પેટલાદ તાલુકાના બામરોલી તાબે મહુડીયાપુરા ગામે રાત્રે બકરી છુટી જઈને ઘરમાં બગાડ કરવા બાબતે બે પરિવારો વચ્ચે મારા મારીમાં ધારીયા-લાકડી ઉછળતા સાતથી વધુ લોકોને ઈજા થયાની સામ સામે ફરિયાદ મહેળાવ પોલીસ મથકમાં નોંધાઈ છે.
પેટલાદના બામરોલી મહુડીયાપુરામાં રણજીતભાઈ ચુનારાની બકરી રાતના અરસામાં છુટી ગઈ હતી. અને નજીકમાં રહેતા દિનેશભાઈ ચુનારાના છાપરામાં ઘુસી જઈને બગાડ કર્યો હતો.આ બાબતે દિનેશભાઈ શકરાભાઈ ચુનારા, સુનિલભાઈ ચુનારા, પ્રેમીલાબેન ચુનારા અને અરવિંદભાઈ ચુનારાએ ભેગા મળી રણજીતભાઈ તેમજ તેમના પરિવારજનો સાથે તારુ બકરુ રાતનું છુટી જઈને અમારા છાપરામાં બગાડ કરેલ છે.
તેમ કહી ઝગડો કરીને અપશબ્દો બોલતા તેઓએ અપશબ્દો બોલવાની ના પાડતા દિનેશભાઇએ રણજીતભાઈને માથાના ધારીયું મારી તથા અન્ય 3 વ્યક્તિઓને લાકડીઓ મારી ધમકીઓ આપી હતી. આ બનાવ અંગે રણજીતભાઈ કનુભાઈ ચુનારાની ફરીયાદ લઈ મહેળાવ પોલીસે દિનેશભાઈ શકરાભાઈ ચુનારા સહિત ચાર વિરૂધ્ધ ગુનો દાખલ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.
સામા પક્ષે દિનેશભાઈ ચુનારાએ નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યા મુજબ નજીકમાં બકરી છુટી ઝઈને બગાડ કરવા બાબતે ઠપકો આપતા નજીકમાં રહેતા રણજીતભાઇ, નગીનભાઈ ચુનારાના પરીવારે ઝઘડો કરી ત્રણને માર મારી ઇજાઓ પહોંંચાડી જાનથી મારી નાંખવાની ધમકીઓ આપ્યાની ફરિયાદ નોંધાવતા પોલીસે બંને પક્ષોની ફરિયાદો લઈ આગળની કાર્યવાહી હાથ ધરી છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.