સિંચાઈની નવી ટેક્નિક:ગુજરાતના ખેડૂતો ટ્રાવેલ રેઇનગનથી ઓછા પાણીએ ખેતી કરી શકે છે, પેટ્રોલનો ખર્ચ પણ બચાવી શકે છે

આણંદએક મહિનો પહેલા
  • રેઇનગન 70 મીટરનો રાઉન્ડ એરિયા કવર કરી 300 મીટર લંબાઈના એરિયામાં સરળતાથી કાર્ય કરી બતાવે છે
  • ટ્રાવેલ રેઈનગન સિંચાઈ પદ્ધતિમાં એક વીઘામાં અઠવાડિયામાં બે વખત 50 હજાર લિટર પાણીની જરૂર પડે છે

આણંદ કૃષિ યુનિવર્સિટીના યોજાયેલી પ્રી-ઇવેન્ટ એગ્રો અને ફૂડ પ્રોસેસિંગ સમિટમાં અનેક પ્રકારનાં ખેતીનાં સંશોધનો રજૂ કરવામાં આવ્યાં હતાં, જેમાં ટ્રાવેલ રેઇનગન આકર્ષણનું કેન્દ્ર બની છે. આ રેઇનગન થકી ઓછા પાણીએ પણ સારીએવી ખેતી થઇ શકે છે. વળી, ડંકી ચલાવવામાં થતો પેટ્રોલ સહિતનો ખર્ચ પણ બચાવી શકે છે.

અજોડ અને સમાન પાણી સિંચાઈ કરતું સાધન
આ અંગે ઓનર ધૃવ કોટડિયાએ જણાવ્યું હતું કે આત્મનિર્ભર ભારત સંકલ્પ અંતર્ગત પરિધાન ફાર્મા અને એગ્રોટીસ દ્વારા ઓછા પાણીએ વધુ વિસ્તારમાં સિંચાઇ કરી સારો પાક મેળવી શકે એ માટે ટ્રાવેલ રેઇનગન બનાવવામાં આવી છે. ટ્રાવેલ રેઇનગન સિંચાઇ માટે અજોડ અને સમાન પાણી સિંચાઇ કરતું સાધન છે. આ ટ્રાવેલ રેઇનગન એ એક ઓટોમેટિક માનવ સંસાધન વગર સિંચાઈ કરી આપતું શ્રેષ્ઠ સાધન છે. આ ટ્રાવેલ રેઇનગન એ સિંચાઇ માટે 70 મીટરનો રાઉન્ડ એરિયા કવર કરી 300 મીટર લંબાઇના એરિયામાં સરળતાથી કાર્ય કરી બતાવે છે.

વિદ્યુત ઊર્જાની પણ ખૂબ જ બચત થાય છે
વધુમાં ટ્રાવેલ રેઇનગનના ફાયદા અંગે ધૃવે જણાવ્યું હતું કે ખેતી માટે પ્રથમ અને મહત્ત્વનો પ્રશ્ન સિંચાઇને લઇને ઊભો થાય છે. આ ટ્રાવેલ રેઇનગન સિંચાઇમાં પાણીનો ખૂબ જ ઓછો ઉપયોગ કરી શ્રેષ્ઠ સિંચાઇનું માધ્યમ પૂરું પાડે છે. જોકે અન્ય સિંચાઇનાં સંસાધનો, જેવાં કે ધોરિયા પદ્ધતિ, તો આ પદ્ધતિમાં એક વીઘા વિસ્તારમાં સિંચાઇ માટે 100થી 150 લાખ લિટર પાણીની જરૂર છે. જ્યારે આ ટ્રાવેલ રેઇનગન સિંચાઇ પદ્ધતિમાં એક વીઘા વિસ્તારમાં સિંચાઇ માટે 20થી 25 હજાર લિટર (બે વાર અઠવાડિયાં)માં એટલે કે 50 હજાર લિટર પાણીની જરૂર પડે છે. સૌથી મહત્ત્વની બાબત એ છે કે વિદ્યુત ઊર્જાની પણ ખૂબ જ બચત થાય છે. બીજા પાણી ખેંચવાનાં સંસાધનો કે જેનો ઉપયોગ પેટ્રોલ, ડીઝલ, કેરોસિન છે, જે ખર્ચાળ હોય છે.

આ ઉપરાંત વિદ્યુત ઊર્જાનો ઉપયોગ કરે તોપણ ખર્ચાળ છે, જેમ કે બીજા સિંચાઇનાં સંસાધનો ઉપયોગ કરે તો એક વીઘા વિસ્તારમાં પાણી પહોંચાડવા માટે સતત બેથી અઢી કલાક મશીન ચાલુ રાખી વિદ્યુત ઊર્જાનો ઉપયોગ કરવો પડે છે, જ્યારે આ રેઇનગન સિંચાઇ પદ્ધતિ એક વીઘા વિસ્તારમાં સિંચાઇ પાણી પહોંચાડવા એક કલાકનો સમય ઉપયોગ કરે છે, તો ઊર્જા 40 ટકાથી 45 ટકા જેટલા જથ્થાની બચત થાય છે.

પાકનું ઉત્પાદન સારું મળે છે
ટ્રાવેલ રેઇનગનથી છૂટા પાણી પિયત પદ્ધતિ કરતાં માત્ર 38.40 ટકા પાણીમાં કાર્ય કરે છે અને 61.60 ટકા પાણીનો બચાવ કરે છે, જે બધા જ પ્રકારના પાકનું ઉત્પાદન ખૂબ જ ઓછા પાણીથી કરી શકાય છે, જેનાથી પાણી, ઇલેક્ટ્રિસિટી, સમય, મેનપાવરની બચત થાય અને પાકનું સારું ઉત્પાદન મળે છે.

ટ્રાવેલ રેઇનગન કેવી રીતે કામ કરે છે ?
ટ્રાવેલ રેઇનગન મશીનને પાઇપ દ્વારા પાણીના સ્ત્રોત સાથે જોડીને વીજપુરવઠો ચાલુ કરતાં રેઇનગનની પ્રક્રિયા ચાલુ થાય છે. પાણીના જ ફોર્સને કારણે રેઇનગન જાતે જ કોઇપણ પ્રકારના બહારના ફોર્સ વગર આગળ ચાલે છે. આ ટ્રાવેલ રેઇનગન 300 મીટર સુધી અંતર કાપવાની ક્ષમતા ધરાવે છે. જ્યારે ટ્રાવેલ રેઇનગન પાથ પર ચાલે છે, આજુબાજુના 70 મીટર ત્રિજ્યાના એરિયામાં પાણીનો સ્પ્રિન્કલર દ્વારા છંટકાવ કરે છે. ટ્રાવેલ રેઇનગન ચાલુ કરવા અને બંધ કરવા માટે જ મેનપાવરની જરૂર પડે છે. આ સિવાય રેઇનગનને 300 મીટર ચલાવવા માટે મેનપાવરની કોઇ જરૂર પડતી નથી.

અન્ય સમાચારો પણ છે...