આણંદ જિલ્લો ખેતી પ્રધાન પ્રદેશ છે અને નહેર સહિતની સિંચાઇની સગવડના કારણે બારેમાસ ખેતી થતી રહે છે. અહીંથી ફળદ્રુપ જમીનના પગલે વનસ્પતિની વિવિધતા જોવા મળે છે, પરંતુ કેટલીક વખત પડતર જગ્યામાં ભરાયેલા પાણી અને ગીચ ઝાડીમાં મચ્છરોનો ઉપદ્રવ જોવા મળે છે. જે સરવાળે મેલેરિયા ફેલાવે છે. જોકે, આરોગ્ય વિભાગ દ્વારા છેલ્લા પાંચેક વર્ષથી કરવામાં આવેલી કવાયતના પગલે છેલ્લા દોઢ વર્ષમાં માત્ર ત્રણ જ મેલેરિયા કેસ નોંધાયા છે અને આ મેલેરિયા ન ફેલાય તે માટે ચોમાસા પહેલા જ વિવિધ પગલાં ભરવાનું શરૂ કર્યું છે.
આણંદ જિલ્લાના આરોગ્ય વિભાગના મેલેરિયા દ્વારા 2022માં ઘરેઘરે ફરી મેલેરિયાજન્ય મચ્છરના ઉપદ્રવ ઘટાડવા કામગીરી કરવામાં આવી રહી છે. છેલ્લા ચાર મહિનામાં 25 લાખ ઉપરાંત સ્થળે તપાસ કરવામાં આવી હતી. જેમાં 25 હજાર સ્થળે પોરા મળ્યાં હતાં. આ તમામ સ્થળોના માલિકને સ્વચ્છતા રાખવા તાકીદ કરવામાં આવી છે. અલબત્ત, આરોગ્ય વિભાગ દ્વારા છેલ્લા પાંચ વરસથી કરવામાં આવી રહેલી કવાયતના પગલે દર વરસે મેલેરિયાના કેસમાં સતત ઘટાડો થઇ રહ્યો છે. છેલ્લા 2021માં માત્ર ત્રણ જ કેસ જોવા મળ્યાં છે અને આ વરસે પણ ચોમાસા પહેલા પાણી ભરાવવાની શકયતાવાળા તમામ સ્થળે પગલાં ભરી મચ્છરનો ઉપદ્રવ ન વધે તે માટે પગલાં ભરવામાં આવી રહ્યાં છે.
આ અંગે મેલેરિયા વિભાગના ડો. આલોક કુલશ્રેષ્ઠે જણાવ્યું હતું કે, જિલ્લામાં આવેલા તમામ 53 પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર અને 8 હેલ્થ સેન્ટરમાં આરોગ્યની ટીમ દ્વારા ઘનિષ્ઠ સર્વેલન્સની કામગીરી હાથ ધરવામાં આવી છે. જેમાં “વહેલું નિદાન ત્વરીત સારવાર” સુત્ર અન્વયે તમામ તાવના કેસોનું વહેલામાં વહેલી તકે શોધખોળ કરી મેલેરિયાનું નિદાન કરવામાં આવે છે. રોજેરોજ લીધેલા લોહીના નમુના 24 કલાકમાં પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ખાતે મોકલી તપાસ કરવામાં આવે છે. મેલેરિયા મચ્છરથી થતો રોગ હોઇ મચ્છરના ઉત્પત્તિ સ્થાનો – પાણીના ભરાવાના સ્થાનોમાં દર અઠવાડિયે પોરાનાશક કામગીરી હાથ ધરવામાં આવે છે. આ તદઉપરાંત હાઇરીસ્ક ગામોમાં લોન્ગ લાસ્ટીંગ ઇન્સેક્ટીસાઇડ નેટ ફાળવવામાં આવે છે, જેનાથી રોગોનું પ્રમાણ ઘટેલું જોવા મળે છે.
દોઢ કિલોમીટર સુધી મચ્છર પ્રવાસ કરી શકે છે
આણંદ જિલ્લા આરોગ્ય વિભાગના સૂત્રોએ જણાવ્યું હતું કે, પોરામાંથી મચ્છર બહાર આવ્યા બાદ તે દોઢ કિલોમીટર દુર બેઠેલી વ્યક્તિ સુધી પહોંચી તેને કરડ્યા બાદ ફરી મુળ સ્થાને આવી શકે છે. ઘણી વખત બંધ પડેલા મકાનમાં મોટી સંખ્યામાં મચ્છરો હોય છે. જે રાત પડતાં આસપાસમાં સોસાયટીના ઘરોમાં પહોંચી કરડતાં હોય છે. આથી, ઘરમાં સ્વચ્છતા સાથે આસપાસમાં પણ સ્વચ્છતા હોવી જરૂરી છે.
છેલ્લા ચાર મહિનામાં કરવામાં આવેલો સર્વે
વિગત | જાન્યુઆરી | ફેબ્રુઆરી | માર્ચ | એપ્રિલ |
તપાસેલા ઘરો | 6,78,996 | 6,96,315 | 7,87,783 | 3,61,272 |
ઘરોમાં મળેલા પોરા | 6,943 | 6,049 | 7,177 | 2,743 |
તપાસેલા પાત્રો | 22,27,182 | 20,06,824 | 23,96,674 | 10,64,070 |
પોરા મળ્યા હોય તેવા પાત્રો | 7,761 | 6,688 | 8,012 | 3,031 |
ટેમીફ્રોસથી આવરેલા પાત્રો | 1,04,287 | 1,11,820 | 1,46,993 | 60,183 |
તપાસેલા પેરાડોમેસ્ટીક સ્થાનો | 4,965 | 4,931 | 5,991 | 3,515 |
છેલ્લા પાંચ વર્ષ દરમિયાન સતત ઘટી રહેલા કેસ
વર્ષ | લીધેલા નમુના | મેલેરિયા કેસ |
2017 | 5,68,514 | 144 |
2018 | 5,28,373 | 85 |
2019 | 5,62,833 | 39 |
2020 | 4,34,425 | 11 |
2021 | 4,69,531 | 3 |
મેલેરિયા અટકાવવા શું શું પગલાં ભરાય છે?
અન્ય જિલ્લા/ રાજ્ય માંથી આવતા મજુરો /ઈંટોના ભઠ્ઠા / રોડ બનાવવા/ તમાકુની ખરી/ દાળમીલ વિગેરેનું અત્રે ના જિલ્લામાં આવતા સ્ક્રીનીંગ કરી બહારથી આવતા રોગોને રોકવા સ્પેશિયલ ડ્રાઇવ ચલાવવામાં આવે છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.