ઉમરેઠમાં યુવતીનું ગળું કાપનાર પ્રેમી જ નીકળ્યો:ગાંધીધામની યુવતી તેના પ્રેમી સાથે ફરવા નીકળી હતી, ઉછીના આપેલા 40 હજાર રૂપિયા માગતા ઉશ્કેરાયેલા પ્રેમીએ કર્યો હતો હુમલો

આણંદ12 દિવસ પહેલા

ત્રણ દિવસ પહેલાં આણંદ જિલ્લાના ઉમરેઠમાં ગ્રીષ્માકાંડનું પુનરાવર્તન થતાં થતાં રહી ગયું હતું. અહીં ભાડાના મકાનમાં રહેતા યુવકે તેની સાથે રહેલી યુવતી પર છરી વડે હુમલો કર્યો હતો. હુમલો કર્યા બાદ યુવક ઘવાયેલી યુવતીને બાથરૂમમાં પૂરી ભાગી છૂટ્યો હતો. યુવતીને ગંભીર હાલતમાં સ્થાનિક લોકોએ હોસ્પિટલ ખસેડી હતી. યુવતી ભાનમાં આવતા હુમલો કરનાર અન્ય કોઈ નહીં પણ પોતાનો પ્રેમી જ હોવાનું સામે આવ્યું છે. ગાંધીધામમાં રહેતી પરિણીત યુવતી તેના પ્રેમી સાથે ફરવા નીકળી હતી અને ઉમરેઠમાં ભાડાના મકાનમાં રોકાયાં હતાં. યુવકને ઉછીના આપેલા 40 હજાર રૂપિયાની યુવતીએ ઉઘરાણી કરતા પ્રેમી ઉશ્કેરાયો હતો અને છરી વડે હુમલો કરી ફરાર થઈ ગયો હતો. પોલીસે આ મામલે પ્રેમી સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

ઉમરેઠમાં શનિવારે શું બન્યું હતું?
ઉમરેઠના કાછિયા પોળમાં હિતેશભાઈના મકાનમાં શનિવારના રોજ અજાણ્યા યુવક અને યુવતી ભાડે રહેવા આવ્યાં હતાં.તેઓને રાત્રે કોઇ બાબતે ઝઘડો થતાં યુવકે ઉશ્કેરાઈ યુવતીના ગળા પર ચપ્પાનો ઘા ઝીંકી તેને બાથરૂમમાં પૂરી ભાગી ગયો હતો. આ ઘટનાના પગલે સમગ્ર નગરમાં ચકચાર મચી ગઈ હતી.લોહીલુહાણ હાલતમાં ફસડાયેલી યુવતીને આસપાસના લોકોએ તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલમાં ખસેડી હતી. બે દિવસથી આ ઘટનાને લઇ ભારે ચર્ચાનો વિષય જાગ્યો હતો. આખરે યુવતી ભાનમાં આવી હતી અને તેણે પોલીસમાં ઘટસ્ફોટ નિવેદન આપ્યું હતું.

યુવતી ભાનમાં આવતા હુમલાનું કારણ બહાર આવ્યું
ઉમરેઠ પોલીસની તપાસમાં યુવતીએ વિગતો જણાવી હતી. જેમાં તે ગાંધીધામ સેક્ટર નં.7માં રહે છે. જ્યારે યુવકનું નામ રવિ અંબારામ રાવળ છે. તે મૂળ બનાસકાંઠાના કાંકરેજ તાલુકાના અંબરનેસડા ગામનો વતની છે અને હાલ ગાંધીધામ છાપરામાં સ્થાયી થયો છે. આ બન્ને યુવક-યુવતી વચ્ચે પરિચય થયો હતો. જેમાં રવિએ યુવતીને ફરવા જવાના બહાને ઉમરેઠ લાવ્યો હતો અને ઉમરેઠ કાછિયા પોળમાં ભાડાના મકાનમાં રહેવા લઇ ગયો હતો. જ્યાં રાત્રિરોકાણ દરમિયાન યુવતીએ અચાનક અગાઉ રૂ.40 હજાર રવિ પાસે માંગ્યાં હતાં. આથી, રવિ ઉશ્કેરાઈ ગયો હતો અને અપશબ્દ બોલી તું મારી પાસે શાના રૂપિયા માંગે છે? તેમ કહી ચાકુ કાઢી ગળાના ભાગે મારી દીધું હતું. બાદમાં બાથરૂમમાં પૂરી ભાગી ગયો હતો.

ફરવા જવાનું કહી યુવતીને તેનો પ્રેમી ઉમરેઠ લાવ્યો હતો
આ અંગે પીડિતાએ ફરિયાદમાં જણાવ્યું હતું કે, 20મી જાન્યુઆરીના રોજ જમણી આંખે બતાવવાનું હોવાથી ઘરેથી નીકળી હતી. રસ્તામાં તેનો પ્રેમી રવિ અંબારામ રાવળ મળ્યો હતો. તેણે ચાલ મારી સાથે આપણે બન્ને ફરવા જઇએ તેમ કહેતાં બન્ને ગાંધીધામથી સરસામાન સાથે બસમાં બેસીને આદિપુર આવેલા અને આદિપુરથી રાત્રિના નવ વાગ્યાની બસમાં બેઠેલાં અને સવારના સવા પાંચેક વાગ્યે ડાકોર બસ સ્ટેન્ડમાં આવ્યાં હતાં. બાદમાં ઉમરેઠ આવ્યાં હતાં. રવિએ અગાઉ મકાન બાબતે ગોપાલને ફોન કરી વાત કરી હતી. જેથી ગોપાલને ફોન કરતાં તે આવી ગયો હતો અને કાછિયા પોળમાં લઇ ગયો હતો. જ્યાં મકાનમાલિક હિતેશ સાથે વાતચીત બાદ ચાવી આપી હતી. અહીં સાફસફાઇ કર્યા બાદ રાત્રિ રોકાયાં હતાં. જ્યાં રાત્રિ દરમિયાન રવિને અગાઉ આપેલા રૂ.40 હજારની માગણી કરતાં તેણે ચાકુથી હુમલો કર્યો હતો. આ અંગે પોલીસે રવિ અંબારામ રાવળ સામે ગુનો નોંધી તેની ધરપકડ માટે ચક્રોગતિમાન કર્યાં છે.

અન્ય સમાચારો પણ છે...