બાકરોલ તળાવમાં પ્રદુષિત પાણીથી આસ્થા દુભાઇ:વિદ્યાનગરના ગણેશ મંડળો મૂર્તિના વિસર્જન પાલિકાના પાપે અવઢવમાં

આણંદએક મહિનો પહેલા
  • કૉપી લિંક
આણંદ-વિદ્યાનગરના પરિવારો દ્વારા બાકરોલ તળવામાં ગણેશનું વિસર્જન - Divya Bhaskar
આણંદ-વિદ્યાનગરના પરિવારો દ્વારા બાકરોલ તળવામાં ગણેશનું વિસર્જન
  • જોળ કેનાલમાં અને ગોયા તળાવમાં પાણી નથી

આણંદ અને વિદ્યાનગર પાલિકાની આડોડાઇનો ભોગ ગણેશ મંડળો બને તેવી સંભાવના છે. હવે ગણેશ વિસર્જનના દિવસો નજીક આવી રહ્યા છે ત્યારે ખાસ કરીને વિદ્યાનગરમાં સ્થાપિત દુંદાળા દેવનું વિસર્જન ક્યાં કરવું તે યક્ષ પ્રશ્ન બન્યો છે. વિદ્યાનગરમાં નાનામોટા 110 સ્થળે ગણપતિજીની સ્થાપના કરાઇ છેય અહીંયા 7 દિવસે વિસર્જનની પરંપરા છે. અગાઉ મંડળો દ્વારા જોળ નહેરમાં વિસર્જન કરાતું હતું પરંતુ આ વર્ષે પાણી ના હોવાથી ક્યાં વિસર્જન કરવું તે બાબતે ગુંચવણ સર્જાઇ છે.

વિદ્યાનગર ગણેશ યુવક મંડળોના પ્રમુખ મુકેશ પંચાલે જણાવ્યું હતું કે, 16મી સપ્ટેમ્બરના રોજ 7 દિવસ પૂર્ણ થતાં હોય ગણેશ વિસર્જન કરાશે. દર વર્ષે વિદ્યાનગર યુવક મંડળ દ્વારા જોળ નહેરમાં વિસર્જન કરાતું અહીંયા પાણી ના હોવાથી ગોયા તળાવમાં મંજૂરી માગવામાં આવી છે. પરંતુ આ વર્ષે ગોયા તળાવમાં પણ પાણી નથી. બાકરોલ તળાવમાં ગંદુ પાણી હોવાથી અહીંયા વિધિ કરી શકાય તેમ નથી. નગરપાલિકા દ્વારા વિસર્જનના ગણતરીના દિવસો બાકી રહ્યાં હોવા છતાં મંજૂરી આપવામાં આવતી નથી.

આ બાબતે આણંદ પાલિકાના ચીફ ઓફિસર ગૌરાંગ પટેલે જણાવ્યું હતું કે, ગોયા તળાવમાં પાણી ઓછું હોવાથી આણંદ શહેરના તમામ ગણેશ યુવક મંડળોના ગણપતિજીના વિસર્જન માટે બાકરોલ તળાવ અને વ્યાયામ શાળામાં કૃત્રિમ તળાવ બનાવવાની વ્યવસ્થા કરાશે. ગોયા તળાવમાં વિદ્યાનગરના યુવક મંડળો દ્વારા વિસર્જન કરવા બાબતેની અરજી હજુ સુધી મને મળી નથી. પરંતુ અરજી મળશે તો પણ બાકરોલ તળાવમાં જ વિસર્જનની વિચારણા કરાશે. દરમિયાન વિદ્યાનગરના ચીફ ઓફિસર જે.વી.પરમારે જણાવેલ કે વિદ્યાનગરમાં વર્ષોથી જગ્યાનો અભાવ રહ્યો હોવાથી વિસર્જનની વ્યવસ્થા ઉભી કરવામાં આવતી નથી.

અન્ય સમાચારો પણ છે...