• Gujarati News
  • Local
  • Gujarat
  • Anand
  • Holding Of Hostel For 1000 Students At Vidyanagar By Vadtaladham Sanstha In The Persuasive Presence Of The Chief Minister

ખાતમુહૂર્ત:વિદ્યાનગર ખાતે વડતાલધામ સંસ્થા દ્વારા મુખ્યમંત્રીની પ્રેરક ઉપસ્થિતિમાં 1000 છાત્રો માટે છાત્રાલયનું ખાતમુહૂર્ત કરાયું

આણંદએક વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • મુખ્યમંત્રીએ પોતાના પુત્રને પણ ગુરુકુળમાં રહી શિક્ષા આપવી હોવાનો સ્વાનુભવ વ્યક્ત કર્યો

વડતાલધામ સ્વામિનારાયણ સંપ્રદાય દ્વારા વિદ્યાનગર ખાતે અદ્યતન છાત્રાલય, મંદિર અને સંત નિવાસ બનાવવાનું આયોજન કરવામાં આવ્યું હતું. જેનું ભૂમિપૂજન ગુરૂવારના રોજ સંતો, મહંતો, હરિભક્તો, દાતા અને રાજકીય આગેવાનો હાજર રહ્યાં હતાં. આ પ્રસંગે મુખ્યમંત્રી વિજય રૂપાણીએ જણાવ્યું હતું કે, વિકાસના પાયામાં શિક્ષણનો મહત્વનો ફાળો છે. શિક્ષણ વિના વિકાસ શક્ય નથી. રાજ્યની વિકાસ યાત્રાની વાત કરવી હોય તો આધ્યાત્મિક ક્ષેત્રે નરસૈયાની કરતાલ, શ્રમિકોના શોષણ સામે ગાંધીજીની હડતાલ અને ધર્મ શિક્ષણ ક્ષેત્રમાં સ્વામિનારાયણના વડતાલની ઐતિહાસિક ધરોહરને યાદ કરવા પડે.

મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ વલ્લભ વિદ્યાનગર ખાતે લક્ષ્મીનારાયણ દેવ વડતાલ તાબાના સ્વામિનારાયણ મુખ્યમંદિર સંચાલિત છાત્રાલય અને મંદિરનો આચાર્ય મહારાજ રાકેશપ્રસાદજીની ઉપસ્થિતિમાં શિલાન્યાસ કર્યો હતો. આ છાત્રાલયમાં એક હજાર વિદ્યાર્થીઓને વિનામૂલ્યે રહેવા - જમવાની સુવિધા સાથે સંસ્કાર અને રાષ્ટ્ર ઘડતરનું શિક્ષણ મેળવશે. આ છાત્રાલય ગરીબ અને સામાન્ય પરિવારના વિદ્યાર્થીઓ માટે આશીર્વાદરૂપ નીવડશે. ઘર પરિવારથી દૂર રહીને અહી નિર્માણ થનાર ગુરુકુળમાં વિદ્યાર્થીઓનું શિક્ષા દીક્ષા સાથે સંસ્કારોનું પણ ઘડતર થશે. આ છાત્રાલયનું નિર્માણ પણ ગુજરાત કે ભારતમાં જ નહિ દેશ-વિદેશમાં વિદ્યાધામ તરીકે પ્રખ્યાત વલ્લભ વિદ્યાનગરમાં થઇ રહયું છે તે વિશેષ આનંદની વાત છે.

મુખ્યમંત્રી વિજય રૂપાણીએ ગુરૂવારના રોજ વિદ્યાનગર ખાતે વડતાલ સ્વામિનારાયણ સંપ્રદાયના છાત્રાલયના ખાતમૂર્હુત પ્રસંગે પોતાની ચિંતાનુભવ વ્યક્ત કરતા વધુમાં જણાવ્યુ હતું `દરેક માતા-પિતાને ચિંતા હોય છે કે બહાર અભ્યાસ કરવા જતાં તેમના સંતાનને ક્યાં રાખવો ? મારા પુત્રને પણ નિરમામાં પ્રવેશ મળ્યો તે સમયે અમદાવાદમાં ક્યાં રાખવો ? તે પ્રશ્ન ઉભો થયો હતો. આખરે મેં તેને ગુરૂકુળમાં મુક્યો હતો. ગુરૂકુળમાં શિક્ષા સાથે દીક્ષા આપવામાં આવે છે.

આચાર્ય રાકેશપ્રસાદ મહારાજે આશીર્વચન પાઠવતાં જણાવ્યું કે, છાત્રાલયમાં એક હજાર વિદ્યાર્થીઓ માટે તમામ વ્યવસ્થા નિઃશુલ્ક કરવામાં આવી છે. આ છાત્રાલયમાં રહી અભ્યાસ કરતા વિદ્યાર્થીઓમાં શિક્ષણ સાથે સંસ્કારોનું પણ સિંચન થશે અને તેઓ દેશના સાચા નાગરિક બનશે.

આ પ્રસંગે સરધાર મંદિરના નિત્યસ્વરૂપ સ્વામી, કુંડલધામના જ્ઞાનજીવન સ્વામી, ડો. સંત વલ્લભ સ્વામી, સત્સંગ મહાસભાના પ્રમુખ શાસ્ત્રી નૌત્તમ પ્રકાશદાસજી, વડતાલ ટેમ્પલ કમિટીના ચેરમેન દેવપ્રકાશ સ્વામી, જ્ઞાનબાગના પાર્ષદ લાલજી ભગત, સાંસદ મિતેષભાઈ પટેલ, મુખ્ય દંડક પંકજભાઈ દેસાઈ, પૂર્વ સાંસદ દિલીપભાઈ પટેલ, મુખ્યદાતા અરજણભાઇ ધોળકિયા સંતો, અગ્રણી રાજેશભાઇ પટેલ, મહેશભાઇ પટેલ, ચારૂતર વિદ્યામંડળના પ્રમુખ ભીખુભાઇ પટેલ, પદાધિકારીઓ, કલેકટર મનોજ દક્ષિણી, જિલ્લા વિકાસ અધિકારી બી.જી. પ્રજાપતિ, હરિભક્તો ઉપસ્થિત રહ્યા હતા. સમગ્ર કાર્યક્રમનું શ્યામ સ્વામીએ કર્યું હતું.

અન્ય સમાચારો પણ છે...