ગેંગ ઝડપાઇ:પેટલાદ-તારાપુરમાં સબમર્શીબલ પંપની ચોરી કરતી ગેંગ ઝડપાઇ, ચોરીના 5 ગુના કબુલ્યા

આણંદ2 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • આણંદ એલસીબીએ ઉંટવાડા પાસે ગેંગ હોવાની બાતમી મળતાં તેને દબોચી લીધી
  • છેલ્લા બે જ મહિનામાં પાંચથી વધુ સ્થળે ખેપ મારતાં વેપારીઓમાં ચિંતાની લાગણી જન્મી હતી

ખંભાત, પેટલાદ અને તારાપુર પંથકમાં છેલ્લા કેટલાક મહિનાથી વિવિધ મશીનરીની ચોરી કરતી ગેંગનો ત્રાસ વધી ગયો હતો. આ ગેંગ કોઇ પણ ખુલ્લી જગ્યામાં પડેલા મર્શીબલ પંપથી લઇ ફેક્ટરીના કમ્પાઉન્ડનો સરસામાન ચોરી કરી રહ્યાં છે. આ અંગે એલસીબીએ તપાસ સંભાળી પેટ્રોલીંગ સઘન બનાવ્યું હતું. જેમાં ઉંટવાડા પાસે ગેંગ હોવાની બાતમી મળતાં તેને દબોચી લીધી હતી અને આગળની કાર્યવાહી હાથ ધરી હતી.

આણંદ સ્થાનિક ગુના શોધક શાખાને બાતમી મળી હતી કે ઉંટવાડા ગામના કમલેશ રાયસંગભાઇ પરમાર, કમલેશ ઉર્ફે કંગો બુધાભાઈ પરમાર નામના શખશ ખેતરના કુવામાં પાણીની સબમર્શીબલ મોટર ફીટ કરી હોય તેની ચોરી કરે છે. તેઓ ચોરી કરેલી સબમર્શીબલ મોટર, એક સળિયા કાપવાનું કટર મશીન ઉંટવાડા બસ સ્ટેન્ડ પાસે આવેલા રામદેવપીરના મંદિરની પાછળ કાંસની ધાર ઉપર ડાંગરના પુળીયા નીચે સંતાડી રાખ્યાં છે.

આ મોટરો ચોરી કરવામાં ઉપયોગ કરેલી પ્લેટીના બાઇક સાથે હાલ તેઓ મંદિરની પાછળ આવેલી જગ્યા ઉપર ભેગા થયાં છે. આ બાતમી આધારે એલસીબીની ટીમ તાત્કાલિક સ્થળ પર પહોંચી ગઇ હતી અને કમલેશ રાયસંગ અને કમલેશ ઉર્ફે કંગો બન્નેની અટક કરી પૂછપરછ હાથ ધરી હતી. જેમાં તેઓએ ખંભાત, પેટલાદ અને તારાપુરમાં પાંચેક સબમર્શીબલ પંપની ચોરી કરી હોવાની કબુલાત કરી હતી. આ કબુલાત આધારે પોલીસે તેમની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે.

કયા કયા સ્થળે ચોરી કર્યાની કબુલાત આપી ?

  • ખંભાતના સાયમા ગામે પણ રેલવે ફાટકની બાજુમાં આવેલા ખેતરના ગોડાઉન પાસેના પાણીના બોરવેલમાંથી સબમર્શીબલ મોટરની ચોરી કરી હતી.
  • તારાપુરની ભક્તિનગર સોસાયટીમાં રહેતાં ઘનશ્યામ ચુનીલાલ ઠક્કરની સોજિત્રા રોડ પર ફેક્ટરી આવેલી છે. આ ફેક્ટરી સામે નવો પ્રોજેક્ટ ચાલી રહ્યો છે, જ્યાં બોર પર ફિટ કરેલી પાણીની સબ મર્સીબલ ઇલેક્ટ્રીક મોટર પંપ કિંમત રૂ.15 હજારની ચોરી કરી હતી.
  • પેટલાદ તાલુકાના રામોદડી ગામે પણ ખેપ મારી હતી. ધર્મજ - તારાપુર હાઇ વે પર નાર ગામમાં જવાના રસ્તે આવેલા પેટ્રોલ પંપ બનાવવાનું કામ ચાલી રહ્યું છે. જ્યાં સબમર્શીબલ પાણીની મોટર કિંમત રૂ.15 હજારની ચોરી કરી નાસી ગયાં હતાં.
  • માણેજ પાટીયા નજીક નવી બનતી હોટલના કમ્પાઉન્ડમાંથી સળીયા કાપવાના કટર મશીનની ચોરી કરી હતી.
  • તારાપુરના મોરજ રોડ પર મહાદેવ હોટલ આવેલી છે. આ હોટલમાં પાણીની વ્યવસ્થા માટે બોર બનાવી ઇલેક્ટ્રીક મોટર ફીટ કરી હતી. જે ચોરી કરી નાસી ગયાં હતાં.
અન્ય સમાચારો પણ છે...