લૂંટ:પેટલાદની ખાનગી કંપનીમાં ચપ્પુની અણીએ ચાર શખસોએ 24 લાખની કિંમતના ત્રણ કન્ડકટર ડ્રમની લૂંટ ચલાવી

આણંદએક મહિનો પહેલા
  • બે સિક્યુરીટી ગાર્ડને બંધક બનાવી કન્ડક્ટર ડ્રમ ટ્રેલરમાં ભરી નાશી છૂટ્યાં
  • પેટલાદ પોલીસને ઘટનાની જાણ થતાં તપાસનો ધમધમાટ શરૂ કર્યો

પેટલાદની ખાનગી કંપનીમાં ચપ્પુની અણીએ 4 શખસોએ રૂપિયા 24 લાખના મુદ્દામાલની સનસનાટીભરી લૂંટ ચલાવી હતી. જેને લઈ ચકચાર મચી ગઈ છે. પાળજ ગામની સીમમાં આવેલી યુનીટેક પાવર ટ્રાન્સમીશન લીમીટેડ કંપનીના ચાલતા પ્રોજેક્ટમાં ઘુસેલા અજાણ્યા ચાર શખસોએ ચપ્પુ બતાવી બે સિક્યુરીટી ગાર્ડને બંધક બનાવી દીધાં હતાં. બાદમાં ત્રણ કન્ડકટર ડ્રમ કિંમત રૂપિયા 24 લાખનો માલ ટ્રેલરમાં ભરી લૂંટ કરી નાસી ગયા હતા. આ અંગે પેટલાદ પોલીસને જાણ થતાં તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે.

પેટલાદના પાળજ ગામની સીમમાં યુનીટેક પાવર ટ્રાન્સમીશન લીમીટેડ દ્વારા પ્રોજેક્ટ ચાલી રહ્યો છે. આ પ્રોજેક્ટમાં ડેપ્યુટી મેનેજર તરીકે ઋષિકેશ ભગવાન લીન્કા, એન્જીનીયર વિકાસ સૈન, સુપરવાઇઝર અમલ સરકાર, સર્વેયર ધીમાન્ત કાન્તી સહિતનો સ્ટાફ પરપ્રાંતથી આવીને કામ કરતો હતો. જોકે, ઋષિકેશ લીન્કા તારાપુર ખાતે મકાન રાખીને રહે છે. જ્યારે પ્રોજેક્ટના મજુરો પરપ્રાંતમાંથી આવીને પાળજ ખાતે આવેલા પ્રોજેક્ટની જગ્યાથી એકાદ કિલોમીટર દુર તંબુ બનાવીને રહે છે.

ઈસમોએ હાથપગ બાંધી દઇ ચપ્પુ બતાવી ધમકી આપી

આ દરમિયાન 16મી ડિસેમ્બર,2021ના વ્હેલી સવારના ચારેક વાગે સુપરવાઇઝર અમલ સરકાર તારાપુર રહેતા ઋષિકેશ લીન્કાના ઘરે પહોંચ્યાં હતાં અને જણાવ્યું કે, પાળજ ખાતે ચાલતા પ્રોજેક્ટમાં ચોરી થઈ છે. આથી, તુરંત ઉપરી અધિકારીને જાણ કરી આઠેક વાગે ઋષિકેશ સ્થળ પર પહોંચ્યાં હતાં અને તપાસ કરતાં જાણવા મળ્યું હતું કે, પ્રોજેક્ટ પર રાત્રિના સમયે માલસામાનની દેખરેખ માટે બે સિક્યુરીટી ગાર્ડ રામલાલ અજું મરાડી તથા સુરેશ દિનેશ હસદા હાજર હતાં. તેમને રાત્રીના આશરે બે વાગ્યાની આસપાસ બે અજાણ્યા માણસોએ હાથપગ બાંધી દઇ ચપ્પુ બતાવી ધમકાવી ચુપ કરી દીધાં હતાં.

ત્યારબાદમાં અજાણ્યા શખસને ફોન કરતાં થોડીવારમાં એક ક્રેન અને ટ્રેલર પ્રોજેક્ટની જગ્યા પર આવ્યું હતું. જેમાંથી બે અજાણ્યા ઇસમો નીચે ઉતરી સિક્યુરીટીને બંધક બનાવનારા અન્ય બે સાથે વાતચીત કરી ચારેય ઇસમોએ પ્રોજેક્ટની કામગીરી માટે પડેલા દસ કન્ડકટર ડ્રમમાંથી ત્રણ કન્ડક્ટર ડ્રમ ક્રેન વડે ટ્રેલરમાં ભરી દીધાં હતાં. બાદમાં સિક્યુરીટી ગાર્ડને ધમકી આપી હતી અને આ વાતની જાણ કોઇને કરી છે, તો તમને જીવતા નહીં રહેવા દઇએ. તેમ કહી ટ્રેલરમાં ત્રણ કન્ડક્ટર ડ્રેમ તથા ક્રેન લઇને જતા રહ્યાં હતાં. આથી, પ્રોજેક્ટ માટે મંગાવેલા કન્ડક્ટર ડ્રમ કિંમત રૂ.24 લાખની મત્તાની લૂંટ થઇ હોવાનું ખુલ્યું હતું. આ અંગે પેટલાદ પોલીસને જાણ કરતાં પોલીસ ઇન્સ્પેક્ટર એ.જે. ચૌહાણ સહિતની સ્થળ પર પહોંચી હતી અને તપાસ હાથ ધરી હતી.

18થી 20 વર્ષના બે નવયુવકોને રખોપું સોંપાયું હતું

પાળજ ગામે સીમ વિસ્તારમાં કંપની દ્વારા ચાલી રહેલી કામગીરીમાં માલસામાનના સુરક્ષા માટે નિમાયેલું સિક્યુરીટી ગાર્ડની ઉંમર માત્ર 18થી 20 વરસની છે. આ નવયુવકોને ચપ્પુ બતાવતા તેઓ તુરંત સરન્ડર થઇ ગયાં હતાં. જોકે, પોલીસ તપાસમાં આ યુવકો ખાસ કોઇ કડી આપી શક્યાં નથી.

પાળજની લૂંટમાં જાણભેદુ જ હોવાની શંકા

યુનીટેક પાવર ટ્રાન્સમીશન લીમીટેડ કંપનીના પ્રોજેક્ટમાં રૂ.24 લાખની સનસનાટી ભરી લૂંટમાં ચાર શખસ ત્રણ કન્ડક્ટર ડ્રમ લઇને ભાગી ગયાં હતાં. આ કન્ડક્ટર ડ્રમની કિંમતથી લઇ તેના ઉપયોગ સુધીની જાણકારી લૂંટારું પાસે હતી. તેઓએ અન્ય કોઇ વસ્તુ ન અડતાં ડ્રમ જ ઉઠાવ્યાં છે. આ ઉપરાંત તેઓ પહેલેથી જ જાણતાં હતાં કે તેને લઇ જવા માટે ક્રેઇન અને ટ્રેલરની જરૂર પડશે. તેની પણ વ્યવસ્થા પહેલેથી રાખવામાં આવી હતી. આથી, જાણભેદુ હોવાની પુરેપુરી શંકા છે અને તે દિશામાં પોલીસે તપાસ હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...