સોજિત્રાના મલાતજથી ડભોઉ જવાના રોડ પરથી આણંદ એસઓજીએ બાતમીના આધારે રાજકોટના તાલુકા ભાજપ મંત્રી રૈયાણીના પુત્ર સહિત ચાર શખસોને રૂપિયા 1.96 લાખની કિંમતના 19.680 ગ્રામ ડ્રગ્સ સાથે ઝડપી પાડવાના બનાવમાં પેટલાદ શહેર પોલીસ દ્વારા તપાસનો ધમધમાટ તેજ કરવામાં આવ્યો છે. પોલીસ દ્વારા ચારેય શખસોને ગુરૂવારે કોર્ટમાં રજૂ કર્યા હતા. જ્યાં તેમના બે દિવસના રિમાન્ડ મેળવવામાં આવ્યા છે.
સોજિત્રા પોલીસ સ્ટેશનની હદ વિસ્તારમાં આવેલા મલાતજથી ડભોઉ જવાના રોડ પરથી ફોર વ્હીલરમાંથી પોલીસે 1.96 લાખની કિંમતના 19.680 ગ્રામ જેટલાં ડ્રગ્સ સાથે તુષાર ઉર્ફે ભૂરો જીવરાજ સાંગાણી, રોહન શૈલેષ વસોયા, મોહિત ઉર્ફે ટકો હંસરાજ પરસાણા અને રોહન સુરેશ રૈયાણી (તમામ રહે. રાજકોટ)ને ઝડપી પાડી કોર્ટમાં રજૂ કર્યા હતા.
આ મામલે તપાસ અધિકારી પીઆઈ એ. જે. ચૌહાણે જણાવ્યું હતું કે, તેઓ બંધાણી છે, પરંતુ ક્યારેક ક્યારેક જ લેતા હોવાનું કબૂલે છે. તેઓએ અમદાવાદના શખસ પાસેથી ડ્રગ્સ ખરીદ્યું હતું. જેને લઈને આગામી સમયમાં ટીમ સાથે અમદાવાદન શખસને પકડવાની કાર્યવાહી હાથ ધરાશે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.