• Gujarati News
  • Local
  • Gujarat
  • Anand
  • In Anand, A Bogus Marksheet Was Made In Hawis International And A Scam Of Sending It Abroad Was Caught. The Marksheet Of Gujarat University Was Given For Rs 5 Lakh.

બોગસ માર્કશીટ બનાવવાનું કૌભાંડ:આણંદમાં હાવીસ ઇન્ટરનેશનલમાં બોગસ માર્કશીટ બનાવી વિદેશી મોકલવાનું કૌભાંડ પકડાયું ,5 લાખમાં ગુજરાત યુનિવર્સિટીની માર્કશીટ બનાવી અપાતી હતી

આણંદ18 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • આણંદના નવા બસ સ્ટેન્ડ પાસે આવેલ હાવીસ ઇન્ટરનેશનલનો જીમી ઉર્ફે જીતુ ફરાર પોલેન્ડ અને લંડન જવા ઇચ્છુક બે વ્યક્તિના બનાવટી સર્ટિફિકેટ પણ ઝડપયા

આણંદ શહેરના નવા બસ સ્ટેન્ડ પાસે આવેલી ક્રિશ્ના યસ્વી આર્કેડમાં આવેલા હાવીસ ઇન્ટરનેશનલમાં રૂ.પાંચ લાખમાં ગુજરાત યુનિવર્સિટીની બોગસ માર્કશીટ બનાવી વિદેશ મોકલવાનું કૌભાંડ સાયબર ક્રાઇમે પકડી પાડ્યું છે. આ કેસમાં પોલીસે વડોદરાના શખ્સ સામે ગુનો નોંધ્યો છે. પ્રાથમિક તપાસમાં જ કેટલાક વિદ્યાર્થીને બોગસ માર્કશીટ થકી વિદેશ મોકલી આપ્યા હોવાનું ખુલ્યું છે.જે બાબતે બે વ્યક્તિના બનાવટી સર્ટિફિકેટ પણ મળ્યા છે.

આણંદ શહેરના નવા બસ સ્ટેન્ડ પાસે આવેલા હાવીસ ઇન્ટરનેશનલના સંચાલક જીમી ઉર્ફે જીતુ (રહે.વડોદરા)એ વિદેશ વાંચ્છુઓને વિદેશ અભ્યાસ અર્થે મોકલવાની બાહેંધરી આપી બોગસ માર્કશીટ બનાવવાનું કૌભાંડ શરૂ કરી દીધું હતું. આ શખ્સ વિદ્યાર્થી પાસેથી ઓરિજનલ શૈક્ષણિક ડોક્યુમેન્ટ લઇ વિદેશ મોકલવાની ફી પેટે રૂ. પાંચ લાખ નક્કી કરતો હતો. બાદમાં ખોટા બનાવટી દસ્તાવેજ, માર્કશીટ તથા ડિગ્રી બનાવતો હતો. જેમાં ગુજરાત યુનિવર્સિટીના ઉપયોગ કરી ઈલેક્ટ્રોનીક સિગ્નેચર, સિક્કા કરી બોગસ દસ્તાવેજ બનાવતો હતો. આ બાબત સાયબર ક્રાઇમના ધ્યાને આવતાં પોલીસ ઇન્સ્પેક્ટર એચ.બી. ચૌહાણ, સબ ઇન્સ્પેક્ટર યુ.બી.પટેલ સહિતની ટીમે દરોડો પાડી કૌભાંડ પકડી પાડ્યું હતું. પ્રાથમિક તપાસમાં ત્રણેક વ્યક્તિ સાથે છેતરપિંડી અને વિશ્વાસઘાત થયાંનું ખુલ્યું છે.

