છેતરપિંડી:જમીનના વેચાણ પેટે રૂ 40 લાખ લઈ વેચાણ દસ્તાવેજ ન કરી આપી છેતરપિંડી

આણંદએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • આણંદ-લાંભવેલ રોડ સ્થિત બિગ લાયન એન્ટરટેઈનમેન્ટ પ્રાઈવેટ લિમિટેડનો વિવાદ વકર્યો
  • ગાંધીનગરના ​​​​​​​​​​​​​​શખસે 5 વર્ષ અગાઉ જમીન વેચ્યા બાદ બીજા 4ને રજીસ્ટર બાનાખત કર્યા

અમદાવાદના અમરાઈવાડી વિસ્તાર સ્થિત ભક્તિનગરમાં પ્રકાશભાઈ ઠાકોર રહે છે. વર્ષ 2015માં તેમની પડોશમાં રહેતા વલ્લભભાઈ પ્રહલ્લાદભાઈ પટેલના ભાઈના સાળા કમલેશ શકરા પટેલ (રહે. 15, બાલાજી ગ્રીન વિલા, અંબાપુર, ગાંધીનગર) સાથે તેમને પરિચય થયો હતો.

દરમિયાન, તેમણે તેમની માલિકીની આણંદ જિલ્લાના લાંભવેલ ગામે આવેલી જમીન વેચવાની વાત કરી હતી. આ જમીન જે તે સમયે પ્રકાશભાઈને બતાવતા જમીન તેમને ગમી ગઈ હતી. જેને પગલે તેમણે રૂપિયા 42 લાખમાં જમીન વેચાણનો સોદો કર્યો હતો. આ પેટે તેમણે રોકડા રૂપિયા પાંચ લાખ અને ચેક મારફતે રૂપિયા પાંચ લાખ અને એ પછી રૂપિયા ત્રીસ લાખ રોકડા તેમના સસરા મારફતે એક મિત્રની હાજરીમાં આપ્યા હતા. જોકે, આ વાતને ઘણો સમય થવા આવ્યો હોવા છતાં પણ તેઓ દ્વારા જમીનનો દસ્તાવેજ કરી આપવામાં આવતો નહોતો.

દરમિયાન, તેમણે રેકર્ડની તપાસ કરતાં કમલેશ પટેલે વર્ષ 2016માં યશવંત અમૃત ઠક્કર તથા રશ્મીબેન અમૃતલાલ ઠક્કરને તથા વર્ષ 2018માં વૈભવ બાબુ પટેલને અને હિરેન રોહિત પટેલને રજીસ્ટર બાનાખત કરી આપ્યો હતો. આમ, પોતાની પાસેથી રૂપિયા 40 લાખ લઈને જમીન બારોબાર બીજાને રજિસ્ટર બાનાખત કરી આપી તથા તેમણે આપેલા નાણા પાછા ન આપી છેતરપિંડી આચરી હતી. આમ, તેમણે આણંદ ગ્રામ્ય પોલીસ સ્ટેશને કમલેશ પટેલ વિરૂદ્ધ છેતરપિંડીની ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી ધરપકડની કવાયત હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...