આણંદમાં કોરોના સંક્રમીતોના નીતનવા રેકોર્ડ બનાવે છે. બેજવાબદાર નાગરિકો અને નેતાઓએ ચાહે જો હો સો હો , હમ નહીં સુધરેંગેની નીતિ અખત્યાર કરી છે. આણંદ નગરપાલિકાના પૂર્વ પ્રમુખે રાત્રીના 12 વાગે સાથી મિત્રો અને કાર્યકરો સાથે જાહેરમાં વર્ષગાંઠની કેક કાપી ઉજવણી કરી હતી. જેનો વિડીયો વાઈરલ થતા ચકચાર મચી છે.
આણંદમાં રાત્રીના 8થી બીજા દિવસના સવારના 6 વાગ્યા સુધીના કરફ્યુ અમલી છે. કોરોના સંક્રમણ વધુ ન ફેલાય તે માટે રાજ્ય સરકારે જાહેર કરેલ 20 શહેરો પૈકી આણંદમાં પણ કરફ્યુ લાદવામાં આવ્યો છે. આણંદ ભાજપના નેતાઓ જ રાજ્ય સરકારની વહીવટી આદેશોનો જાહેર ભંગ કરી રહ્યા છે. હમણાં થોડા દિવસ અગાઉ ભાજપના જિલ્લા ઉપપ્રમુખ યોગેશ પટેલ અને પૂર્વ પાલિકા સભ્ય હિમેશ પટેલ દ્વારા માસ્કના દંડ વસૂલવા મુદ્દે મહિલા પોલીસ અધિકારીને જાહેરમાં અપમાનિત કરી હતી. આ વખતે આણંદ નદગરપાલિકાના પૂર્વ પ્રમુખ વિજય માસ્તરના જન્મ દિવસ નિમિત્તે રાત્રે 12 વાગે જાહેરમાં આતશબાજી કરીને કેક કાપવામાં આવી હતી.
કરફ્યુની ઐસીતૈસી કરીને જન્મ દિવસની ઉજવણી કરાઇ
આણંદ પોલીસ દ્વારા કરફ્યુ ભંગ કરતા ઘણા વેપારીઓ અને નાગરિકો ઉપર કાયદેસરની કાર્યવાહી કરી અને કરાઈ રહી છે. બીજી તરફ કોરોના કરફ્યુની ઐસીતૈસી કરીને આણંદ નગરપાલિકાના પૂર્વ પ્રમુખ વિજય પટેલ ઉર્ફે માસ્તરના જન્મદિવસ નિમિત્તે જાહેરમાં આતશબાજી અને કેક કાપી જન્મદિવસની ઉજવણી કરતો વિડીયો વાઈરલ થતા નગરમાં રોષ આક્રોશ પ્રવર્તી રહ્યો છે. વળી આવી સંવેદનશીલ અને સરકારી આદેશને પડકાર આપતી પ્રવૃત્તિ, જાહેરનામનો સરેઆમ ભંગ કરતી પ્રવૃત્તિ બાબતે આણંદ પોલીસની જીહજૂરી વાળી કામગીરીને લઈને પણ લોકોમાં નારાજગી જોવા મળી રહી છે.
આણંદ નગરપાલિકાના પૂર્વ પ્રમુખ વિજય પટેલ માસ્તરના જન્મદિવસની ઉજવણીમાં ભાજપના અગ્રણી હોદ્દેદારો પણ સામેલ થયા હતા. જેમાં આણંદ નગરપાલિકાના પૂર્વ પ્રમુખ પ્રગ્નેશ પટેલ ઉર્ફે ભયલું અને શ્વેતલ પટેલ ઉર્ફે મેયર તેમજ અન્ય કાર્યકરો,હોદ્દેદરો પણ સરકારના આદેશોનો કોળિયો ગળી જન્મદિવસની ઉજવણી કરતા નજરે ચઢી રહ્યા હતા.
Copyright © 2023-24 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.