તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

હત્યા:બોરસદના ખાનપુર ગામે ઘર કંકાસનો કરુંણ અંજામ,ખેતરમાં પતિએ પત્નીનું ઢીમ ઢાળી દીધું

આણંદ23 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • કાકા સસરાએ જમાઇ સામે ફરિયાદ આપી
  • પોસ્ટમોર્ટમ રિપોર્ટમાં જયાબહેનનું મોત મોઢાના ઉપર તથા ગળાના ભાગે દબાણ થવાથી શ્વાસ રુંધાવાથી થયું હોવાનું ખુલ્યું

બોરસદ તાલુકાના ખાનપુર ગામે રહેતા પતિ પત્ની વચ્ચે લાંબા સમયથી ચાલી આવતા ઘરકકળાટ માં પતિએ પત્નીની હત્યા કરી નાંખી હોવાનો બનાવ બન્યો છે. પતિ સાથે ઘાસચારો લેવા ગયેલી પત્નીનું સીમ વિસ્તારમાં ગળુ દબાવી રહેંસી નાંખી હતી. આ અંગે કાકા સસરાની ફરિયાદ આધારે વિરસદ પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

ઉમરેઠના ઘોરા ગામે રોહિતવાસમાં રહેતા જયાબહેનના લગ્ન 14 વરસ પહેલા બોરસદના ખાનપુર ગામે રહેતા હરિશ કનુભાઈ રોહિત સાથે થયાં હતાં. આ લગ્ન જીવન દરમિયાન તેમને એક દિકરો અને દિકરીનો જન્મ પણ થયો છે. છેલ્લા કેટલાક સમયથી જયાબહેન પિયર ઘોરા આવે તે સમયે સાસરીમાં પતિ સાથે વારંવાર ઝઘડો થતો હોવાની ફરિયાદ કરતા હતાં.આ ઉપરાંત બે વર્ષ પહેલા મોટો ઝઘડો થતાં મૃતક જયાબેનનો ભાઇ વસંત અને કાકા મણીભાઈ મકવાણા સમાધાન માટે ખાનપુર ગયાં હતા. આ સમાધાન બાદ પણ અવાર નવાર પતિ પત્નિ વચ્ચે હુંસાતુંસી અને ઝઘડાની ફરિયાદ જયાબહેન તરફથી રહેતી હતી.

મહત્વનું છે કે 2જી જુલાઇના રોજ બપોરના ત્રણેક વાગે ખાનપુરથી વસંત પર ફોન આવ્યો હતો કે જયાબહેનનું મૃત્યું થયું છે. કેવી રીતે થયું ? તે બાબતે યોગ્ય જવાબ મળ્યો નહતો. તેથી કાકા મણીભાઈ અને તેમનો પરિવાર ખાનપુર જવા નીકળ્યાં હતાં. તેમને જયાબહેનના મોત સંદર્ભે પહેલેથી શંકા હોવાથી તપાસની માગ કરી હતી. લાશને રાસ ગામે સરકારી દવાખાને લઇ ગયાં હતાં. જ્યાં લાશ જોયા બાદ પોલીસને જાણ કરી હતી. જેના પગલે વિરસદ પોલીસની ટીમ સ્થળ પર પહોંચી હતી. જ્યાં જરૂરી નિવેદનો બાદ લાશનું પોસ્ટમોર્ટમ કરાવવા માટે કરમસદ હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી.

મહત્વનું છે કે પોસ્ટમોર્ટમ રિપોર્ટમાં જયાબહેનનું મોત મોઢાના ઉપર તથા ગળાના ભાગે દબાણ થવાથી એટલે કે શ્વાસ રુંધાવાથી થયું હોવાનું ખુલ્યું હતું.જયાબહેનની હત્યા તેના પતિ હરિશ રોહિત દ્વારા કરવામાં આવીનું જણાતાં કાકા સસરા મણીભાઈ મકવાણાએ વિરસદ પોલીસ મથકે હરિશ રોહિત સામે ફરિયાદ આપતાં પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

હત્યા છુપાવવા હરીશના મામાએ બનાવટી વાર્તા ઘડી કાઢી

જયાબહેનના મોત અંગે તેના પરિવારજનોએ તપાસ હાથ ધરી હતી. જેમાં હરિશ રોહિતના મામા કરશનભાઈએ જણાવ્યું હતું કે, સવારના 11 વાગ્યાના સુમારે હરિશ સાયકલ લઇને રેલવે લાઇનની બાજુમાં આવેલા તેમના ખેતરમાં ઘાસચારો લેવા ગયો હતો. થોડીવાર પછી જયાબહેન ઘાસચારો લેવા તે ખેતરમાં આવેલા અને બારેક વાગ્યાના સુમારે હરિશે કાપેલું ઘાસ જયાબહેનને પોટલું બાંધેલું અને તે ઘાસ હરિશે કહ્યું કે રેલવે લાઇનની પેલી બાજુ સાયકલ પાસે મુકી આવ. તેમ કહેતા જયાબહેન તેનું પોટલું માથે મુકીને રેલવે લાઇનની પેલી બાજુ મુકવા ગયાં હતાં. જેના થોડા સમય બાદ જયાબહેન પરત ન આવતા હરિશ જોવા માટે ગયો હતો. આ સમયે જયાબહેન રેલવે લાઇનની બાજુમાં મેન્ટલ ઉપર બેભાન હાલતમાં પડેલા જોવા મળ્યાં હતાં. તેમના માથામાં વાગેલું હતું. જોકે પોસ્ટમોર્ટમમાં વાર્તા નો ઘડો લાડવો થઈ ગયો.

ઘાસ વાઢવા જેવી નજીવી બાબતે પતિએ પત્નીની હત્યા કરી

આ અંગે વિરસદ પીએસઆઇ બી.બી.ગોંડલિયાએ જણાવ્યું હતું કે હરિશ અને જયાબહેન વચ્ચે લાંબા સમયથી ઝઘડા ચાલતાં હતાં. તેમાં 2જી જુલાઇના રોજ ખેતરમાં ઘાસ વાઢતા સમયે ફરી કોઇ મુદ્દે ઝઘડો થયો હતો. આ ઝઘડાએ ઉગ્ર સ્વરૂપ ધારણ કરતાં હરિશ આવેશમાં આવી ગયો હતો અને રેલવે ટ્રેક નજીક જ જયાબહેનનું ગળું દબાવી દીધું હતું. આ સમયે બચવાની કોશીષમાં જયાબહેનને માથાના પાછળના ભાગે પણ ઇજા પહોંચી હતી. આ હત્યા સંદર્ભે હરિશની અટકાયત કરી કોવિડ ટેસ્ટ માટે મોકલી આપવામાં આવ્યો છે.

અન્ય સમાચારો પણ છે...