તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

સન્માન:GCMMFના MD આર.એસ.સોઢીને એશિયા પેસિફિક પ્રોડક્ટિવિટી ચેમ્પિયન એવોર્ડથી સન્માનિત કરાયા

આણંદ5 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • ડો. સોઢી છેલ્લાં 20 વર્ષમાં આ પ્રતિષ્ઠિત એવોર્ડ મેળવનાર પ્રથમ ભારતીય વ્યક્તિ છે

ગુજરાતકો-ઓપરેટિવ મિલ્ક માર્કેટીંગ ફેડરેશન લિમિટેડ (અમૂલ)ના મેનેજિંગ ડિરેકટર ડો.આર.એસ.સોઢીએ ટોક્યો જાપાનનો પ્રતિષ્ઠિત એશિયા પેસિફિક પ્રોડક્ટિવિટિ ઓર્ગેનાઈઝેશન(APO) રિજનલ એવોર્ડ મળતા વધુ એક સમ્માન તેમની કારકિર્દી માં ઉમેરાયું છે.મહત્વનુ છે કે ડો. સોઢી છેલ્લાં 20 વર્ષમાં ભારતમાંથી આ એવોર્ડ મેળવનાર પ્રથમ વ્યક્તિ છે. ભારત સરકારના વાણિજય અને અને ઉદ્યોગ મંત્રાલયના ઔદ્યોગિક પ્રોત્સાહન અને આંતરિક વેપાર પ્રોત્સાહન વિભાગ (ડીપીઆઈઆઈટી) હેઠળ કાર્યરત નેશનલ પ્રોડકટિવિટી કાઉન્સિલ(એનપીસી)એ એપીઓ એવોર્ડ માટે ડો.સોઢીના નામની સર્વાનુમતે ભલામણ કરી હતી.

એનપીસી તાલિમ અને કન્સલ્ટન્સી પૂરી પાડતી સંસ્થા છે અને અનેક ક્ષેત્રોમાં સંશોધનની કામગીરી પણ કરે છે. એનપીસી ટોકયો સ્થિત ઈન્ટર-ગવર્મેન્ટલ સંસ્થા એશિયન પ્રોડક્ટિવિટી ઓર્ગેનાઈઝેશન(એપીઓ), કે ભારત જેનુ સ્થાપક સભ્ય છે તેના ઉત્પાદનને પ્રોત્સાહનનાં આયોજનો અને કાર્યક્રમોનુ અમલીકરણ પણ કરે છે.

મહત્વનું છે કે એપીઓ, એનપીઓના સભ્ય દેશો પાસેથી નોમિનેશન મંગાવે છે. એપીઓ રિજિયોનલ એવોર્ડઝ દર પાંચ વર્ષે આપવામાં આવે છે અને દરેક દેશ તમામ નોમિનેશનમાંથી માત્ર એક જ ઉમેદવાર માટે નોમિનેશન મોકલાવી શકે છે. દર પાંચ વર્ષે માત્ર પાંચ એવોર્ડ આપવામાં આવે છે. આ એવોર્ડ એવી વ્યક્તિઓને આપવામાં આવે છે કે જેમણે એશિયા પેસિફિક રિજિયનમાં ઉત્પાદકતાની મુવમેન્ટમાં યોગદાન આપ્યું હોય અને તે એપીઓનુ ચોકકસ અર્થતંત્ર નેશનલ એવોર્ડને પાત્ર બને છે.

આ પ્રસંગે ડો. સોઢીએ ગુજરાતના 36 લાખ દૂધ ઉત્પાદકો વતી આ એવોર્ડ સ્વીકાર્યો હતો. ડો. સોઢી ઈન્સ્ટિટ્યુટ ઓફ રૂરલ મેનેજમેન્ટ, આણંદ, (ઈરમા)ના પ્રથમ બેચના વિદ્યાર્થી છે. તે વર્ષ 1982 માં ઈરમામાં થી અનુસ્નાતક પદવી પૂર્ણ બન્યા પછી તુરત અમૂલમાં જોડાયા હતા અને જૂન 2010 થી અમૂલ ફેડરેશનના મેનેજિંગ ડિરેકટર પદે છે.

