લાભાર્થીઓને સહાય:આણંદના બોચાસણમાં ગરીબ કલ્યાણ મેળો યોજાયો, લાભાર્થીઓને 490 કરોડથી વધુના સાધન-સહાયના લાભો એનાયત કરાયા

આણંદ2 મહિનો પહેલા
  • કૉપી લિંક

આણંદ જિલ્‍લાના બોચાસણ ખાતે રાજ્યના કાયદા ન્યાયતંત્ર અને જિલ્લા પ્રભારી મંત્રી રાજેન્‍દ્ર ત્રિવેદીના અધ્‍યક્ષસ્‍થાને જિલ્‍લા કક્ષાનો ગરીબ કલ્‍યાણ મેળો યોજાયો હતો. આ કાર્યક્રમમાં જિલ્‍લાના 39 હજારથી વધુ લાભાર્થીઓને સરકારની વિવિધ લોક કલ્‍યાણકારી યોજનાઓની રૂ. 490.59 કરોડથી વધારેની સાધન-સહાયના લાભો એનાયત કરવામાં આવ્યાં હતા. જેના પ્રતિકાત્મક રૂપે સ્ટેજ ઉપરથી 33 લાભાર્થીઓને કાયદામંત્રી તથા મહાનુભાવોના હસ્તે સાધન-સહાય, સહાયના હુકમો, સહાયની કીટોનું વિતરણ કરવામાં આવ્યું હતું.

ગરીબ કલ્યાણ મેળા આજે વટવૃક્ષ બની ગયાં છે
રાજ્યના કાયદા અને ન્યાયતંત્રના મંત્રી રાજેન્‍દ્ર ત્રિવેદીએ જણાવ્યું હતું કે, લોક કલ્યાણ અને ગરીબોના ઉત્થાન માટે ગરીબ કલ્યાણ મેળાના માધ્યમથી વચેટિયાઓ વગર સીધેસીધા લાભો પહોંચાડવાનું કામ આ સરકાર કર્યું છે. જે ગરીબ કલ્યાણ મેળા આજે વટવૃક્ષ બની ગયાં છે. પહેલાંના સમયમાં લાભાર્થીઓ સુધી સરકારની યોજનાઓના લાભો પહોંચતા નહોતા. પરંતુ ગરીબ કલ્‍યાણ મેળાના માધ્‍યમથી સાચા લાભાર્થીઓ એવા ગરીબો-દરિદ્ર નારાયણો સુધી સરકારની યોજનાઓના લાભો પહોંચાડી રાજય સરકાર સાચા અર્થમાં જન-જનની ચિંતા-દરકાર અને કાળજી રાખી રહી છે.

ગુજરાતનું ઔદ્યોગિક ઉત્પાદન 16.19 લાખ કરોડ પર પહોંચ્યુંતેઓએ વધુમાં જણાવ્યું હતું કે, ડબલ એન્જિનની સરકારના કારણે આજે ગુજરાતનું ઔદ્યોગિક ઉત્પાદન રૂ. 1.27 કરોડથી વધીને રૂ. 16.19 લાખ કરોડ પર પહોંચ્યું છે. સરકારની આ સ્પષ્ટ નીતિ અને નેક નિયતના કારણે આણંદ જિલ્લા સહિત રાજ્યમાં આ અગાઉ યોજાઇ ગયેલા ગરીબ કલ્યાણ મેળાઓમાં 4 લાખ 8 હજાર 352 લાભાર્થીઓને રૂા.85,351.44 લાખની વિવિધ સાધન-સહાય સામગ્રી પૂરી પાડીને આ લાભાર્થીઓના જીવનમાં ઉજાસ પાથરવાનું અને તેઓનું જીવનધોરણ ઊંચુ લાવવાનું કામ કામ જો કોઇએ કર્યું હોય તો ડબલ એન્જિનની સરકારે કર્યું છે.
સરકારની કામગીરીની સિદ્ધિઓની ગાથા વર્ણવી​​​​​​​
આ પ્રસંગે સાંસદ મિતેષ પટેલે જણાવ્‍યું હતું કે, ગરીબ કલ્‍યાણ મેળાનો ઉદ્દેશ માત્ર સરકારી સહાય આપવાનો નથી. પરંતુ ગરીબોનું ઉત્‍થાન કરવાનો છે. તત્‍કાલિન મુખ્‍યમંત્રી નરેન્‍દ્ર મોદીના સમયમાં ગરીબો, વંચિતો અને દરિદ્રનારાયણ સેવાનો યજ્ઞ આરંભાયો છે. ઉપરાંત તેઓએ કેન્‍દ્ર-રાજ્ય સરકાર દ્વારા કરવામાં આવી રહેલી કામગીરીની સિદ્ધિઓની ગાથા વર્ણવી પહેલાંના સમયમાં યોજનાઓ માત્ર કાગળ પર રહેતી હતી. પરંતુ અમારી સરકારે યોજનાઓને માત્ર કાગળ પર ન રાખતાં વચેટિયાઓને નાબૂદ કરીને યોજનાઓના લાભો સીધા તેમના હાથોહાથ પહોંચાડવાનું કામ કર્યું છે.
​​​​​​​જિલ્લા પંચાયત પ્રમુખે પ્રાસંગિક ઉદ્દબોધન કર્યું​​​​​​​
આ પ્રસંગે જિલ્લા પંચાયત પ્રમુખ હંસાબેન પરમારે પ્રાસંગિક ઉદ્દબોધન કરતાં પારદર્શક વહીવટ, ઝડપી નિર્ણય, ત્વરિત અમલ અને કોઇની દખલ વગર જન-જનને યોજનાકીય લાભો સીધા મળે તે દિશામાં સરકાર કામ કરી રહી હોવાનું જણાવ્યું હતું.
વિવિધ અગ્રણીજનો હાજર રહ્યા
​​​​​​​
મહત્વનું છે કે, આ દરમ્યાન રાજેન્દ્ર ત્રિવેદી સહિત ઉપસ્થિત મહાનુભાવોના હસ્તે પંચાયતીરાજ પુસ્તિકાનું વિમોચન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે ખંભાતના ધારાસભ્‍ય મયુર રાવલ, જિલ્લા કલેક્ટર મનોજ દક્ષિણી, જિલ્‍લા વિકાસ અધિકારી મિલિન્‍દ બાપના, જિલ્લા ભા.જ.પ. પ્રમુખ વિપુલ પટેલ, પૂર્વ મંત્રી સી.ડી.પટેલ, જિલ્લા પંચાયતની કારોબારી સમિતિના ચેરમેન પ્રદિપ પટેલ, ભાજપ જિલ્લા મહામંત્રી રમણ સોલંકી, મયુર સુથાર, તાલુકા પંચાયતના પ્રમુખ, જિલ્‍લા–તાલુકા પંચાયતના સભ્યો, નગરપાલિકાના પ્રમુખગણ, જિલ્‍લા-તાલુકા સંગઠનના પદાધિકારીઓ, પ્રાંત અધિકારી, જિલ્‍લાના તમામ વિભાગના ઉચ્‍ચ અધિકારીઓ, મામલતદાર, તાલુકા વિકાસ અધિકારી, લાભાર્થીઓ અને નાગરિકો ઉપસ્‍થિત રહ્યા હતા.

અન્ય સમાચારો પણ છે...