રખડતા ઢોરનો ત્રાસ:આણંદમાં આધેડ પર ગાયે હુમલો કરતા ગંભીરરીતે ઈજાપહોંચતા મોત

આણંદ5 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • પોલીસે અકસ્માતે મોતનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી

આણંદ શહેરના ગુજરાતી ચોક નજીક ગાયે શીંગડે ચડાવતા નાપાડના આધેડને ગંભીર ઇજા પહોંચી હતી. જેમનું બે દિવસની સારવાર દરમિયાન મૃત્યું નિપજ્યું હતું. આ અંગે આણંદ શહેર પોલીસે અકસ્માતે મોતનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

નાપાડ ગામે રહેતા ચંદુભાઈ કેસરીસિંહ રાઠોડ (ઉ.વ.50) 27મી ફેબ્રુઆરીના રોજ મોડી સાંજે મહેન્દ્ર શાહ ચોકડીથી ગુજરાતી ચોક પાસેથી પસાર થતાં હતાં. તે સમયે ગાયે શીંગડું મારતાં તેમને માથામાં ગંભીર ઇજા પહોંચતા સ્થળ પર જ બેભાન થઈ ગયાં હતાં. આથી, તેમને તાત્કાલિક સારવાર માટે પાલિકા હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યાં હતાં. જ્યાંથી વધુ સારવાર માટે વડોદરા એસએસજીમાં ખસેડવામાં આવ્યાં હતાં. જ્યાં 6ઠ્ઠી માર્ચના રોજ સારવાર દરમિયાન તેમનું મૃત્યું નિપજ્યું હતું.

આ અંગે આણંદ શહેર પોલીસને જાણ કરતાં પોલીસે અકસ્માતે મોતનો ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી હતી. અત્રે ઉલ્લેખનીય છે કે, આણંદ નગરપાલિકા દ્વારા રખડતાં પશુઓને પકડવામાં ઢીલી નીતિ અપનાવવામાં આવી છે, જેના કારણે આ પશુને શીંગડે ચડતા રાહદારીઓ ઇજાગ્રસ્ત બની રહ્યાં છે અથવા જીવ ગુમાવી રહ્યાં છે.

ઢોર ડબ્બો કે સ્ટાફ નથી, મત લીધા બાદ નેતાઓ દેખાતાં નથી
આણંદ નગરપાલિકા એ ગ્રેડની ગણાઇ છે.તેમ છતાં ઢોર ડબ્બા માટે પુરતી જગ્યા નથી.તેમજ ઢોર ડબ્બામાં પશુઓને લાંબો સમય રાખી શકાય તેવી કોઇ વ્યવસ્થા નથી. દરવર્ષે રખડતા ઢોર પકડીને કયાં રાખવા તે પ્રશ્ન થઇ પડે છે. બે વર્ષ અગાઉ તે માટે પાંજાર પોળ બનાવવા વિચારણા કરવામાં આવી હતી. તેમ છતાં આજદીન સુધી કોઇ કાર્યવાહી કરવામાં આવતી નથી.તેમજ ઢોર ડબ્બા ટીમ માટે એક પણ કર્મચારી નથી.જેથી કોન્ટ્રાકટ આપવાની વાતો થાય છે.

IPC 304 અને મદદગારીની કલમ હેઠળ ગુનો નોંધાઈ શકે
પોલીસ દ્વારા સીઆરપીસી 174 હેઠળ ગુનો નોંધાયો છે. જેમાં પોલીસ દ્વારા તપાસ કરાશે. જો તપાસ નિષ્પક્ષ કરાય તો આગામી સમયમાં ગાય માલિક સામે આઈપીસીની કલમ 304 હેઠળ ઉપરાંત મદદગારીમાં પાલિકા ચીફ ઓફિસર તેમજ જે તે વિભાગના સત્તાધીશો સામે પણ ગુનો નોંધાઈ શકે છે, એમ કાયદાના નિષ્ણાંતે જણાવ્યું હતું.

આણંદમાં રખડતા પશુઓના પ્રશ્ને સિનિયર સિટીઝનોની લડત પર પાણી ફર્યું
આણંદ શહેરના મુખ્યમાર્ગો પર સ્ટેશનરોડ, ગણેશ ચોકડી, 100 ફૂટ રોડ સહિતના વિસ્તારમાં છેલ્લા કેટલાંય વર્ષોથી રખડતી ગાયોને પ્રશ્ન સત્તાવી રહ્યો છે. વૃધ્ધો રખડતા પશુઓનો શિકાર વધુ બંને છે.તેને ધ્યાને લઇને આણંદ સિનિયર સિટિઝનના બળવંતભાઇ પટેલ, નગીનભાઇ પટેલ સહિતના આગેવાનોએ રખડતા પશુઓને પ્રશ્ને લડત ચલાવી હતી .જે અંગે હાઇકોર્ટમાં કેસ કર્યો હતો. તેમ છતાં નગરપાલિકા સત્તાધિશોએ મતોના રાજકારણમાં સિનિયર સિટિઝનોને આશ્વાશન આપવા સિવાય કાંઇ જ કર્યુ નથી. આમ તેઓની લડત પર પાણી ફેરવી દીધું છે.

રાજયથી લઇને પાલિકાના બજેટમાં ગાયના ત્રાસમાંથી મુકિત માટે ઉંઠા ભણાવાય છે
સમગ્ર રાજય સહિત આણંદ પાલિકામાં રખડતા પશુઓનો પ્રશ્ન માથાના દુઃખાવ રૂપ બની ગયો છે. રખડતા પશુઓને પ્રશ્ન હલ કરવા માટે રાજય સરકારના બજેટમાં મોટી મોટી રકમ ફાળવવાની વાત કરે છે. પરંતુ નક્કર કાર્યવાહી કરવામાં આવતી નથી. તેવી રીતે આણંદ નગરપાલિકા દ્વારા છેલ્લા એક વર્ષથી રખડતાં ઢોરનો પ્રશ્ન હલ કરવા માટે કોન્ટ્રાકટ આપવાનો ઠરાવ સામાન્ય સભામાં પસાર કરવામાં આવશે.તેમજ ઢોર ડબ્બા ટીમ માટે કર્મચારીઓની ભરતી સહિતની વાતો કરવામાં આવે છે.

અન્ય સમાચારો પણ છે...