આણંદ શહેરમાં સરદાર પટેલ રાજમાર્ગ પર પ્રાપ્તિ સર્કલ સુધી રોડની બંને સાઈડે ખુલ્લી જગ્યામાં કાચા પાકા મકાનોના દબાણો થઈ ગયા હતા.જેના પગલે અહીંથી પસાર થતાં વાહન ચાલકોને હાલાકીઓનો ભોગ બનતા હતા.આથી ગેરકાયદે દબાણો ફરીયાદોના પગલે આણંદ પાલિકા દ્વારા નોટિસ આપી મૌખિક સુચનાઓ આપવામાં આવી હતી.આમ છતાંય દબાણો હટાવવામાં નહીં આવતાં આખરે રાજપથ રોડ પર પાપ્તિ સર્કલ સુધીના કાંસને અડીને આ દબાણો થયેલા હોય ચોમાસા દરમિયાન પાણીનો નિકાલ અવરોધાય તેમ હોય નગરપાલિકાના પ્રમુખ રૂપલબેન પટેલ અને ચીફ ઓફિસર ગૌરાંગ પટેલની દબાણો હટાવી લેવા સુચના આપવામાં આવી હતી.
જેના પગલે મંગળવારે સવારથી નગરપાલિકાના શહેરી વિકાસ વિભાગના સીનીયર આસીસ્ટન્ટ જયેશ વાઘેલા અને તેમની ટીમ દ્વારા બે જેસીબી મશીન, ટ્રેકટર અને મજુરો સાથે દબાણવાળી જગ્યાએ જઈને દબાણો કરનાર લોકોને દબાણો હટાવી લેવા સુચના આપી હતી. અને ત્યારબાદ જેસીબી મશીનથી કાચા ઝુંપડાના દબાણો દુર કર્યા હતા.
જેના પગલે વર્ષોબાદ રાજપથ રોડ 30 ફૂટના બદલે 60 ફુટ થઇ જતાં હાશકારો અનુભવ્યો હતો.નોટીસો આપવા છતાં દબાણો દુર કરવામાં નહી આવતા નગરપાલિકાની ટીમ દ્વારા આ ગેરકાયદેસર દબાણો દુર કરવામાં આવ્યા હતા. જ્યારે ચોમાસાના આગમન પુર્વે કાચા પાકા મકાનો તોડી નાખવામાં આવતા શ્રમિક અને ગરીબ પરિવારો બેઘર બન્યા છે.
આગામી દિવસોમાં વધુ દબાણો તોડાશે
દબાણો હટાવવા માટે નગરપાલિકા દ્વારા નોટીસ આપી વારંવાર સુચનાઓ આપવામાં આવતી હતી. તેમ છતાં પણ દબાણો હટાવવામાં નહીં આવતાં આખરે મંગળવારે કાચાપાકા 15 જેટલા દબાણો આણંદ નગરપાલિકા દ્વારા તોડી નાંખવામા આવ્યા હતા.આગામી દિવસોમાં પ્રાપ્તી સર્કલ સુધી કાંસમાં વરસાદી પાણીના નિકાલ માટે ગેરકાયદે તમામ દબાણો દૂર કરવામાં આવશે.> જયેશ વાધેલા, શહેરી વિકાસ આસીસ્ટન્ટ, પાલિકા
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.