તંગદીલી ભર્યો માહોલ:ખંભાતમાં સંવેદનશીલ પરિસ્થિતિને લઇને હનુમાન જન્મોત્સવ શોભાયાત્રા મોકૂફ, રામનવમીના દિવસે થયેલા પથ્થરમારામાં વધુ 5ની અટકાયત

આણંદએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • પથ્થરમારા પ્રકરણમાં પોલીસ તપાસમાં એક પછી એક ચોંકાવનારી કડી બહાર આવી રહી છે
  • આજે આરોપીઓના રિમાન્ડ પુરા થતા વધુ રિમાન્ડ માટે કોર્ટમાં માગણી કરાશે

ખંભાતના શક્કરપુરમાં રામનવમીના દિવસે શોભાયાત્રા પર થયેલા પથ્થરમારા પ્રકરણમાં ચાલી રહેલી પોલીસ તપાસમાં એક પછી એક ચોંકાવનારી વિગતો બહાર આવી રહી છે. ત્યારે ખંભાતના શ્રદ્ધાળુઓ દ્વારા હનુમાન જયંતિ નિમિત્તે વિવિધ ધાર્મિકોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું. આ અંગે આયોજકોએ જિલ્લા પોલીસ પાસે જરૂરી મંજૂરી પણ માંગી હતી, પરંતુ પોલીસ અધિકારી અને આયોજકોની બેઠકમાં હાલની સંવેદનશીલ પરિસ્થિતિ અને અઘટિત ઘટના ઘટવાનો ભય અને પોલીસ સ્ટાફની મર્યાદીતતા સહિતના પાસાઓનો વિચાર કરી જન્મોત્સવની ઉજવણી મોકૂફ રાખવામાં આવી છે. જેના કારણે સ્થાનિક શ્રદ્ધાળુઓમાં ભારે નારાજગી જોવા મળી રહી છે.

રામનવમીના દિવસે શોભાયાત્રા પર થયેલા પથ્થરમારા પ્રકરણમાં ચાલી રહેલી પોલીસ તપાસમાં એક પછી એક ચોંકાવનારી વિગતો બહાર આવી રહી છે. સ્લીપર મોડ્યુલ બાદ બહારથી ફડીંગની પણ આશંકા ઉભી થઈ છે. જે સંદર્ભે બેન્ક સ્ટેટમેન્ટ સહિત અન્ય નાણાકીય વ્યવહારની તપાસ શરૂ કરવામાં આવી છે. બીજી તરફ ખંભાત પોલીસે શનિવારના રોજ 5થી વધુની ધરપકડ કરી પૂછપરછ હાથ ધરી છે. અગાઉ મૌલવી સહિત પકડાયેલા 11ના રિમાન્ડ પુરા થતાં વધુ રિમાન્ડ માંગવા ચક્રોગતિમાન કરવામાં આવ્યાં છે.

ચરોતર એનઆરઆઈ હબ ગણાય છે, આ ઉપરાંત અમુલ ડેરી જેવી આંતરરાષ્ટ્રીય સંસ્થા અહીં આવેલી છે. તેવી જ રીતે દેશ – વિદેશના વિદ્યાર્થીઓ અહીં અભ્યાસ કરવામાં આવે છે. આવી સ્થિતિમાં જિલ્લામાં શાંતિ – સલામતી હોવી જરૂરી છે. પરંતુ ખંભાતમાં સમયાંતરે થતાં છમકલા અને રામનવમીમાં શક્કરપુરમાં થયેલી ઘટનામાં આતંકી પ્રવૃત્તિ તરફ ધકેલાઇ રહ્યું હોય તેવું વાતાવરણ ઉભુ થયું છે. જેના કારણે ચરોતરની છબી પણ ખરડાઇ રહી છે. આથી, આ પ્રવૃત્તિને ઉગતી જ ડામી દેવા માટે ગૃહવિભાગમાંથી તમામ આદેશો આપી દેવામાં આવ્યા છે. જેના પગલે જિલ્લા પોલીસ વડા સહિતના ઉચ્ચ અધિકારીઓના ધાડા છેલ્લા એક સપ્તાહથી ખંભાતમાં ધામા નાખીને પડ્યાં છે. પ્રાથમિક તપાસમાં જ સ્લીપર મોડ્યુલર, જિલ્લા બહારથી નાણા આવ્યા હોવાની વાત બહાર આવી છે. આ નાણા હવાલા મારફતે આવ્યા કે બેન્ક મારફત તે તરફ તપાસ ચાલી રહી છે.

ખંભાતમાં પથ્થરમારાની ઘટનાના એક સપ્તાહ બાદ પણ અજંપાભરી શાંતિ જોવા મળી રહી છે. એસઆરપીની 3 કંપની ઉપરાંત સ્થાનિક અને ખેડાની પોલીસનો ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે. હાલ પોલીસ તપાસમાં રોજ નવી નવી મોડસ ઓપરેન્ડી ખુલી રહી છે. હાલ પોલીસ દ્વારા ધરપકડ અને તપાસનો દોર ચાલુ જ છે. જિલ્લા પોલીસ વડા અજિત રાજયાણ ખંભાતમાં જ હોઈ તપાસ અને અન્ય સંબંધિત ઘટનાક્રમ બાબતે પળેપળની ખબર લઈ રહ્યા છે. હાલ પોલીસે વધુ 5 ઇસમોને રાઉન્ડઅપ કર્યા છે અને તેઓની સઘન પૂછપરછ થઈ રહી છે. જેને લઈ હજુ પણ વધુ ચોંકાવનારી વિગતો પ્રકાશમાં આવે તેવી દહેશત વર્તાઈ રહી છે.

આયોજકો સાથે ચર્ચા બાદ હનુમાન જન્મોત્સવ રદ્દ કરાયો

ખંભાતના શ્રદ્ધાળુઓ દ્વારા હનુમાન જયંતિ નિમિત્તે વિવિધ ધાર્મિકોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું. આ અંગે આયોજકોએ શોભાયાત્રા માટે જિલ્લા પોલીસ પાસે જરૂરી મંજુરી પણ માંગી હતી. પરંતુ પોલીસ અધિકારી અને આયોજકોની બેઠકમાં હાલની સંવેદનશીલ પરિસ્થિતિ અને અઘટિત ઘટના ઘટવાનો ભય અને પોલીસ સ્ટાફની મર્યાદીતતા સહિતના પાસાઓનો વિચાર કરી જન્મોત્સવની શોભાયાત્રા ઉજવણી મોકૂફ રાખવામાં આવી છે. જેના કારણે સ્થાનિક શ્રદ્ધાળુઓમાં ભારે નારાજગી જોવા મળી રહી છે.

અન્ય સમાચારો પણ છે...