વેપારી સાથે ઓનલાઇન ફ્રોડ:ઉમરેઠના વેપારીને યુએસના વીઝીટર વીઝા તેમજ વર્ક પરમીટ અપાવવાની લાલચ આપી રૂ.63.50 લાખની ચાર શખ્સોએ ઠગાઈ કરી

આણંદ2 મહિનો પહેલા
  • કૉપી લિંક

ઉમરેઠના વેપારીને સોશ્યલ મીડિયા થકી મેસેજ કરી યુએસના વીઝીટર વીઝા તથા વર્ક પરમીટ અપાવવાની લાલચ આપી રૂ.63.50 લાખ જેવી માતબર રકમની ચાર શખસે ઠગાઇ કરી હતી. આશ્ચર્યજનક બાબત એ છે કે, આ રકમ તેઓએ આંગડીયા થકી મંગાવી હતી. આ અંગે વેપારીએ સાયબર ક્રાઇમમાં ફરિયાદ આપતા પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
સોશિયલ મીડિયા થકી સંપર્ક કર્યો
ઉમરેઠના પીપળી માતા પાસે રહેતા અને સાયબર કાફેનો વ્યવસાય કરતાં નીરવકુમાર રાકેશભાઈ પટેલને પરિવારમાં બે ભાઇ - બહેન છે. તેની નાની બહેનને વિદેશ જવાનું હતું. આ અંગે તપાસ કરતાં 2017ના જુલાઇ માસમાં ફેસબુક એપ્લીકેશનમાં યુએસ કાઉન્સીલેટર જનરલ મુંબઇ નામનું પેજ જોવા મળ્યું હતું. આથી, નીરવ પટેલે તેમાં કોમેન્ટ કરી હતી. બાદમાં દસેક દિવસ પછી મિ. ડેવીસ ફર્નાડીસ નામની વ્યક્તિએ નિરવનો મોબાઇલ પર સંપર્ક કર્યો હતો.
​​​​​​​આંગડીયા પેઢી દ્વારા રૂપિયા મોકલવા જણાવ્યું
આ શખસે અમે વીઝીટર વીઝા માટે ટુર ઓપરેટ કરીએ છીએ. તેવું જણાવી તેમના આસીસ્ટન્ટ જીગર પટેલનો સંપર્ક નંબર આપ્યો હતો. આથી, નિરવે તે નંબર પર સંપર્ક કરતાં તેણે ટુરીસ્ટ વીઝા માટે વ્યક્તિ દીઠ રૂ.35 લાખ ભરવા પડશે. તેમાં 18 હજાર એપ્લીકેશન ફી, 3.40 લાખ હોટલ બુકીંગનો ખર્ચ તથા રૂ.1.80 લાખ જવાની ટીકીટના તથા બાકીના બોન્ડ ભરવાના થશે. ટુર પુરુ થયા બાદ બોન્ડના ખર્ચના રૂપિયા પરત મળશે. તેવી વાત કરી હતી. જેથી નિરવે રકમ બેન્કથી ભરવાનું જણાવ્યું હતું. પરંતુ તેઓએ ટેક્સ ભરવો ન પડે તે માટે આંગડીયા પેઢી દ્વારા રૂપિયા મોકલવાનું જણાવ્યું હતું.
​​​​​​​કલાસ વન ઓફિસર હોવાની ઓળખ આપી
છેતરામણી અને લોભામણી વાતોમાં આવી ગયેલા નિરવભાઈએ 2017થી 2019ના ઓગષ્ટ મહિના સુધી અલગ-અલગ બહાના બતાવી રૂ.63.50 લાખ જેવી રકમ આંગડીયા થકી મોકલાવી હતી. આ રકમ હાર્દીક પટેલ અલગ અલગ ચાર મોબાઇલ નંબર આપ્યાં હતાં. આ ઉપરાંત હાર્દિક પટેલે પોતે કલાસ વન ઓફિસર હોવાની ઓળખ આપી યુએસ કાઉન્સીલેટરમાં ભરવાના બહાને મેળવી હતી. જોકે, હાર્દીક પટેલે ફરી કોલ કરી તમારે મુંબઇ યુએસ કાઉન્સીલેટની કચેરીમાં આવવું પડશે. જેથી સપ્ટેમ્બર-2017માં તેમને મળવા નિરવકુમાર મુંબઇ ગયાં હતાં. જે સમયે હાર્દીક પટેલ યુએસ કાઉન્સીલેટરની સામે રોડ પર મળ્યાં હતાં. તે વખતે તેઓની સાથે બીજા ત્રણ વ્યક્તિઓ પણ હાજર હતાં. જીગર પટેલ, દીપક શાહ સાથેની વાતચીતના થોડા દિવસ બાદ અચાનક તે લોકોએ નિરવને જાણ કરી તમારી એપોઇન્ટમેન્ટ કેન્સલ થઇ છે. બીજી એપોઇન્મેન્ટ લેવા માટે બીજા પૈસા ભરવા પડશે તેમ જણાવ્યું હતું.
નિરવે બીજી એપોઇનમેન્ટના બદલે ભરેલા નાણા દીપક શાહ પાસે પરત માંગ્યાં હતાં. આ સમયે દીપકે 31મી ડિસેમ્બર,20 સુધી કાઉન્સીલેટર એમ્બેસી બંધ છે. તમને 2021ના વર્ષમાં તમારી રકમ પરત મળશે તેમ જણાવ્યું હતું. થોડા સમય બાદ તેમના અલગ અલગ નંબરો બંધ આવતાં હતાં. પરંતુ થોડા સમય પછી સામેથી કોલ કરી વીઝાની વ્યવસ્થા કરીએ છીએ. તેમ કહી રાહ જોવા જણાવ્યું હતું. પરંતુ તેનો પણ કોઇ સંપર્ક થયો નહતો.
​​​​​​​​​​​​​​પોલીસે તપાસ હાથ ધરી
આમ, ઓનલાઇન ફ્રોડ થયાનું જણાતાં 2021માં ઉમરેઠ પોલીસ સ્ટેશન તથા સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશન અમદાવાદ ખાતે અરજી આપી હતી. જેની તપાસ હાલ ચાલુ છે. આમ દીપક શાહ, જીગર પટેલ, હાર્દીક પટેલ અને મિ. ડેવીસ ફર્નાડીસ નામની વ્યક્તિએ યુએસ કાઉન્સીલેટની ખોટી ઓળખ આપી કુલ રૂ.63.50 લાખની છેતરપિંડી કરી હોવાની ફરિયાદ આણંદ સાયબર ક્રાઇમમાં આપતા પોલીસે ચારેય સામે ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...