આણંદ શહેરના સોજીત્રા રોડ પર આવેલી સિમંધર સોસાયટીમાં બે પડોશી વચ્ચે ઝઘડો થયો હતો. આ ઝઘડામાં મહિલાને તાંત્રિક વિધિ કરી તેના પરિવારને વેરવિખેર કરી નાંખવાની ધમકી આપતા તેમને લાગી આવ્યું હતું અને ઝેરી દવા પી લેતા તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યાં હતાં.
આણંદના સીમંધર સોસાયટીમાં રહેતા ભારતીબહેન મહેશભાઈ જાની (ઉ.વ.45)ના પડોશમાં છએક મહિના પહેલા ડાહ્યાભાઈના મકાનમાં ભાડુઆત તરીકે રાજુભાઈ અને તેમના પત્ની મીનાબહેન રહેવા આવ્યાં હતાં. દરમિયાનમાં રવિવારના રોજ સવારમાં ઘરમાં પોતું કરી તેનું ગંદુ પાણી બહાર ઢોળીને ભારતીબહેન ઘર તરફ જઇ રહ્યાં હતાં. આ સમયે રાજુભાઈ અને મીનાબહેન કોઇ કારણસર એકદમ ઉશ્કેરાઇ ગયાં હતાં અને અપશબ્દ બોલવા લાગ્યાં હતાં. આ ઉપરાંત તમારા પરિવાર પર તાંત્રિક વિધિ કરીને પરિવારને વેર-વિખેર કરી નાંખીશ તેવી ધમકી આપી હતી. આ અગાઉ પણ દંપતી દ્વારા ઝઘડા કરવામાં આવતાં હતાં. આ અંગે સોસાયટીના પ્રમુખ વિપુલભાઇ કાછીયાને પણ જાણ કરી હતી. જોકે, મામલો શાંત પડ્યા બાદ બપોરે ફરી રાજુભાઈ અને તેના પત્ની મીનાબહેન ઝઘડો કરવા ભારતીબહેનના ઘરે ધસી આવ્યાં હતાં. તારાથી થાય તે કરી લેજે મકાન ખાલી નહીં થાય. તેમ કહી અપશબ્દ બોલી ફરી તાંત્રિક વિધિ કરી નાખવાની ધમકી આપી હતી. આથી, લાગી આવતા ભારતીબહેને ઘરમાં પડેલી ઝેરી દવા પી લીધી હતી. જે કારણે તેની તબિયત લથડતા તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યાં હતાં. જ્યાં સમયસર સરની સારવારથી તેમનો બચાવ થયો હતો. આ અંગે ભારતીબહેનની ફરિયાદ આધારે આણંદ શહેર પોલીસે રાજુભાઈ અને મીનાબહેન સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.