તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ધરપકડ:બોરસદના ખાનપુરમાં ઘરકંકાસમાં પતિએ પત્નીને મોતને ઘાટ ઉતારી

આણંદ, બોરસદએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • મોઢું-ગળું દબાવી હત્યા કરી હોવાનું પોસ્ટમોર્ટમાં ખૂલતાં પોલીસે પતિની ધરપકડ કરી

બોરસદ તાલુકાના ખાનપુર ગામની સીમમાં આવેલી રેલ્વે લાઈન પાસે શનિવારે બપોરે ઘરકંકાસથી કંટાળેલા પતિએ પત્નીનું ગળું અને મોઢું દબાવી હત્યા કરી નાંખી હતી. આ બાબત પોસ્ટમોર્ટમમાં ખૂલતાં પોલીસે પતિ વિરૂદ્ધ હત્યાનો ગુનો નોંધી ધરપકડ કરી, સોમવારે કોવિડ ટેસ્ટ બાદ રિમાન્ડ મેળવવાની તજવીજ હાથ ધરી છે. બોરસદ તાલુકાના ખાનપુર ગામે રહેતા જયાબેન હરીશભાઇ રોહિત શનિવારે બપોરના 12 વાગ્યે રેલવે લાઈન પાસેથી બેભાન હાલતમાં મળી આવ્યા હતા.

તપાસ કરતા જયાબેનને નાક તેમજ માથાના પાછળના ભાગે લોહી નીકળતું હતું. અને મોઢાના ભાગે પણ ચકામા પડી ગયા હતા. જેથી જયાબેનને તાત્કાલિક રાસ ગામના સરકારી દવાખાને લઈ જવાયા હતા. જ્યાં ડોક્ટરે તેમને મૃત જાહેર કર્યા હતા. બીજી તરફ પરિવારજનોની માંગણી બાદ પોલીસે કરમસદની હોસ્પિટલમાં તેમનું પેનલ પીએમ કરાવ્યું હતું. જેમાં મૃતકનુ મોત મોઢા ઉપર તેમજ ગળાના ભાગે દબાણ થવાથી શ્વાસ રૂંધાવાના કારણે થયું હોવાનું ખૂલ્યું હતું.

દરમિયાન, મૃતકના કાકા મણીભાઈ મકવાણાની ફરિયાદ લઈ જયાબેનના પતિ હરિશભાઈ કનુભાઈ રોહિત વિરૂદ્ધ હત્યાનો ગુનો નોંધી પૂછપરછ હાથ ધરતાં પતિ હરિશે કબુલાત કરતાં જણાવ્યું હતું કે, 14 વર્ષ અગાઉ જયાબેનના લગ્ન તેમની સાથે થયા હતા. તેમને સંતાનમાં એક પુત્ર અને પુત્રી છે. તેઓ ચારો લેવા માટે ખેતરે ગયા હતા ત્યારે બંને વચ્ચે ઘરકામ બાબતે બોલાચાલી થઈ હતી. જેમાં આવેશમાં આવી જઈને પોતે પત્ની જયાબેનનુ ગળું દબાવી દેતા તેઓ બેભાન થઈ મોતને ભેટ્યા હતા. હાલમાં આ મામલે વિરસદ પોલીસે કોવિડ ટેસ્ટ કરાવી આવતીકાલે રિમાન્ડ મેળવવાની તજવીજ હાથ ધરી છે.

અકસ્માતે મોતમાં નીપજાવવાનું કાવતરૂં હતું
ગળું દબાવ્યા બાદ તેઓ રેલવે ટ્રેક પાસે બેભાન થઈને પડી ગયા હતા. દરમિયાન, શખ્સે પાણી છાંટીને ભાનમાં લાવવાનો પ્રયત્ન કર્યો હતો. પરંતુ વ્યર્થ જતાં જયાબેનના મૃતદેહને મેન્ટલ પર મૂકીને અકસ્માતે મોત થયાની ખોટી થિયરી પણ ઊભી કરી હતી, જેમાં તે નિષ્ફળ નીવડતાં પોલીસના હાથે પકડાઈ ગયો હતો એમ પીએસઆઈ બી.બી. ગોંડલિયાએ જણાવ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...