ખંભાત તાલુકાના રોહિણી ગામે વીજ ચેકીંગમાં ગયેલ પેટલાદ વિભાગીય કચેરીના વિજીલન્સ ખાતાના જુનિયર ઈજનેરને મહિલા સહિત ચાર જણાએ હુમલો કરી મારી નાખવાની ધમકીઓ આપ્યાની ફરિયાદ ખંભાત રૂરલ પોલીસ મથકમાં નોંધાઈ છે.
આણંદ શહેરમાં જલારામ ઇન્ટરનેશનલ સ્કૂલ પાસે તુલીપ વ્રુંદ સોસાયટીમાં આષીતકુમાર પંકજભાઈ પટેલ રહે છે. અને છેલ્લા છ માસથી પેટલાદ વિભાગીય કચેરી ખાતે વિજીલન્સ ખાતામાં જુનિયર ઈજનેર તરીકે ફરજ બજાવે છે. શનિવારે હેડ ઓફિસની સૂચના અંતર્ગત વિજ ચેકીંગની કામગીરી પેટલાદ વિભાગીય કચેરી તાબા હેઠળની ખંભાત ગ્રામ્ય કચેરી ખાતે હાથ ધરવામાં આવી હતી.
જેમાં આષિતપંકજભાઈ પટેલ પોતાના અન્ય સ્ટાફ સાથે ખંભાત તાલુકાના રોહીણી ગામે નેમિનાથ ફળિયામાં વીજ ચેકીંગ દરમ્યાન એક શખ્સ વીજ ચોરી કરતા ઝડપાઈ ગયો હતો. જેથી કંપનીના નિયમ મુજબ કાર્યવાહી માટે વીજ મીટર કાઢી લેવા સુચના આપી હતી.
આ વખતે એકદમ ઉશ્કેરાઈ ગયેલા નિર્મળાબેન ભરતભાઈ જાદવ તેમજ અન્ય ત્રણ શખ્સોએ વીજ ચેકિંગ અંગેની કાર્યવાહી કરી રહેલી ટીમ ઉપર હુમલો કરી અપશબ્દો બોલીનેજાનથી મારી નાંખવાની ધમકીઓ આપી હતી. આ બનાવ અંગે આસિતકુમાર પંકજભાઈ પટેલની ફરિયાદ લઈ ખંભાત રૂરલ પોલીસે રોહિણી ગામે રહેતા નિર્મળાબેન ભરતભાઈ જાદવ સહિત ચાર વિરુદ્ધ ગુનો દાખલ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.