છેતરપિંડી:મહેળાવ ગામના ખેડૂત સાથે રૂપિયા 90 હજારની ઠગાઈ

આણંદ15 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • પેટીએમ વોલેટમાં એકસ્ટ્રા ક્રેડિટ આપવા જણાવ્યું

પેટીએમ વોલેટમાં એકસ્ટ્રા ક્રેડિટના નામે ગઠિયાએ મહેળાવના ખેડૂત સાથે બે અલગ-અલગ તબક્કામાં રૂપિયા 90 હજારની છેતરપિંડી આચરી હતી. જોકે, ખેડૂતે તુરંત જ આ મામલે સાઈબર સેલમાં ફરિયાદ કરતાં સાઈબર સેલની ટીમે કંપનીમાં મેઈલ કરી સ્ટોપ પેમેન્ટ કરાવી તમામે તમામ રૂપિયા ખેડૂતને પરત અપાવ્યા હતા.

પેટલાદના મહેળાવ ખાતે પ્રફુલ્લભાઈ કાળીદાસ પટેલ રહે છે. થો઼ડાં સમય અગાઉ તેમના મોબાઈલમાં પેટીએમ વોલેટમાં એકસ્ટ્રા ક્રેડિટ આપવાનો મેસેજ આવ્યો હતો. એ પછી ગઠિયાએ તેમને ફોન કર્યો હતો અને એકસ્ટ્રા ક્રેડિટ જોઈતી હોય તો મેઈલ એડ્રેસ, પેટીએમ બેલેન્સ અને ઓટીપી મેસેજ આપવાનું જણાવી ગઠિયાએ તેમને વિશ્વાસમાં લીધા હતા. ગઠિયાએ વાતોમાં રાખીને પ્રફુલ્લભાઈ પાસેથી તમામ હકીકતો જાણી લઈ તેમના પેટીએમ વોલેટમાંથી પ્રથમ રૂપિયા 38862 અને એ પછી રૂપિયા 51343 રૂપિયા એમ કુલ રૂપિયા 90205 ઉપાડી લીધા હતા.

દરમિયાન, ખેડૂતને આ અંગેનો મેસેજ આવતાં તેમણે પોતાની સાથે છેતરપિંડી થઈ હોવાનું માલૂમ પડ્યું હતું. જેને પગલે તેમણે તુરંત જ આ મામલે આણંદ સાઈબર સેલમાં ફરિયાદ નોંધાવી હતી. સાઈબર સેલની ટીમ દ્વારા તુરંત જ પેટીએમ કંપનીમાં મેસેજ અને મેઈલ કરી સ્ટોપ પેમેન્ટ કરાવી દીધું હતું. જેને પગલે ગઠિયાને પૈસા મળ્યા નહોતા અને પરત તેમના એકાઉન્ટમાં જમા થયા હતા. આમ, સાઈબર સેલની ટીમે ખેડૂત સાથેની છેતરપિંડી અટકાવી હતી.

અન્ય સમાચારો પણ છે...