આણંદની કૈલાસનગર સોસાયટી રહેતી પરિણીતાના લગ્ન ઇડર ખાતે થયાં હતાં. જ્યાં સાસરિયાએ તેને ત્રાસ આપી પહેરેલા કપડે જ કાઢી મુકી હતી. આ અંગે પરિણીતાએ પતિ સહિત સાત સાસરિયા સામે ફરિયાદ આપતા પોલીસે ગુનો નોંધ્યો હતો.
આણંદના તુલસી ગરનાળા પાસે કૈલાસનગર સોસાયટીમાં રહેતી યુવતીના લગ્ન ઇડર ખાતે રહેતા આકાશ ડાહ્યાભાઈ ચેનવા સાથે 23મી ફેબ્રુઆરી,13ના રોજ થયાં હતાં. આ લગ્નજીવન શરૂઆતમાં સારી રીતે ચાલ્યા બાદ નાની બાબતમાં ઝઘડા શરૂ થઈ ગયાં હતાં. રસોઇ સહિતની બાબતમાં ભુલ કાઢી સાસરીયાઓ મ્હેણાં - ટોણાં મારવા લાગ્યાં હતાં. પરિણીતાએ 2015માં દિકરીને જન્મ પણ આપ્યો હતો. જેનાથી સાસરિયાનું વર્તન બદલાઇ ગયું હતું. અવાર નવાર તેઓ દિકરીનો જન્મ આપીને અમારું નાક કાપ્યું છે, તારે છોકરીનો જન્મ આપીને અમારૂ નામ નીચું કરી દીધું છે. તે છોકરીને જન્મ આપ્યો છે એટલે એનો તમામ ખર્ચો તારા બાપે ભોગવવાનો અમે એક પણ ખર્ચ આપવાના નથી આવા મહેણા ટોણા મારી ત્રાસ ગુજારતા હતા. જેથી પરિણીતાએ વળતો પ્રશ્ન કરતા કહ્યું કે છોકરાને જન્મ આપવો કે છોકરીને મારા હાથની વાત થોડી છે ? આમ જણાવતા જ સાસરિયા તાડુક્યા કે આજકાલની આવેલી તું અમારી સામે બોલે છે? તારા બાપે કોની સાથે કેમ રહેવાનું અને કેમ બોલવાનું તે શીખવ્યું નથી. તેમ કહીને સાસરીયા ત્રાસ આપવા લાગ્યાં હતાં. આકાશ પણ અવાર નવાર દારૂ પીને આવતા અને મારઝુડ કરતો હતો. પરિણીતાના પિતા આર્મીમાંથી નિવૃત્ત થતાં તેમને મળેલી રકમમાંથી રૂ. વીસ લાખની માગણી પણ સાસરીયાવારાએ કરી હતી અને ત્રાસ વધુ આપવા લાગ્યાં હતાં.
આશ્ચર્યજનક બાબત છે કે, પરિણીતાને રેલવે પોલીસ ફોર્સમાં નોકરી મળતાં તેઓ 2019માં સિકંદરાબાદ 8 મહિના માટે તાલીમમાં ગયાં હતાં. જ્યાંથી રજા પર આવે તો પણ મારઝુડ કરતાં હતાં. તાલીમ પુરી કર્યા બાદ વડોદરા હેડક્વાટર્સમાં ફરજ સોંપી હતી. બાદમાં આણંદ રેલવેમાં ફરજ પર હાજર થયાં હતાં. જેથી પતિ પણ આણંદ આવી ગયો હતો અને બે વર્ષ પહેલા ભાડાના મકાનમાં સાથે રહેવા લાગ્યાં હતાં. પતિ અમિત પગાર આવે તે મને આપવો અને તારે રકમ જોઇતી હોય તો તારે મારી પાસેથી માંગવાની તેમ જણાવતો હતો. દારૂ પી ઝઘડો કરતો હતો, વારંવાર નોકરી છોડી દેવા દબાણ કરતો હતો. જેમાં પોલીસવાળીને ઘરમાં રખાય નહીં, જો રાખીએ તો આપણને ખોટા ખોટા કાયદા બતાવશે. તેમ કહી સાસરિયા ચઢવણી કરતાં હતાં. તેમાંય ફેબ્રુઆરી-2022માં ઝગડો ખૂબ જ મોટો થયો હતો. જેમાં પહેરેલા કપડે જ પરિણીતાને અને તેમની દિકરીને ઘરમાંથી કાઢી મુકી હતી.
આ બાદ સગા સંબંધી અને પંચ ભેગું કરી સમજાવટ અને સમાધાનના પ્રયાસ કર્યા પરંતુ નિષ્ફળ રહ્યા હતા. વળી આને તો છૂટું જ આપવાનું અને બીજી પૈસાવાળી લાવવાની છે અને આને ગમે ત્યારે કોતર મારીને નાખી દેવાની એટલે એની લાશ પણ કોઈને મળે નહીં તેવી ધમકીઓ પણ આપી હતી. આ અંગે પરિણીતાએ મહિલા પોલીસ મથકે ફરિયાદ આપતાં પોલીસે આકાશ ડાહ્યાભાઈ ચેનવા, ડાહ્યાભાઈ કડવાભાઈ ચેનવા, સૂર્યાબહેન ડાહ્યાભાઈ ચેનવા, રંજીત ડાહ્યાભાઈ ચેનવા, પ્રભુ કડવાભાઈ ચેનવા, દક્ષાબહેન પ્રભુભાઈ ચેનવા અને બેચરભાઈ ભીખાભાઈ ચેનવા સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.