તસ્કરો ત્રાટક્યા:ઉમરેઠ ચરોતર ગેસ પંપના બંધ ગોડાઉનમાંથી રૂ.1.45 લાખનો સામાન ચોરાયો

આણંદએક વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • પરવટા ગામે આવેલા ગોડાઉનમાંથી તસ્કરો પાઇપ, યુપીએસ બેટરી, કોપર કેબલ ચોરી ગયાં

આણંદ પંથકમાં બાંધકામ સાઈટ ઉપર ચોરીનો સિલસિલો ચાલ્યો છે. હમણાં જ પણસોરાની બાંધકામ સાઈટ ઉપર ચોરીની ઘટના નોંધાઈ હતી. જોકે પોલીસે ગણતરીના કલાકોમાં જ ચોરોને ઝડપી લીધા હતા. હાલ ઉમરેઠના પરવટા ખાતે નવીન નિર્માણ થયેલા ચરોતર ગેસ પંપના બંધ ગોડાઉનમાં ચોરીની આવી જ ઘટના બની છે.

તસ્કરો પીવીસી-લોખંડની પાઇપ, એલ્યુમીનીયમ બોક્સ પાઇપ વગેરે ચોરી ગયા

જેમાં ખુલ્લામાં કે ક્યાંક છીડા હોય તેવા ગોડાઉનમાં તસ્કરો હાથ અજમાવવા લાગ્યા છે. ચરોતર ગેસ પંપના બંધ ગોડાઉનમાં પ્રવેશ કરી તસ્કરો પીવીસી પાઇપ, લોખંડની પાઇપ, એલ્યુમીનીયમ બોક્સ પાઇપ, યુપીએસ બેટરી, કોપર કેબલ સહિત કુલ રૂ.1.45 લાખનો મુદ્દામાર ચોરી ગયાં હતાં. આ અંગે ઉમરેઠ પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

માલસામાનની દેખરેખ માટે વોચમેન પણ રાખ્યાં

આણંદ સ્થિત ચરોતર ગેસ સહકારી મંડળીના ઈલેક્ટ્રીકલ સુપરવાઇઝર ચીમનભાઈ વાઘેલાએ ફરિયાદમાં જણાવ્યું હતું કે, પરવટા ખાતે મંડળીનું નવું સીએનજી ગેસ સ્ટેશન 14મી મે,2021થી ચાલુ કર્યું છે. તે પહેલા તેનું કામકાજ ચાલુ હતું. એટલે તેનો સઘળો સામાન ગોડાઉનમાં રાખતા હતા. અને દરવાજો પણ લોક કરી દેતાં હતાં. જોકે તેના બીંબ પાસે જગ્યા રહેતી હતી. માલસામાનની દેખરેખ માટે આ સમય દરમિયાન રાત અને દિવસ વોચમેન પણ રાખ્યાં હતાં.

ઉમરેઠ પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી

મહત્વનું છે કે આ દરમિયાનમાં 1લી એપ્રિલ,2021ના રોજ સવારમાં અમે મટીરીયલની ગણતરી કરી હતી. બાદમાં 21મીએ ફરી ગણતરી કરી તો કેબલ, વાયરનો સામાન મળી આવ્યો નહતો. બીજો સામાન પણ ઓછો થયાનો લાગ્યું હતું. આથી, ચોક્કસાઇ પૂર્વક ગણતરી કરતાં પીવીસી પાઇપ, લોખંડની બોક્સ પાઇપ, એલ્યુમીનીયમ બોક્સ પાઇપ, એસએસ પાઇપ, યુપીએસ બેટરી, કોપર કેબલ મળી કુલ રૂ.1,45,825નો સામાન ચોરી થયાનું જણાયું હતું. આ અંગે ઉમરેઠ પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...