વિવાદ:શીલી ગામે શોભાયાત્રામાં અશ્લિલ ગીત વગાડાતા જૂથ અથડામણ : ટીયરગેસ છોડાયો : કર્મી ગંભીર

આણંદ6 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • ખંભોળજ પોલીસે ઓળખી કાઢેલા 52 સહિત ટોળાં વિરૂદ્ધ ગુનો નોંધી 41ની ધરપકડ કરી

ઉમરેઠ તાલુકાના શીલીમાં મંગળવારે રાત્રે ભગવાન શિવજીના વરઘોડામાં અશ્લીલ ગીત વગાડવા મુદ્દે એક જ કોમના બે ટોળાં બાખડ્યા હતા. બંને કોમના ટોળાં સામ-સામે આવી જઈને પથ્થરમારો કર્યો હતો. ઉપરાંત ફરજ પર હાજર પોલીસકર્મીને કેટલાંક ટોળાઓ ફરી વળ્યા હતા અને તેમણે તેમના પર બેરહેમીથી હુમલો કર્યો હતો. જેમાં તેમની હાલત ગંભીર બની હતી. આ મામલે ખંભોળજ પોલીસે ઓળખી કાઢેલા 52 સહિત ટોળાં વિરૂદ્ધ રાયોટીંગનો ગુનો નોંધી 41ની ધરપકડ કરી હતી.

ઉમરેઠ તાલુકાના શીલી ગામમાં દર શિવરાત્રિએ ભગવાન શંકરનો વરઘોડો નીકળે છે. દરમિયાન, મંગળવારે પણ સાંજે સિદ્ધનાથ મહાદેવ મંદિરથી ડીજેની સાથે ભગવાન શિવજીનો વરઘોડો નીકળ્યો હતો. રાત્રિના સાડા આઠ વાગ્યાની આસપાસ વરઘોડો આશાપુરા માતાજીના મંદિરે આવતાં જ ડીજેવાળા બહાદુરસિંહ પરમારે લાગણી દુભાય તેવું સંવેદનશીલ અને અશ્લીલ ગીત વગાડ્યું હતું. જેને કારણે બીજા જૂથના લોકો ઉશ્કેરાઈ ગયા હતા. બંને જૂથ વચ્ચે આ ગીતને કારણે ઝઘડો થયો હતો.

ઝઘડો ઉશ્કેરાટમાં પરિણમતાં બંને કોમના ટોળાં સામ-સામે આવી ગયા હતા અને તેમણે પથ્થરમારો શરૂ કર્યો હતો. આ દરમિયાન, બંદોબસ્તમાં હાજર પોલીસ કર્મીઓએ તેમને સમજાવવા પ્રયાસ કર્યો હતો. પરંતુ તે પૈકીના પાંચ શખસોએ પોલીસ જવાન સલીમજાવેદ ફરીદમીંયાને ઘેરી લઈ તેના પર લાકડી વડે હુમલો કર્યો હતો.

સમગ્ર બનાવની જાણ વાયુવેગે આણંદ જિલ્લામાં પ્રસરી જતાં ખંભોળજ પોલીસ ઉપરાંત, એલસીબી, એસઓજી સહિતનો પોલીસ કાફલો સ્થળ પર પહોંચી ગયો હતો અને ટોળાંને વિખેરવાના પ્રયાસ કરાયા હતા. જોકે, બંને જૂથ તરફથી પથ્થરમારો કરાતાં પોલીસ દ્વારા પાંચ ટીયરગેસના શેલ છોડવાની ફરજ પડી હતી.

જેને પગલે આખરે મામલો થાળે પડ્યો હતો. સમગ્ર બનાવમાં પોલીસ દ્વારા કુલ ઓળખી કાઢેલા 52 ઈસમો મળી કુલ 41 શખસોને ઝડપી પાડ્યા હતા. હાલમાં પોલીસ દ્વારા ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે જેને કારણે હાલ શાંતિ છે. બીજી તરફ પોલીસ દ્વારા રાઉન્ડ ધી ક્લોક પેટ્રોલિંગ હાથ ધરી સંડોવાયેલા અન્ય શખસોને ઝડપી પાડવાની તજવીજ હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...