વિરોધ:હાઇવે નં 8 થી ત્રિભુવનદાસ ફાઉન્ડેશન રાજોડપુરા માર્ગ નહીં બનાવાય તો ગ્રામજનોની આંદોલન ચીમકી

આણંદ2 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • બે વર્ષ અગાઉ ગ્રામ સડક યોજનામાં મંજૂર થયો પણ બન્યો નહીં : મિતેષ પેટલ અને કલેકટરને રજૂઆત

નેશનલ હાઇવે નં 8થી રાજોડપુર, ત્રિભુનદાસ ફાઉન્ડેશનને જોડતો માર્ગ છેલ્લા કેટલાય વર્ષોથી બિસ્માર હાલતમાં છે. માત્ર થીંગડા મારીને સંતોષ માનવામાં આવે છે. રાજયના માર્ગ મકાન વિભાગ દ્વારા 2019માં ગ્રામ સડક યોજના અંતર્ગત આ માર્ગ નવીનકરણ કામ માટે મંજૂર કરાયો હતો. આ રસ્તાનો વર્ક ઓર્ડર મળી ગયો હોવા છતાં આજદિન રોડનું કામ હાથ ધરવામાં ન આવતાં આ વિસ્તારમાં આવેલી 100થી વધુ સોસાયટીઓના રહીશોને પારાવાર મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે. જે બાબતે સ્થાનિક રહિશો દ્વારા જિલ્લા કલેકટર, સાંસદ મિતેષ પટેલને અને ડીડીઓને લેખિતમાં રજૂઆત કરીને ટુંક સમયમાં આ માર્ગનું કામ હાથ ધરવામાં નહીં આવે તો આ વિસ્તારનો રહીશો આંદોલનની ચીમકી ઉચ્ચારી છે.

નેશનલ હાઇવે નં -8 વઘાસી પાટીયા પાસેથી જોડતા રાજોડપુર થી ત્રિભુવન ફાઉન્ડેશન માર્ગ પર નાનીમોટી 100 જેટલી સોસાયટી આવેલી છે. આ ઉપરાંત રાજોડપુરાના સ્થાનિક રહીશો રહે છે. આ માર્ગ અવરજવરનો એક માત્ર રસ્તો છે તેમ છતાં છેલ્લા ચારેક વર્ષથી માર્ગ બનાવવામાં આવ્યો નથી. તેના કારણે હાલમાં આ માર્ગ પર મોટા મોટા ખાડા પડી ગયા હોવાથી રોડ ઉબડખાબડ બની ગયો છે. ચાલી ને જતાં વૃધ્ધો રાત્રે ખાડામાં પડતાં હોવાથી ઇજાગ્રસ્ત થાય છે. તેમજ ખાડા ટેકરાવાળા રસ્તો હોવાથી વાહનચાલકોને અવરજવર કરવામાં મુશ્કેલી પડે છે. જેના કારણે સ્થાનિક રહીશો હેરાન પરેશાન થઇ ગયા છે.

આગામી બે માસમાં રોડ નહીં બંને તો ગાંધી ચિધ્યા માર્ગે આંદોલન કરાશે
વઘાસીથી રાજોડપુર માર્ગ પર હરીદર્શન, શાંતિવન, પેરિસ પાર્ક, અંબે વિલેજ, તીર્થ વંદન, તીર્થભૂમિ સહિત નાની મોટી ઘણી સોસાયટી આવેલી છે. રસ્તો બિસ્માર હોવાથી લોકોને અવરજવર કરવામાં ઘણી મુશ્કેલીઓ પડે છે. બે વર્ષ અગાઉ રોડ મંજૂુર થઇ ગયો હોવા છતાં હજુ બનાવ્યો નથી.જેથી આગામી બે માસમાં રોડ નહીં બનાવવામાં આવે તો સોસાયટીઓના રહીશોએ ગાંધી ચિધ્યા માર્ગે આંદોલનકરવાની ચીમકી ઉચ્ચારી છે. > દિલીપકુમાર પટેલ, સ્થાનિક રહીશ, રાજોડપુરા

અન્ય સમાચારો પણ છે...