આણંદ-ખેડા જિલ્લો કોંગ્રેસનો ગઢ ગણાય છે. સાત દાયકામાં પ્રથમ વખત આણંદ-ખેડા જિલ્લામાં કેટલીક બેઠકો પર ઉમેદવાર જાહેર કરવામાં કોંગ્રેસ મૂંઝવણ અનુભવી રહ્યું છે. કોંગ્રેસે ચરોતરની 13 બેઠકોમાંથી માત્ર 7 બેઠક પર ઉમેદવાર જાહેર કર્યા છે. જેમાં આણંદ જિલ્લાની આંકલાવ, બોરસદ, સોજિત્રા અને આણંદ બેઠક પર ધારાસભ્યોને રિપીટ કર્યા છે.
જ્યારે પેટલાદ બેઠક પર બે ઉચ્ચ નેતાઓની ખેંચતાણના પગલે જાહેર ન કરી શકાતા તેની અસર ખંભાત બેઠક પર પણ જોવા મળી રહી છે. જ્યારે ખેડા જિલ્લામાં કોંગ્રેસ હજી માતર, કપડવંજ, ઠાસરા અને મહેમદાવાદ બેઠક પરના ઉમેદવાર જાહેર કરી શકી નથી. અગાઉ નડિયાદ બાદ હવે મહુધામાં ઉમેદવાર જાહેર કરાયા છે. અહીં વર્તમાન ધારાસભ્યને રિપીટ કરાયા છે.
આણંદ: ક્ષત્રિય, OBC અને મુસ્લિમ સમાજમાં પકડ હોવાથી ચોથી વખત મેદાનમાં ઉતાર્યા
કાંતિભાઈ સોઢાપરમાર વ્યવસાય વેપાર - ખેતી; 2017નું પરિણામ કોંગ્રેસના કાંતિભાઈ સોઢાપરમાર ભાજપના ઉમેદવાર સામે 5286 મતે વિજેતા બન્યા હતા
પસંદગીનું કારણ શું: આણંદ જિલ્લામાં કોંગ્રેસ સાથે ત્રણ દાયકાથી રહેલા અને અગાઉ આણંદ જિલ્લા કોંગ્રેસ પ્રમુખ તરીકે તેમજ તાલુકા પંચાયત પ્રમુખ રહી ચૂકેલા કાંતિભાઈ સોઢા પરમારને આણંદ બેઠક પર સતત ચોથી વખત ટિકિટ આપવામાં આવી છે. તેની પાછળનું મુખ્ય કારણ વર્ષોથી જિલ્લામાં કોંગ્રેસ સંગઠનને મજબૂત બનાવી જાળવી રાખવા માટે ભારે યોગદાન આપ્યું છે. ક્ષત્રિય, OBC અને મુસ્લિમ સમાજમાં પકડ ધરાવતા હોવાથી તેમની પસંદગી કરાઈ છે.
આંકલાવ: પરિવારવાદ તો ખરો જ પણ વિસ્તારમાં મજબૂત સંપર્ક ધરાવતા હોવાથી રિપીટની હેટ્રિક
અમિત ચાવડા વ્યવસાય- ખેતી 2017નું પરિણામ કોંગ્રેસના અમિત ચાવડા ભાજપના ઉમેદવાર સામે 33629 મતે જીતી ગયા હતા
પસંદગીનું કારણ શું: આંકલાવના ધારાસભ્ય અમિત ચાવડા સ્વ. માધવસિંહ સોલંકી પરિવાર સાથે સંકળાયેલા છે, તેઓ ગુજરાત પ્રદેશ પ્રમુખ પદે પણ રહી ચૂક્યાં છે અને તેઓ સહકારી ક્ષેત્રની સૌથી મોટી ગણાતી સંસ્થા અમુલ સહિતની સંસ્થાઓમાં ડીરેક્ટર પદે સેવા આપી રહ્યાં છે. આ ઉપરાંત આંકલાવ બેઠક પર સતત બે વખત 35 હજારથી વધુ લીડ સાથે જીત મેળવી રહ્યાં છે. આ અગાઉ બોરસદ બેઠક પર પણ ચૂંટણી લડી ચૂક્યાં છે. જેથી તેમને રિપીટ કરવામાં આવ્યાં છે.
બોરસદ: ગામે ગામ ફેલાયેલા સહકારી મંડળીના નેટવર્કનો ફાયદો ઉઠાવવા સતત ત્રીજીવાર તક
રાજેન્દ્રસિંહ પરમાર વ્યવસાય વેપાર - ખેતી; 2017નું પરિણામ કોંગ્રેસના રાજેન્દ્રસિંહ પરમાર ભાજપના ઉમેદવાર સામે 11468 મતોથી જીત્યા હતા
પસંદગીનું કારણ શું: રાજેન્દ્રસિંહ પરમાર બોરસદ પંથકમાં ઠેઠ ગામડાની મંડળીઓ સુધી નેટવર્ક ધરાવે છે. 2002માં ભાદરણ બેઠક પરથી અપક્ષ ઉમેદવારી નોંધાવીને 35 હજારથી વધુ લીડ મેળવી વિજેતા બન્યાં હતા. આમ, છેલ્લી પાંચ ટર્મથી બોરસદ બેઠક પર વર્ચસ્વ ધરાવે છે અને ત્રણ વખત વિજેતા બન્યા છે. અમૂલ ડેરીના છેલ્લા 6 વર્ષથી વાઈસ ચેરમેન પદે છે. આ ઉપરાંત OBC ક્ષત્રિય મુસ્લિમ સમાજમાં પણ પ્રભુત્વ ધરાવે છે જેને લઈને તેઓને પુનઃ મેદાનમાં ઉતારવામાં આવ્યાં છે.
