ચરોતરમાં કમોસમી વરસાદ:કેટલાંક વિસ્તારોમાં ગુરુવારે મોડીરાત્રે વરસાદી ઝાપટું; બાજરીની કાપણી શરૂ થઇ ગઇ હોવાથી ખેડૂતોમાં ચિંતા વ્યાપી

આણંદ,ખેડાએક મહિનો પહેલા
  • કૉપી લિંક

આણંદ-ખેડા જિલ્લામાં ગુરૂવારે રાત્રિના સમયે અચાનક વાતાવરણમાં પલટો જોવા મળ્યો હતો. ચરોતરના જુદા જુદા વિસ્તારમાં પ્રિ-મોન્સૂન એક્ટિવિટી શરૂ થવાની આગાહી વચ્ચે કેટલેક ઠેકાણે વરસાદી ઝાંપટાં પડ્યા હતા.

બીજી તરફ શુક્રવારે ચરોતરમાં મહત્તમ તાપમાન ઘટીને 38.0 ડિગ્રી થઈ ગયું હતું. ઉપરાંત, સાંજના સમયે 9.6 કિલોમીટરની ઝડપે પવન ફૂંકાતા ચરોતરવાસીઓને ગરમીમાંથી આંશિક રાહત મળી હતી. કમૌસમી વરસાદને કારણે શુક્રવારે સમગ્ર દિવસ દરમિયાન વાતાવરણમાં બફારો અનુભવાયો હતો. ઉલ્લેખનીય છે કે, કમૌસમી વરસાદને પગલે ખેતરોમા બાજરી પાકની કાપણી શરૂ થઇ ગઇ હોવાથી ખેડુતોમાં ચિંતા વ્યાપી ગઇ હતી.

હવામાન વિભાગના સૂત્રો દ્વારા મળતી માહિતી અનુસાર, હજુ આગામી ત્રણેક દિવસ વાદળછાયંુ વાતાવરણ રહેવાની સંભાવના છે. પ્રિ-મોન્સૂન એક્ટિવિટીઝ વચ્ચે નૈઋત્યના પવનો ફૂંકાવાનું શરૂ થયા છે ત્યારે વાતાવરણમાં વાદળોના આવન-જાવન વચ્ચે શુક્રવારે વહેલી સવારે એકાએક પલ્ટો જોવા મળ્યો છે. માવઠાંને પગલે બપોરે વાતાવરણમાં અસહ્ય બફારો, ઉકળાટનો અહેસાસ થયો હતો. છેલ્લાં ત્રણેક દિવસથી વાતાવરણમાં ભેજનું પ્રમાણ વધી રહ્યું છે. તેની સામે પવનની ઝડપ 9.6 કિ.મી. પ્રતિ કલાક નોંધાઈ છે. આણંદ ફલડ કંટ્રોલ, હવામાન વિભાગે વરસાદ પડ્યાનો ઈન્કાર કર્યો હતો.

ખેડા, માતર, નાયકા અને કલોલીમાં પણ ઝાપટુું પડ્યું
ખેડા-માતર તાલુકાના અમુક ગામોમાં ગત મોડી સાંજે સામાન્ય વરસાદી છાંટા પડતા લોકોએ ગરમીમાં રાહતનો શ્વાસ લીધો હતો. માતર ગામમાં એકાએક વાતાવરણમાં ફેરફાર થતા નાનું ઝાપટું પડ્યું હતું ત્યારે ખેડા તાલુકાના કેટલાક ગામોમાં વરસાદી છાંટા પડતા રોડ રસ્તા ભીના થયા હતા. વળી તાલુકાના નાયકા- કલોલીમાં વરસાદી છાંટા પડ્યા હતા. આ સામાન્ય વરસાદી છાંટા પડતા ખેડૂતો આગામી પાકની સિઝન માટેની તૈયારીઓ શરૂ કરી શકે છે. આ સામાન્ય વરસાદી છાંટા થી ખેડૂતોને કોઈ અન્ય પાકોને નુકસાન પહોંચ્યું ન હોવાનું સ્થાનિક ખેડુતોએ ઉમેર્યુ હતુ.

અન્ય સમાચારો પણ છે...