આણંદ શહેરના હાર્દ સમા એવા નગરપાલિકાની સામેના રોડ પર આવેલા લક્ષ્ય ઈમ્પિરિયલ કોમ્પલેક્ષમાં ગત સોમવારે સાંજે ફટાકડાની દુકાનમાં આગ લાગી હતી. બનાવમાં સદનસીબે કોઈ જાનહાનિ નોંધાઈ નહોતી, પરંતુ કરોડોનું નુકસાન થયાનો અંદાજ છે. જોકે, ઘટના બાદ એક પછી એક સ્ફોટક વિગતો બહાર આવી રહી છે, જેમાં ખાસ તો ફટાકડાની દુકાનના માલિકે બે દુકાનમાં 900 કિલો વિસ્ફોટક પદાર્થની મંજૂરી લઈ ગોડાઉનમાં માલ ભરી દીધો હતો.
જોકે, હવે ઘટના બાદ તેની બેદરકારી અને તંત્રની પોલ ખુલ્લી પાડી છે ત્યારે પોલીસ તંત્ર એફએસએલ, ફાયર વિભાગના અભિપ્રાયની રાહ જોઈ રહ્યું છે. જો સમગ્ર બનાવમાં ફટાકડાની દુકાનના માલિક સોનુ ખટવાણીની બેજવાબદારી પ્રસ્થાપિત થશે તો તેમના વિરૂદ્ધ એક્સપ્લોઝિવ એક્ટ અને આઈપીસી એક્ટ હેઠળ ફરિયાદ નોંધાશે. હાલમાં સમગ્ર બનાવમાં ઘટના સમયે જ પોલીસે જાણવાજોગ ફરિયાદ નોંધી હતી.
આ અંગે વાત કરતા પીએસઆઈ ઈમરાન ઘાસુરાએ જણાવ્યું હતું કે, હાલમાં પોલીસ દ્વારા દરેક વિભાગના અભિપ્રાયની રાહ જોવામાં આવી રહી છે. અભિપ્રાય વિના કંઈ કહી શકાય નહીં. ગોડાઉન ગેરકાયદે હતું, બે દુકાનની પરમીશન લેવામાં આવી હતી એ બધી હકીકતો બહાર આવી છે, પણ વિભાગો શું અભિપ્રાય આપે છે તે હવે જોવું રહ્યું. કેટલું નુકસાન થયું છે તે બાબતે સ્થાનિક દુકાનદારો જણાવી રહ્યા છે.
પરંતુ તમામના અભિપ્રાય અલગ છે. તમામના અભિપ્રાય તથા નિવેદન લેવામાં આવ્યા બાદ, તપાસના અંતે જો સમગ્ર ઘટનામાં જીવ જોખમાય તેવું કૃત્ય જણાશે અને માલિકની બેદરકારી છતી થશે તો દુકાનમાલિક વિરૂદ્ધ એક્સ્પ્લોઝિવ અને આઈપીસી એક્ટ વિરૂદ્ધ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે.
ફટાકડાની દુકાનની પરમીશન ગ્રાઉન્ડ ફ્લોર પર જ આપી શકાય
સામાન્ય રીતે નિયમ એવો છે કે, ફટાકડાની દુકાનની પરમીશન લેવાની હોય ત્યારે દુકાન ગ્રાઉન્ડ ફ્લોર પર હોય તે જરૂરી છે. પ્રથમ ફ્લોર કે પછી તેના ઉપરના માળ પર ગોડાઉન તો શું દુકાનની પણ મંજૂરી નથી આપવામાં આવતી. ત્યારે સમગ્ર બનાવમાં તંત્ર દ્વારા ફટાકડાની દુકાન માટે પ્રથમ માળે કેવી રીતે મંજૂરી આપવામાં આવી તે બાબત પણ ચર્ચાનો વિષય બની છે.
રાત્રિના સમયે જ ગોડાઉનમાં માલ ભર્યો હોય તેવું અનુમાન
કોમ્પલેક્ષમાં ફટાકડાની દુકાનની બાજુમાં જ દુકાન ધરાવતા દુકાનના માલિક હેમલભાઈ પટેલે જણાવ્યું હતું કે, અમને તો માત્ર પેસેજમાં ગેરકાયદે સ્ટોક કરાયેલા માલની તથા તેના બે દુકાનની માલિકીની જ જાણ હતી. પરંતુ તેમણે ગોડાઉન પણ ત્રીજા માળે રાખ્યું છે તેની તો ખબર જ નહોતી. દિવસ દરમિયાન તો ક્યારેય માલ ભર્યો જ નથી. ટ્રાફિકને પગલે રાત્રિના સમયે જ સ્ટોક કર્યો હોય તેમ લાગી રહ્યું છે.
બે દિવસ પછી પણ માલિકનું નિવેદન બાકી
ઘટનાને બે દિવસનો સમય વીતવા છતાં પણ હજુ સુધી દુકાનમાલિકનું નિવેદન પોલીસ દ્વારા લેવામાં આવ્યું નથી. અગાઉ પીઆઈ યશવંતસિંહ ચૌહાણે બુધવારે નિવેદન લેવા બોલાવવાની વાત કરી હતી. દરમિયાન, પીએસઆઈ ઘાસુરાએ જણાવ્યું હતું કે, હાલમાં વિડિયો રેકોર્ડિંગ, પંચનામું સહિતની કામગીરી ચાલી રહી છે, એટલે મૂળ માલિકનું નિવેદન લેવાનું બાકી છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.