ગણેશ વિસર્જન:આણંદમાં આવતા વરસે ફરી આવવાના કોલ સાથે ગણેશજીને વિદાય અપાઇ

આણંદ22 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • આણંદ જિલ્લામાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે દોઢ હજારથી વધુ મંડળોએ ગણેશ વિસર્જન કર્યું

આણંદ જિલ્લો શુક્રવારના રોજ ગણેશમય બની ગયો હતો. યુવક મંડળોએ દસ દિવસ ગણેશજીની ભક્તિ કર્યા બાદ ઉત્સાહભેર તેને આવતા વરસે પરત આવવા કોલ સાથે વિદાય આપી હતી. આણંદ શહેર ઉપરાંત સમગ્ર જિલ્લાના નગરો અને ગ્રામ્ય વિસ્તારમાં શોભાયાત્રા નિકળી હતી. જિલ્લામાં દોઢ હજારથી વધુ ગણેશ મંડળોએ નદી, નહેર અને તળાવમાં ગણેશ વિસર્જન કર્યું હતું.

આણંદ જિલ્લામાં શુક્રવારે ગણપતિ બાપાની મૂર્તિનું વિસર્જન કરવામાં આવ્યું હતું. જિલ્લામાં કુલ 1531 સ્થળોએ ગણપતિદાદાની સ્થાપના કરીને પુજા અર્ચના કરવામાં આવી હતી. કેટલીક જગ્યાએ પાંચ દિવસ બાદ, કેટલીક જગ્યાએ સાત દિવસ બાદ ગણપતિ દાદાને વિદાય આપવામાં આવી હતી. ભક્તોએ ગણેશચતર્થીના દિવસે વાજતેગાજતે બાપાને વેલકમ કર્યા બાદ હવે બાપાનું ધામધૂમથી વિસર્જન કરવામાં આવ્યું છે.

આણંદમાં પણ માહોલ ભક્તિમય જોવા મળ્યો હતો. આણંદ શહેર સહિત અનેક જગ્યાઓએ બાપાના વિસર્જન સાથે જય જયકાર જોવા મળ્યો છે. શહેરમાં સૌથી મોટી વિસર્જન યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું. જે અનુસાર સવારના 10 વાગ્યાના સુમારે આઝાદ મેદાન ખાતેથી શોભાયાત્રાની શરૂઆત થઈ હતી. જે માનીયાની ખાડ, ગોપી ટોકિઝ, લોટીયા ભાગોળ, ટાવર બજાર, ગામડીવડ થઈને નગરપાલિકા ભવન ખાતે પહોંચી હતી. જ્યાં પાલિકા દ્વારા અને જુના બસસ્ટેન્ડ પાસે મુસ્લિમ સમાજ દ્વારા શોભાયાત્રાનું સ્વાગત કરીને કોમી એકતાનું દૃષ્ટાંત પુરુ પડાયું હતુ.

આણંદ શહેરમાં સવારથી જ ગણેશમય વાતાવરણ જોવા મળ્યું હતું. આઝાદ મેદાનથી નિકળેલી શોભાયાત્રા મેફેર રોડ, લક્ષ્મી ચાર રસ્તાથી બાલુપુરા, ગામડીવડ થઈને શહેરના ગોયા તળાવ ખાતે પહોંચી હતી. જ્યાં બે ફુટથી નાની ગણપતિ દાદાની પ્રતિમાઓનું આણંદ ફાયરબ્રિગેડના જવાનોની મદદથી વિસર્જન કરવામાં આવ્યું હતું. આ શોભાયાત્રા રોકડિયા હનુમાનજીના મંદિરેથી ગ્રીડ ચોકડી, ઈન્દીરા ગાંધીના સ્ટેચ્યુથી બાકરોલ ટી પોઈન્ટ અને ત્યાંથી બાકરોલ રોડ પરથી મોટા તળાવે પહોંચી હતી. જ્યાં ચાર ફુટથી મોટી પ્રતિમાઓનું પુરા ભક્તિભાવથી વિસર્જન કરાયું હતું.

આ શોભાયાત્રામાં કોઇ અનિચ્છનીય બનાવ ન બને તે માટે બે ડીવાયએસપી, 100 પોલીસ, 150 હોમગાર્ડ, 1 પ્લાટુન એસઆરપી તેમજ ૩૫ જેટલા વીડીયોગ્રાફરો હાજર રહ્યા હતા. જે સમગ્ર શોભાયાત્રાનું વીડીયો રેકોર્ડિંગ કરાયું હતું.. મહત્વનુ છે કે જિલ્લામાં આણંદ સિવાય પણ ઘણા અન્ય શહેરોમાં ભવ્ય ગણેશ વિસર્જન કાર્યકમ અને શોભા યાત્રાઓ નીકળતી હોય છે. જેમાં ખંભાત,બોરસદ,પેટલદ, ઉમરેઠ, આંકલાવ, સોજિત્રા, તારાપુર, વગેરે સમાવેશ થાય છે.

અન્ય સમાચારો પણ છે...