પોલીસ ત્રાટકી:વિવાહ પાર્ટી પ્લોટમાં ધાર્મિક કાર્યક્રમના નામે હાઈપ્રોફાઈલ ગરબાનું આયોજન, કિંજલ પણ વિવાદમાં

આણંદ17 દિવસ પહેલા
  • કૉપી લિંક

એક તરફ સરકાર દ્વારા કોરોના સંક્રમણને રોકવા માટે સઘન કવાયત હાથ ધરવામાં આવે છે ત્યારે બીજી તરફ આણંદમાં કેટલાંક તત્વો દ્વારા સરકારના પ્રયાસો પર પાણી ફેરવવામાં આવી રહ્યું છે. સરકાર દ્વારા ચાલુ વર્ષે મર્યાદિત 400ની સંખ્યામાં જ નવરાત્રિનું આયોજન અને એમાં પણ શેરી ગરબાને જ મંજૂરી આપવામાં આવી છે ત્યારે આણંદ પાસેના કરમસદ સ્થિત તિરૂપતિ પેટ્રોલપંપ પાસે આવેલા વિવાહ પાર્ટી પ્લોટમાં કરમસદની સોશ્યલ ક્લબના આયોજકો દ્વારા નોરતાના આગલા દિવસે નવરાત્રિનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં જાણીતી ગાયિકા કિંજલ દવેને બોલાવાઈ હતી.

રસપ્રદ બાબત તો એ છે કે સમગ્ર ગરબામાં કોવિડ ગાઈડલાઈનનું સરેઆમ ઉલ્લંઘન કરાયું હતું. જે અંગેની માહિતીના આધારે વિદ્યાનગર પોલીસ ત્રાટકી હતી અને ગરબા બંધ કરાવ્યા હતા.રસપ્રદ બાબત તો એ છે કે, ઉત્સવ ઉજવણીના અતિરેકમાં જે પરમીશન લેવાઈ હતી તેમાં નિ:શુલ્ક પ્રવેશની વાત કરાઈ હતી. જોકે, આમ છતાં પાસ આપવામાં આવ્યા હતા તેમાં રૂપિયા એક હજાર એન્ટ્રી ફી વસૂલાઈ હતી.

એ જ રીતે સરકાર દ્વારા પાર્ટી પ્લોટ અને ખુલ્લા ગ્રાઉન્ડમાં પણ મનાઈ ફરમાવી છે. છતાં પણ આયોજકો દ્વારા બિન્દાસ બનીને આયોજન કરવામાં આવ્યું હતું. આ સમગ્ર મામલે જ્યારે કાર્ડ પર લખેલા આયોજકના નંબર પર પૂછપરછ માટે સંપર્ક કરવાનો પ્રયાસ કરાયો હતો. પરંતુ તેમણે ફોન રીસીવ કર્યો નહોતો.

નવરાત્રિમાં ક્યાં પરમીશન આપી છે ?
નવરાત્રિ કાલથી શરૂ થાય છે અને મેં નવરાત્રિની ક્યાં પરમીશન આપી છે. મેં જે મંજૂરી આપી છે તેમાં નિ:શુલ્ક પ્રવેશની વાત છે એક ધાર્મિક તહેવારની પરમીશન આપી છે. હવે જો તેમાં ગાઈડલાઈનનું પાલન ન થતું હોય તે જોવાની જવાબદારી પોલીસની છે. - આર. બી. પરમાર, મામલતદાર, આણંદ ગ્રામ્ય.

પરમીશન રજૂ કરી છે, જો ભંગ જણાશે તો ગુનો દાખલ કરાશે
પોલીસને જાણ થતાં જ પોલીસની એક ટીમ દ્વારા તુરંત જ કાર્યવાહી કરવામાં આવી હતી. હાલમાં તેઓ દ્વારા પરમીશનના કાગળ બતાવવામાં આવ્યા છે. જે પોલીસ દ્વારા ચકાસવામાં આવ્યા છે. જો ક્યાંય પણ એવું જણાશે કે કોરોનાની ગાઈડલાઈનનું ભંગ થતો હશે તો આયોજક વિરૂદ્ધ ગુનો નોંધાશે. - અજીત રાજ્યાન, જિલ્લા પોલીસ વડા, આણંદ.

અન્ય સમાચારો પણ છે...