સ્પર્ધા:GTU આંતર ઝોનલ લોન ટેનિસ સ્પર્ધા વડોદરા ખાતે યોજાઈ, વાસદની SVIT કોલેજનો ભવ્ય વિજય

આણંદએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • વિદ્યાર્થીઓના વિભાગમાં SVITની ટીમે ફાઈનલમાં અમદાવાદની સિલ્વર ઓક કોલેજને સીધા સેટમાં 2-0 થી હરાવી
  • વિદ્યાર્થિનીઓના વિભાગમાં SVITની ટીમે અમદાવાદની એલ.ડી. એન્જિનિયરિંગ કોલેજને 2-1 થી પરાજિત કરી

ગુજરાત ટેકનોલોજીકલ યુનિવર્સિટી(જી.ટી.યુ.)ના નેજા હેઠળ આવતી એન્જીનીયરીંગ, ફાર્મસી, એમબીએ અને એમસીએ કોલેજોમાં અભ્યાસ કરતા વિદ્યાર્થી ભાઈ-બહેનો માટે લોન ટેનિસ સ્પર્ધાનું આયોજન આણંદના વાસદ સ્થિત SVIT કોલેજ દ્વારા વડોદરાની સેવાસી ખાતે આવેલા પુષ્પક ટેનિસ એકેડેમીમાં યોજવામાં આવ્યું હતું.

આ સ્પર્ધામાં ટીમ ઇવેન્ટમાં વિદ્યાર્થીઓના વિભાગમાં SVITની ટીમ હીરક વોરાની કેપ્ટન્સીમાં ફાઈનલમાં અમદાવાદની સિલ્વર ઓક કોલેજને સીધા સેટમાં 2-0 થી હરાવી જીટીયુની ચેમ્પિયનશિપ મેળવવામાં સફળ થઈ હતી. જ્યારે વિદ્યાર્થિનીઓના વિભાગમાં SVITની ટીમ કુ. દ્રષ્ટિ વ્યાસની કેપ્ટન્સીમાં અમદાવાદની એલ.ડી. એન્જિનિયરિંગ કોલેજને 2-1 થી પરાજિત કરી ચેમ્પિયન થઈ હતી.

વિદ્યાર્થીઓની વ્યક્તિગત સ્પર્ધામાં SVITનો કેપ્ટન હીરક પ્રથમ સ્થાને અને ભાવનગરની GMCC કોલેજનો ખેલાડી પ્રકાશ વાઘેલા ઉપવિજેતા જાહેર થયો હતો. આ ઉપરાંત વિદ્યાર્થીનીઓની વ્યક્તિગત સ્પર્ધામાં ભાવનગરની ગવર્મેન્ટ એન્જિનિયરિંગ કોલેજની કુ.વૈદેહી મકવાના વિજેતા થઈ હતી અને એસવીઆઇટીની કેપ્ટન કુ. દ્રષ્ટિ વ્યાસ ઉપવિજેતા જાહેર થઈ હતી.

મહત્વનું છે કે, ખેલાડીઓને પ્રોત્સાહિત કરવા માટે જીટીયુના સ્પોર્ટ ઓફિસર ડો. આકાશ ગોહિલ ફાઇનલ મેચમાં વિશેષ ઉપસ્થિત રહ્યા હતા અને ત્યાર પછી વિજેતા અને ઉપવિજેતા ખેલાડીઓને મેડલ અને ટ્રોફી એનાયત કરી હતી‌.

આ સમગ્ર સ્પર્ધામાં ટેકનીકલ ડાયરેક્ટર તરીકે દર્શન મહેતાએ સેવા આપી હતી અને તેમની ટીમ દ્વારા પંચ કાર્ય કરવામાં આવ્યું હતું. સમગ્ર સ્પર્ધાનું સંચાલન વિકાસ અગ્રવાલ (ડાયરેક્ટર ફિઝિકલ એજ્યુકેશન) એસવીઆઈટી દ્વારા કરવામાં આવ્યું હતું.

બે દિવસની આ સ્પર્ધામાં મુખ્ય અતિથિ તરીકે ડો. વિજય શાહ (વડોદરા શહેર અધ્યક્ષ બીજેપી) ઉપસ્થિત રહ્યા હતા અને વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત કર્યા હતા. અન્ય મહાનુભાવોમાં પુષ્પક ટેનિસ એકેડમીના ડાયરેક્ટર અને સીનીયર કોચ મહેતા સર ઉપસ્થિત રહ્યા હતા. SVIT કોલેજના આચાર્ય ડૉ. એસ ડી. ટોલીવાલ દ્વારા વિદ્યાર્થીઓને અભ્યાસની સાથે સાથે રમતનું મહત્વ જણાવ્યું હતું. આ પ્રસંગે ડૉ. જગજીત સિંહ ચૌહાણ ( ડી.પી.ઈ. કપડવંજ કોલેજ) વિશેષ ઉપસ્થિત રહ્યા હતા.

એસ.વી.આઇ.ટી. વાસદના અધ્યક્ષ ભાસ્કર પટેલ, ઉપાધ્યક્ષ દિપક પટેલ, સેક્રેટરી ભાવેશ પટેલ, અને આચાર્ય ડૉ. એસ.ડી.ટોલીવાલ અને સમસ્ત એસ.વી.આઇ.ટી પરીવાર તરફથી વિકાસ અગ્રવાલ અને લોન ટેનિસ ટીમને તેમની ઝળહળતી સફળતા માટે શુભેચ્છાઓ પાઠવવામાં આવી હતી.

અન્ય સમાચારો પણ છે...