આ એવોર્ડ સ્વીકારતાં તેમણે અરૂણ કુમાર ઝા, આઈઈએસ, ડિરેકટર જનરલ, નેશનલ પ્રોડક્ટિવિટી કાઉન્સિલ, ડીપીઆઈઆઈટી, ભારત સરકારનો એવોર્ડ માટે “મિલ્કમેન”ને નોમિનેટ કરવા બદલ આભાર માન્યો હતો. અહીં એ બાબત નોંધવી રસપ્રદ બની રહે છે કે ડો. સોઢીના નેતૃત્વ હેઠળ વિતેલાં 11 વર્ષમાં સભ્ય સંઘોનુ દૂધ એકત્રીકરણ 2.7 ગણુ વધ્યું છે. (વર્ષ 2009-10માં સરેરાશ દૈનિક 91 લાખ કિ.ગ્રામથી વધીને વર્ષ 2020-21 માં 246 લાખ કિ.ગ્રામ દૂધ એકત્રીકરણમાં આવી પ્રશંસાપાત્ર વૃધ્ધિ આ ગાળામાં દૂધ ઉત્પાદક સભ્યોને 2.5 ગણી મિલ્ક પ્રોક્યોરમેન્ટ પ્રાઈસ આપવાને કારણે શકય બની છે. જે વર્ષ 2009-10માં કી.ગ્રામ ફેટ દીઠ રૂ.337થી વધીને વર્ષ 2020-21માં કી.ગ્રામ ફેટ દીઠ રૂ.810 અપાઈ રહ્યા છે.

વિતેલાં વર્ષોમાં અત્યંત વળતરદાયી કિંમત ચૂકવવાને કારણે ખેડૂતોનો દૂધ ઉત્પાદનમાં રસ જાળવવામાં સહાય થઈ હતી અને ડેરી પ્રવૃત્તિમાં બહેતર વળતર મળવાને કારણે તે દૂધનુ ઉત્પાદન વધારવામાં પોતાનુ મૂડીરોકાણ વધારતા રહયા છે. જીસીએમએમએફ અને તેના સભ્યો સંઘો છેલ્લા 22 વર્ષથી માત્ર માર્કેટીંગ, સેલ્સ અને પ્રોડકશન ટીમ માટે જ નહી પણ ગુજરાતના દૂધ ઉત્પાદક સભ્યો માટે ટોટલ ક્વોલિટી મેનેજમેન્ટ પ્રોગ્રામ(TQM) અમલમાં મુકતી રહી છે. તમામ સ્તરે ટોટલ ક્વોલિટી મેનેજમેન્ટ પ્રોગ્રામની પહેલ ઉપરાંત કોમર્શિયલ, સાયન્ટિફિક, સહકારી ડેરી ફાર્મીંગના અભિગમને પ્રોત્સાહનને કારણે ડેરી ક્ષેત્રના ખેડૂતોની નવી પેઢીને પણ આ વ્યવસાયમાં જાળવી રાખી શકાઈ છે.

જીસીએમએમએફ ભારતનુ સૌથી મોટુ ફૂડ પ્રોડકટ ઓર્ગેનાઈઝેશન છે અને તેણે વિતેલાં નાણાંકીય વર્ષમાં રૂ. 53,000કરોડ (યુએસ ડોલર 7.3અબજ)નું ગ્રુપ સેલ્સ ટર્નઓવર હાંસલ કર્યુ છે, અને આગામી પાંચ વર્ષમાં રૂ.1,00,000 કરોડ (યુએસ ડોલર 14 અબજ)નું ટર્ન ઓવર હાંસલ કરવાનો ઉદ્દેશ ધરાવે છે.

જીસીએમએમએફ દર વર્ષે સિમાચિન્હ હાંસલ કરતુ રહે છે કારણ કે તેના સભ્ય સંઘો એ બાબતની ખાત્રી રાખે છે કે ગ્રાહકો તરફથી મળેલા રૂપિયામાંથી સપ્લાય ચેઈનની સતત કાર્યક્ષમતા જાળવીને આશરે 75 થી 85 ટકા રકમ દૂધ ઉત્પાદક સભ્યો પાસે પહોંચે છે.

અન્ય સમાચારો પણ છે...