આણંદમાં પ્રતિદિન સાઇબર ક્રાઈમનો ગ્રાફ વધતો જાય છે. સાઈબર ગઠિયાઓ યેનકેન યુક્તિ પ્રયુક્તિ કરી જનસામાન્યના ખિસ્સા ખંખેરી કરોડોની રકમ ચાઉં કરી રહ્યા છે.મોગરી ગામના યુવકને એક ટેલીકોલિંગ ગઠિયાએ બે લાખની લોન આપવાની લાલચ આપી સવા લાખ જેવી રકમ પડાવી લીધી અને એક ફૂટી કોડી પણ આપી નથી. યુવકને છેતરામણીનો ભોગ બન્યો હોવાનો અહેસાસ થતા વિદ્યાનગર પોલીસ સ્ટેશને ફરિયાદ કરતા પોલીસે ગુનો નોંધી વધુ કાર્યવાહી હાથ ધરી છે.
પ્રાપ્ત માહિતી મુજબ આણંદના મોગરી ગામમાં રહેતા રાજેન્દ્રભાઈ ભાયલાલભાઈ વાણંદ ઈકો ગાડી ચલાવીને પોતાના પરિવારનું ગુજરાન ચલાવે છે. તેમનું ખાતું સેન્ટ્રલ બેન્ક ઓફ ઇન્ડિયા મોગરી શાખામાં આવેલ છે ગત તા.1નવેમ્બર 2022 ના રોજ સવારના સમયે રાજેન્દ્રભાઈના મોબાઈલ ફોન ઉપર અજાણ્યા વ્યક્તિએ લોન માટે ઓફર કરી હતી.જેથી રાજેન્દ્રભાઈએ અજાણ્યા વ્યક્તિના સંપર્કમાં આવ્યા હતા અને તેણે ફોન કરીને રાજેન્દ્રભાઈના આધારકાડ અને પાનકાર્ડની નકલ whatsapp માં મંગાવી હતી.જે રાજેન્દ્રભાઈએ તે મોકલી આપી હતી.
ત્યારબાદ આ અજાણ્યા ઈસમે રાજેન્દ્રભાઈને બે લાખ લોન તાત્કાલિક આપી દેવાની લાલચ આપી હતી અને ગુગલ-પેના માધ્યમથી તેમણે પ્રથમ પ્રોસેસિંગ ફી , હેલ્થ ઈનસ્યોરન્સ,જીએસટી ચાર્જ,આરબીઆઈ ટ્રાન્સફર ફી, એન.ઓ.સી.ચાર્જ, બે વખત એકાઉન્ટ ઓપનિગ ચાર્જ,વળી પૈસા મળ્યા નથી કહી ફરીવાર રકમની માગણી કરી 87,240 જેટલી રકમ પડાવી લીધી.
મહત્વનું છે કે રાજેન્દ્રભાઈએ બે લાખ લોન લેવા 87હજાર જેવી માતબર રકમ ચૂકવી દીધી હોવા છતાં સામે છેડેથી ગઠિયાએ એક ફૂટી કોડી પણ ના મોકલતા રાજેન્દ્રભાઈને છેતરામણીનો અહેસાસ થયો હતો અને તેમણે ટેલીકોલિંગ ગઠીયા પાસે પોતાની મૂડી પરત માંગી હતી.જેના જવાબમાં આ ગઠિયાએ પૈસા પરત જોયતા હોય તો 25હજાર અને 15,800ની રકમ માગી હતી.જેથી રાજેન્દ્રભાઈએ બીજા 40,800તેના ખાતામાં મોકલી આપ્યા.જોકે રાજેન્દ્રભાઈના આ રકમ પણ ટેલીકોલિંગ ગઠિયાઓ ચાઉં કરી ગયા. અંતે પોતાની સાથે 1,28,040જેટલી માતબર રકમની છેતરપિંડી થઈ હોવાનું જાણતા હતાશ રાજેન્દ્રભાઈ વાળંદે વિદ્યાનગર પોલીસ સ્ટેશને ફરિયાદ કરતા પોલીસે અજાણ્યા ઇસમ વિરૂધ્ધ નોંધી વધુ કાર્યવાહી હાથ ધરી છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.