સોજિત્રા: 2 ટર્મ નજીવી સરસાઇની જીતીને બેઠક જાળવી રાખી, હવે ત્રીજી ટર્મ માટે પુન : પસંદગી
પૂનમ પરમાર વ્યવસાય ખેતી; 2017નું પરિણામ કોંગ્રેસના પૂનમ પરમાર ભાજપના ઉમેદવાર સામે 2388 મતોથી જીતી ગયા હતા
પસંદગીનું કારણ શું: સોજિત્રા બેઠક પર ધારાસભ્ય પૂનમ પરમારને ત્રીજી વખત મેદાનમાં ઉતાર્યા છે. તેઓ અગાઉ તારાપુરના સરપંચ અને સહકારી મંડળીઓમાં સભ્ય રહી ચૂક્યાં છે. વિધાનસભાના 89 ગામો સુધી સંપર્ક ધરાવે છે. 2012 અને 2017માં નજીવી સરસાઈ સાથે તેઓએ જીત મેળવી છે પરંતું કપરા સંજોગોમાં પણ સાથે રહીને સંગઠનને મજબૂત કરવા માટે તેમનું યોગદાન રહેલું છે. પાંચ વર્ષ દરમિયાન વિકાસના કામોને પ્રાધાન્ય આપ્યંુ છે. જેને લઈને તેઓને પુનઃ મેદાનમાં ઉતાર્યા છે.
મહુધા: 7 ટર્મથી એક જ પરિવારનું વર્ચસ્વ, પિતા બાદ હવે પુત્રને બીજી ટર્મ માટે યથાવત રખાયા
ઈન્દ્રજિતસિંહ પરમાર વ્યવસાય ખેતી; 2017નું પરિણામ કોંગ્રેસના ઈન્દ્રજિતસિંહ પરમાર ભાજપના ઉમેદવાર સામે 13601 મતે વિજેતા બન્યા હતા
પસંદગીનું કારણ શું: મહુધા બેઠક પર છેલ્લી સાત ટર્મથી નટવરસિંહ પરમારનું વર્ચસ્વ હતું. તેઓ સૌથી વધુ વખત ધારાસભ્ય રહ્યાં છે અને વર્ષોથી કોંગ્રેસમાં સેવા આપી રહ્યાં હતા. તેમજ સંગઠનનેે મજબૂત બનાવવા માટે તેમનો ફાળો રહેલો છે. જેથી ગત ટર્મમાં તેમના પુત્ર ઈન્દ્રજિતસિંહ પરમારને ટિકિટ ફાળવવામાં આવતા તેઓ વિજેતા પણ બન્યા હતા. આ બેઠક પર OBC, ક્ષત્રિય અને મુસ્લિમ મતદારો વધુ છે. તેઓ પોતાના વિસ્તારમાં તમામ જ્ઞાતિના લોકોને સાથે રાખી કામ કરતા હોવાથી પુનઃ પસંદગી પામ્યાં છે.
અત્યાર સુધી ઉમેદવારો નક્કી કરતા ભરતસિંહ સોલંકી આડા ઉતરતા કોંગ્રેસ અવઢવમાં
ખેડા જિલ્લામાં છેલ્લા પાંચ વર્ષમાં કોંગ્રેસ સંગઠન કડકભૂસ થઈ ગયું છે. હાલમાં તો જિલ્લાની કમાન સંભાળી શકે તેવા સક્ષમ પ્રમુખ પણ નથી. આ ઉપરાંત કોંગ્રેસના ઉચ્ચ કોટીના કાર્યકરો છેલ્લા દોઢ વર્ષથી ભાજપમાં જોડાઈ ગયા છે જેના કારણે કપડવંજ, ઠાસરા, માતર અને મહેવદાવાદ બેઠક પર ચૂંટણીમાં સારૂ કાઠું કાઢી શકે તેવા ઉમેદવારની શોધમાં છેલ્લા ત્રણ માસથી ફરતા હોવા છતાં હજુ સુધી યોગ્ય ઉમેદવાર મળ્યો નથી. કોંગ્રેસ પાસે અન્ય કોઈ વિકલ્પ નથી તેથી ચાર બેઠકોનું કોકડું ગુંચવાયું છે. જ્યારે આણંંદ જિલ્લામાં પેટલાદ બેઠક પર ભરતસિંહ ચૂંટણી લડવા માંગતા હોવાથી મામલો ગૂંચવાયો હતો. જ્ના કારણે પેટલાદ બેઠકના ઉમેદવાર જાહેર થઈ શક્યા નથી. પટેલ અને ક્ષત્રિયનું કોમ્બિનેશન જાળવવા માટે ખંભાત બેઠક પર પણ ઉમેદવાર જાહેર કરી શકાયો નથી.
6 બેઠકના ઉમેદવારો માટે થોભો અને રાહ જુઓની નિતિ
ચરોતરમાં ભાજપે મોટા ભાગના ઉમેદવારો જાહેર કરી દીધા છે. આમ આદમી પાર્ટીએ પણ 11 બેઠક પર ઉમેદવાર જાહેર કરી દીધા છે. હજી કોંગ્રેસ કપડવંજ, ઠાસર, માતર અને મહેમદાવાદ સહિત 6 બેઠક પર ઉમેદવારની પસંદગી કરવામાં થોભો અને રાહ જુઓની નિતીને અનુસરી રહી ં છે. આણંદની પેટલાદ બેઠક પર ઉમેદવાર જાહેર થાય તેના ઉપર ખંભાત બેઠકની પસંદગી નિર્ભર છે. જો કે, હાલના સંજોગોમાં મોડી રાત સુધી બાકી રહેલા ઉમેદવાર જાહેર કરે તેવું આધારભૂત સૂત્રોએ જણાવ્યું હતું.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.