પોલીસ તપાસમાં બે વ્યક્તિના ખોટા સર્ટિફિકેટ પણ ઝડપાયા છે જેમાં હર્ષ દિલીપભાઈ પંચાલ ને લંડન જવું હતું અને રેનોલ્ડ રાજેશભાઈ ક્રિશ્ચિયનને પોલેન્ડ જવું હતું.જેથી તેઓ બન્ને જીમી ઉર્ફે જીતુ સંપર્કમાં આવ્યા હતા. હતો જ્યાં જીમી ઉર્ફે જીતુએ હર્ષ દિલીપભાઈ પંચાલ ને સ્ટુડન્ટ આઈડી.201503106900 થી વર્ષ 2015 થી 2018 દરમ્યાન એફવાય થી ટીવાય બીકોમ ના ડીગ્રી સુધીના બનાવટી સર્ટિફિકેટ મળ્યા છે. જ્યારે રેનોલ્ડ રાજેશભાઈ ક્રિશ્ચિયનને પણ સ્ટુડન્ટ આઈડી 201064583274 થી વર્ષ 2010 થી 2013 સુધી ના એફવાય થી ટીવાય બીએસસી ની ડીગ્રી સુધીના સર્ટિફિકેટ મળ્યા છે.

સાઈબર ક્રાઈમ ઇન્ચાર્જ પોલીસ ઇન્સપેક્ટર એચ.બી.ચૌહાણના જણાવ્યા મુજબ હાવીસ ઇન્ટરનેશનલ વિઝા કન્સલ્ટન્સીનું કામ કરે છે.જેની વડોદરા અને આણંદ ઓફીસ છે. જ્યાં આરોપી જીમી ઉર્ફે જીતુ કામ કરતો હતો.પોલીસે બાતમીને આધારે રેડ કરતા સઘળું કૌભાંડ પકડયું છે.જે વ્યક્તિઓના ખોટા સર્ટીફીકેટ ઝડપાયા છે જેઓ આ બાબતથી અજાણ છે.હાલ આરોપી જીમી ઉર્ફે જીતુ ફરાર છે.જેને પકડવા તમામ પ્રકારેની કોશિશ ચાલુ છે.

20મીથી એજન્ટનો ફોન સ્વીચ ઓફ
પોલીસ દ્વારા સમગ્ર મામલે વિદ્યાર્થીઓની પૂછપરછ બાદ એજન્ટ જીતુ ઉર્ફે જીમ્મીનો નંબર મળતાં જ તેનો સંપર્ક સાધ્યો હતો. ગત 20મી તારીખે સમગ્ર કૌભાંડ બહાર આવ્યું હતું. અને એ સમયે પોલીસ દ્વારા તેના નંબર પર સંપર્ક કરતાં તેનો નંબર એ સમયથી બંધ આવતો હતો. હાલમાં શખસ ભૂગર્ભમાં ઉતરી ગયો હોય તેવી શંકા સેવાઈ રહી છે.

12મું પાસ યુવકોની ગ્રેજ્યુએટની માર્કશીટ બનાવી હતી
પોલીસ દ્વારા હાવીસ ઈન્ટરનેશનલમાં તપાસ કરાઈ ત્યારે ત્યાંથી પોલીસને હર્ષ પંચાલની બી.કોમની છ જેટલી અને એક ડિગ્રી જ્યારે રોનાલ્ડ ક્રિશ્યનની બીએસસીની છ અને એક ડિગ્રી માર્કશીટ મળી હતી. વિદ્યાર્થીઓની પૂછપરછ કરતાં જાણવા મળ્યું હતું કે તેઓ તો માત્ર ધોરણ 12 જ પાસ હતા. વધુમાં તેમને જાણ જ નહોતી કે તેમની આ રીતે માર્કશીટ બની છે.

આરોપી પકડાય પછી વધુ ઘટસ્ફોટ
વિદેશ જવા માંગતા યુવકો પાસેથી પૈસા લઈ લીધા બાદ ઈલેક્ટ્રોનિક સિગ્નેચર અને સિક્કા કરીને ખોટા દસ્તાવેજ બનાવ્યા હોવાનું હાલ ખૂલ્યું છે. તમામ ડિગ્રી ગુજરાત યુનિવર્સિટીની છે. જોકે, આરોપી ફરાર છે. તે પકડાય પછી કેવી રીતે અને ક્યાં તે માર્કશીટ અને ડિગ્રી બનાવતો હતો તેનો ઘટસ્ફોટ થશે. હાલમાં બે વિદ્યાર્થી મળ્યા છે. આગામી તપાસ દરમિયાન અન્ય વિદ્યાર્થી મળી શકે તેમ છે. > હરપાલસિંહ ચૌહાણ, પીઆઈ, સાઈબર ક્રાઈમ પોલીસ સ્ટેશન.

અન્ય સમાચારો પણ છે...