નિ:સ્વાર્થ સેવાભાવ:400થી વધુ બિનવારસી મૃતકોના સ્વજન બનીને અગ્નિ સંસ્કાર કરનાર આણંદના અલ્પાબેન પટેલની સેવાને રાજ્યપાલે બિરદાવી

આણંદએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • રાજ્યપાલે અલ્પાબેનની આ અદ્વિતીય સેવાની નોંધ લેવા મહિલા અને બાળવિકાસ મંત્રીને પણ અનુરોધ કર્યો
  • આણંદના નવગુજરાત સ્ત્રી અધિકાર સંઘ સંસ્થાએ રાજ્યપાલ આચાર્ય દેવવ્રતની શુભેચ્છા મુલાકાત લીધી હતી

આણંદ જિલ્લામાં અલ્પાબેન પટેલ જિલ્લામા મળી આવતા બિનવારસી મૃતકોના સ્વજન બનીને અગ્નિ સંસ્કાર કરવાનું ઉમદા કાર્ય દોઢ દાયકાથી કરી રહ્યા છે. અલ્પાબેન પટેલ આણંદ નવગુજરત સ્ત્રી અધિકાર સંઘના સ્થાપક પ્રમુખ પણ છે. તેઓએ અત્યાર સુધીમાં અંદાજે 400થી વધુ બિનવારસી મૃતકોના સ્વજન બનીને તેઓના ધાર્મિક વિધિ-વિધાન મુજબ અગ્નિ સંસ્કાર કર્યા છે. જે બદલ તેમની નિ:સ્વાર્થ સેવાભાવનાને રાજયપાલ આચાર્ય દેવવ્રતજીએ શુભેચ્છા મુલાકાત દરમિયાન બિરદાવ્યા હતા.

આણંદ નવગુજરાત સ્ત્રી અધિકાર સંઘ દ્વારા રાજયપાલ આચાર્ય દેવવ્રતની ગાંધીનગર ખાતે શુભેચ્છા મુલાકાત લેવામાં આવી હતી. આ શુભેચ્છા મુલાકાત દરમિયાન નવગુજરાત સ્ત્રી અધિકાર સંઘ દ્વારા સમાજમાં અસહાય, નિર્બળ, નિરાધાર, ગૃહકલેશથી પીડિત મહિલાઓ અને વ્યકિતઓની કરવામાં આવી રહેલ સેવાઓ તેમજ અલ્પાબેન પટેલ દ્વારા બિનવારસી મૃતકોના કરવામાં આવી રહેલ અગ્નિ સંસ્કારની પ્રવૃત્તિઓ ઉપરાંત સમાજના સર્વાંગી વિકાસ અને પ્રકૃતિ-પર્યાવરણની જાળવણી અને ભારતીય સંસ્કૃતિના ઉત્થાન માટે વિવિધ સંસ્થાઓને સાથે રાખીને કરવામાં આવી રહેલા સેવાકીય પ્રવૃત્તિઓની રાજયપાલ અવગત કરાવવામાં આવ્યા હતા.રાજ્યપાલ આચાર્ય દેવવ્રતે સંસ્થા દ્વારા કરવામાં આવી રહેલ પ્રવૃત્તિ, સેવા અને સંઘર્ષ વિશે વિગતવાર જાણકારી મેળવી, ચર્ચા કરી માર્ગદર્શન આપ્યું હતું.

આ મુલાકાતમાં રાજયપાલએ સંસ્થાના અલ્પાબેન પટેલ એક મહિલા હોવા છતાં પણ તેમના દ્વારા જે રીતે નિ:સ્વાર્થભાવે બિનવારસી મૃતકોના મૃતદેહોને સ્વજન બનીને તેઓના ધાર્મિક વિધિ-વિધાન મુજબ અગ્નિ સંસ્કારની પ્રવૃત્તિ કરવામાં આવી રહી છે તેને બિરદાવી હતી. આ ઉપરાંત મહિલા અને બાળ વિકાસ મંત્રીને અલ્પાબેન પટેલના આ ઉમદા કાર્યની નોંધ લેવા સૂચન કર્યુ હતું. આ અંગે અલ્પાબેન પટેલે જણાવ્યું હતું કે, મને જીવનમાં રાજયપાલ આચાર્ય દેવવ્રતજી જેવા વિધ્વાન અને શ્રધ્ધેય મહાપુરૂષને રૂબરૂ મળી નમન અને વંદન કરી માર્ગદર્શન મેળવવાની જે ઇચ્છા હતી તે પરિપૂર્ણ થવાની સાથે તેઓના દ્વારા આપવામાં આવેલ આશીર્વાદ અને માર્ગદર્શન મારા માટે જીવનભરનું સંભારણુ બની રહેશે.

આ શુભેચ્છા મુલાકાત દરમિયાન સંસ્થા સાથે જોડાયેલ રવિભાઇ પટેલ, દીપાલીબેન ઉપાધ્યાય, હર્ષદભાઇ નાયક, મિનેશભાઇ પટેલ અને ભૂમિબેન વિગેરે સાથે રહ્યા હતા. દરમિયાન અલ્પાબેન પટેલે રાજયપાલ આચાર્ય દેવવ્રતજીને મા ભારતીનો ફોટો સંભારણારૂપે ભેટ આપ્યો હતો.

અન્ય સમાચારો પણ છે...