ખંભાત નગરપાલિકા હોલ ખાતે બુધવારે ચાર વાગ્યે પાલિકા પ્રમુખ કામિનીબેન ગાંધીના અધ્યક્ષ સ્થાને અને ઉપપ્રમુખ વિજયસિંહ પરમાર અને ચીફ ઓફિસર કમલકાંત પ્રજાપતિની ઉપસ્થિતિમાં ખાસ સામાન્ય સભા મળી હતી જેમાં એજન્ડાના કામો રજૂ કરાયા હતા. આઝાદીકા અમૃત મહોત્સવ અંતર્ગત નગરપાલિકાઓમાં બાકીદારોને ટેક્સ ભરવા પ્રોત્સાહિત કરતી સ્કીમ જાહેર કરવામાં આવી છે જેના નિયમો અને શરતો બનાવી પ્રાદેશિક કમિશનર કમિશનરની કચેરી તરફ દરખાસ્ત કરવાનો ઠરાવ સર્વ સંમતિથી કરવામાં આવ્યો હતો .
ત્યારબાદ વિરોધ પક્ષ દ્વારા ભ્રષ્ટાચારના આક્ષેપો કરતા હોબાળો મચી જવા પામ્યો હતો જેમાં પ્રમુખ કામિનીબેન ગાંધી દ્વારા આક્ષેપો નહીં સાંભળી બોર્ડની કાર્યવાહી ચાલુ રાખતા કોંગ્રેસના કાઉન્સિલર દ્વારા બોર્ડ બેઠકમાં નીચે બેસી સુત્રોચાર કરી વિરોધ નોંધાવ્યો હતો . ત્યાર બાદ પાલિકા પ્રમુખ દ્વારા સભાને પૂર્ણ જાહેર કરી ચેમ્બરમાં ચાલ્યા ગયા હતા. નોંધવું રહ્યું કે વિરોધપક્ષના નેતા ઇફતેકાર યમની દ્વારા થોડા સમય અગાવ પાલિકા ખાતે માહિતી અધિકાર અધિનિયમ હેઠળ પાલિકાના ત્રિમાસિક હિસાબોની માહિતી માંગી હતી.
જે માહિતીમાં પાલિકાના વિવિધ ખર્ચાઓને આવરી લેતી માહિતી પાલિકા દ્વારા અરજદારને પૂરી પાડવામાં આવી હતી. જેમાં ગત વર્ષે ગણેશ વિસર્જનના દિવસે પાલિકા દ્વારા કર્મચારીઓને ઢેબરા અને લસણની ચટણી ખાવાનો ખર્ચ 20000 બિલમાં દર્શાવામાં આવ્યો હતો જેને લઈને વિરોધપક્ષ દ્વારા બોર્ડમાં એક દિવસમાં 20 હજારના ઢેબરાં કેવી રીતે ખાધા તેવા વેધક સવાલનો મારો ચલાવ્યો હતો . ત્યાર બાદ ભારે હોબાળો મચી જવા પામ્યો હતો.
પ્રજાના રૂપિયાથી સત્તાધીશો તાગડધીના કરે છે
ખંભાત નગરપાલિકા પાસે ત્રિમાસિક હિસાબોની માહિતી માંગી હતી જેમાં ભારે ભ્રષ્ટાચાર થયાનું સામે આવ્યું છે પાલિકા દ્વારા ગત વિસર્જનમાં કર્મચારીઓને નાસ્તા માટે 500 પેકટ 40 રૂપિયા ભાવથી ઢેબરાં મરચા અને ચટણી આપવામાં આવેલું દર્શાવ્યું છે જેની કિંમત ૨૦,૦૦૦ થવા જઈ રહી છે. સત્તાધીશો દ્વારા નાસ્તામાં પણ કટકીકરતા હોવાનું સ્પષ્ટ દેખાઈ રહ્યું છે. - ઇફતેકાર યમની, વિરોધપક્ષના નેતા, ખંભાત
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.