખંભાત, બોરસદ અને ઉમરેઠ વિસ્તારમાં કોરોના સંક્રમણ ફેલાઇ જતાં કોરોના પોઝિટીવ કેસ મળી રહ્યાં છે. જેમાં બોરસદ તાલુકામાં 8, પેટલાદમાં 5 અને સોજીત્રા તાલુકામાં 2 અને ઉમરેઠમાં 2 પોઝિટિવ કેસ મળ્યા છે. તેમ છતાં હજુ પણ સામાજીક પ્રસંગો , રાજકીય કાર્યક્રમો સહિત આણંદ, વિદ્યાનગર ઉપરાંત જિલ્લાના તાલુકા મથકોની બજારોમાં કોવિડની ગાઇડ લાઇના ધજાગરા ઉડી રહ્યા છે. જેના કારણે કોરોના સંક્રમણ બેકાબુ બન્યો છે.

સંક્રમણ ફેલાવવાના મુખ્ય કારણો

  • ગ્રામ પંચાયતની ચૂંટણી
  • લગ્ન પ્રસંગો, સમૂહ લગ્નો
  • એનઆરઆઇનું આગમન
  • રાજકીય કાર્યક્રમો અને સામાજીક મેળાવડા
  • માસ્ક અને સોશિયલ ડિસ્ટન્સીંગના નિયમોનું ઉલ્લંઘન

માસ્કનો શોર્ટકટ
આણંદ નગરપાલિકામાં માસ્ક પહેર્યા વિના પ્રવેશી રહેલા યુવકને અટકાવાતા નવો ખરીદેલા શર્ટને માસ્ક તરીકે ઉપયોગ કર્યો

અન્ય સમાચારો પણ છે...