આણંદ શહેરના નગીના મસ્જીદ સોસાયટીમાં રહેતી પરિણીતાને તેના પતિએ ગડદાપાટુનો મારમારી લોહીલુહાણ કરી દીધી હતી. પુત્ર પરીક્ષા આપવા ન જતા તેને ઠપકો આપતા પતિ ઉશ્કેરાઇ ગયો હતો. આ અંગે પરિણીતાએ પતિ સહિત સાત સાસરિયા સામે ફરિયાદ આપતા પોલીસે ગુનો નોંધ્યો હતો.
આણંદના ગામડી ગામે રહેતા હૈદરમિયાંની દીકરી નસીમબાનુના લગ્ન 19 વર્ષ પહેલા મહંમદરફીક સલીમ મલેક (રહે.નગીના મસ્જીદ સોસાયટી, આણંદ) સાથે થયાં હતાં. આ લગ્ન જીવનમાં તેમને ત્રણ પુત્રનો જન્મ પણ થયો છે. જોકે, લગ્ન બાદથી સાસરિયામાં ત્રાસ હતો. પરંતુ બાળકોના ભવિષ્યને લઇ નસીમબાનુ સહન કરતાં હતાં. દરમિયાનમાં 22મી એપ્રિલના રોજ વ્હેલી સવારે પુત્ર મહંમદફેઝાનને પરીક્ષા ન આપવા બાબતે નસીમબાનુ ઠપકો આપતા હતા. આ સમયે તેમનો પતિ રફીક ઉશ્કેરાઇ ગયો હતો અને તારે મારા દીકરાને કાંઇ કહેવાનું નહીં, તેમ કહી અસહ્ય માર મારવા લાગ્યો હતો. જેથી નાક, મોઢામાંથી લોહી નિકળતાં તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યાં હતાં. જોકે, સારવાર બાદ નસીમબાનુ ઘરે આવતા તેમના સાસરિયા તેમને ઘરમાં પેસવા દીધાં નહતાં અને પહેરેલ કપડે ઘરની બહાર કાઢી મુક્યાં હતાં. આ બાબતે તેમણે મહિલા પોલીસ મથકે અરજી કરતાં સમાજના આગેવાનોએ વચ્ચે પડી સમાધાન કર્યું હતું. આથી, 17મી મેના રોજ નસીનબાનુને સાસરિમાં મુકવા ગયાં હતાં. પરંતુ તેમને ફરી કડવો અનુભવ થયો હતો. ઝઘડો કરી કાઢી મુક્યાં હતાં.
આ અંગે મહિલા પોલીસ મથકે ફરિયાદ આપતા પોલીસે મહંમદરફીક સલીમ મલેક, રૂકશાનાબાનુ સલીમ મલેક, સલીમ મલેક, શાયરાબાનુ ફારૂક મલેક, રઝીયાબાનુ શોહેલ વ્હોરા, મહંમદઆસીફ સલીમ મલેક અને શહેનાઝબાનુ યાસીન બેલીમ સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.