દહેજ ભૂખ્યા સાસરિયા:આણંદની પરિણીતા પાસે યુએસએથી પતિએ દહેજ માટે રૂ.12 લાખ માંગ્યાં, માગણી પૂર્ણ ન થતાં ફાઈલ કેન્સલ કરાવી દીધી

આણંદ12 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • વિદેશના મોહમાં લગ્ન કરતી યુવતી અને તેના પરિવારજનો માટે લાલબત્તી સમાન કિસ્સો

વિદેશમાં સ્થાયી થયેલા કે ત્યાં કારકિર્દી ધરાવતા લગ્નોત્સુક યુવકો માટે યુવતીઓ થતા યુવતીનોના પરિવારજનો ઉતાવળિયા લગ્નો ગોઠવી દેતા હોય છે. પોતાની પાછળ પરિવારને પણ વિદેશ સ્થાયી થવાનો લાભ મળશેની ગણતરી યુવતીઓ પણ ઘેલી થઇ મન મેળાપ થયો કે ન થાય પણ હસ્તમેળાપ કરી લેતી હોય છે. આવી પરિસ્થિતિમાં ક્યારેક જીવનભરનું દુઃખ નસીબ થતું હોય તેવા ઘણા કિસ્સા સામે આવી રહ્યા છે. આણંદના ગામડી ખાતે રહેતી પરિણીતાના લગ્નના ત્રણ મહિના બાદ જ પતિ યુએસએ ઉપડી ગયો હતો. બાદમાં ફાઈલ મુકી હતી. જોકે, યુવકે યુએસએ પહોંચી ગયા બાદ દહેજ માટે રૂ.12 લાખ જેવી રકમ માંગી હતી. જે પુરી ન થતાં પરિણીતાની યુએસની ફાઈલ કેન્સલ કરી દીધી હતી. આ અંગે પરિણીતાએ પતિ સહિત સાત સાસરિયા સામે ફરિયાદ આપતાં પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

બોરસદના બોદાલ ગામે રહેતી મહિલાના લગ્ન માર્ચ 2020માં સંદીપ ચંદુભાઈ પટેલ સાથે થયાં હતાં. આ લગ્ન બાદ તેઓ આણંદના ગામડી ગામે જોગણી માતાના મંદિર પાસે રહેવા આવ્યાં હતાં. જ્યાં તેમની સાથે સસરા ચંદુભાઈ અને સાસુ સુશીલાબહેન સાથે રહેતાં હતાં. બે માસ જેટલો સમય સારી રીતે લગ્નજીવન ચાલ્યા બાદ ઘરમાં કથાનું આયોજન કર્યું હતું.

આ કથા પુરી થયા બાદ નણંદ ચંપાબહેન ઇશ્વરભાઈ પટેલ (રહે.કાસોર), શિલ્પાબહેન પિયુષકુમાર પટેલ (રહે.ભરોડા), અનિતાબહેન યોગેશભાઈ પટેલ (રહે.જયપુર) અને સુનિતાબહેન ઉર્ફે જીગી જતીનકુમાર પટેલ (રહે.વાસદ)એ બોલાવી પરિણીતાને કહ્યું કે, તારા બાપના ઘરેથી રૂ.5 લાખ લેતી આવજે. લગ્નવિધિ તેમજ થયેલો ખર્ચ તારા બાપે આપવો પડશે. બાદમાં પતિ અને સાસુ, સસરાએ પણ દહેજની માગણી કરી હતી.

આ બાબતે પરિણીતાને પિયરમાં આ વાત કરતાં તેમના પિતાએ ઉછીના પાછીના કરી રૂ.ચાર લાખ લાવીને આપ્યાં હતાં. આથી, પતિ સંદીપકુમાર ઉશ્કેરાઇ ગયો હતો અને પરિણીતાને માર માર્યો હતો. બાદમાં સાસરિયાઓએ મ્હેણાં ટોણાં મારવાનું શરૂ કરી દીધાં હતાં. જોકે, થોડા સમય બાદ પતિ, સાસુ અને સસરા યુએસએ જતાં રહેતાં પરિણીતા પિતાના ઘરે આવી ગઇ હતી. યુએસએ પહોંચ્યા બાદ સંદીપકુમારે યુએસએની ફાઇલ મુકી તેમને પણ લઇ જવા તૈયારી કરી હતી.

દરમિયાનમાં પરિણીતાની ચારેય નણંદોએ એક મહિના પહેલા જ તેને કાસોર બોલાવી હતાં. જ્યાં તારા બાપાના ઘરેથી રૂ.12 લાખ લઇ આવજે નહીં તો તારા છુટાછેડા કરાવી દઇશું. તેવી ધમકી પણ આપી હતી. આ અંગે યુએસએ ફોન કરીને દહેજની માગણી કરવા માટે ચઢવણી કરતાં હતાં.

આ વાતમાં પતિ સંદીપકુમારે પણ ટેકો આપતાં હોય તેમ મમ્મી, પપ્પા, માસી તથા બહેનો કહે તેમ તારે કરવું પડશે. તેમ જણાવી દીધું હતું. જોકે, પરિણીતાએ પિતાની પરિસ્થિતિ સારી નથી અને આટલી મોટી રકમને આપી શકે તેમ નથી, તેવું ફોનમાં જણાવતાં હતાં. આથી, મામલો વધુ બગડ્યો હતો અને પતિ સહિત સાસુ, સસરાએ તને અમેરીકા લઇ જવાની નથી, તને છુટુ આપી દેવાનું છે. અમારે તો તને રાખવાની નથી. અમારે તો પૈસાવાળી છોકરી સાથે લગ્ન કરવાના છે, આવી ધમકીઓ આપી હતી.

બાદમાં 15મી સપ્ટેમ્બર,21ના રોજ પતિએ ફોન કરી યુએસએની ફાઇલ કેન્સલ કરાવી દીધી હોવાનું જણાવી દીધું હતું. આમ પતિ, સાસુ, સસરા અને 4 નણંદોએ અમેરિકા લઇ જવાની લાલચ આપી છેતરપિંડી કરી લગ્ન કરેલું છે અને હવે છુટાછેડા આપી દેવાની ધમકીઓ આપતાં હોવાથી પરિણીતાએ આણંદ મહિલા પોલીસ મથકે ફરિયાદ આપી હતી. આ અંગે મહિલા પોલીસે પતિ સંદીપકુમાર સહિત સસરા ચંદુભાઈ, સાસુ સુશીલાબહેન, નણંદ ચંપાબહેન, શિલ્પાબહેન, અનિતાબહેન અને સુનિતાબહેન સામે ફરિયાદ આપતાં પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...