તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

બેફામ નેતા:બર્થડે ઊજવવી પાલિકા પૂર્વ પ્રમુખને ભારે પડી, ગુનો દાખલ, મિત્રો-સગા-સંબંધી સાથે જાહેરમાં ઊજવણી કરી હતી

આણંદ5 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • પૂર્વ પ્રમુખ વિજય પટેલ ઉર્ફે માસ્તરે મધ્યરાત્રીના 12 વાગે મિત્રો અને કાર્યકરો સાથે જાહેરમાં વર્ષગાંઠ ઉજવી
  • જાહેરનામાં ભંગ બાબતે નગરમાં અને સોશિયલ મીડિયા મચ્યો હલ્લો

ગત શનિવારે રાત્રે મિત્રો-સગા-સંબંધીઓ સાથે મળીને જાહેર માર્ગ પર જન્મદિવસની ઊજવણી કરી રહેલા પૂર્વ પાલિકા પ્રમુખ વિજય પટેલ ઉર્ફે વિજય માસ્તર વિરૂદ્ધ આણંદ પોલીસે જાહેરનામા ભંગનો ગુનો નોંધીને કાર્યવાહી હાથ ધરી છે. નોંધનીય છે કે, જાહેરમાર્ગ પર ઊજવણી કરતો વિડિયો સોશ્યલ મીડિયા પર ખૂબ વાઈરલ થતાં આખરે, પોલીસે કાર્યવાહી કરી હતી.

સામાન્ય નાગરિક અને રાજકીય હસ્તીઓ બાબતે કાર્યવાહીની બેધારી નીતિ
આણંદમાં અક્ષરફાર્મ રોડ પર ગત શનિવારે રાત્રિના આણંદ પાલિકાના પૂર્વ પ્રમુખ વિજય પટેલ ઉર્ફે વિજય માસ્તર દ્વારા તેમના ઘર પાસે જન્મદિવસની ઉજવણી કરાઈ હતી. તેઓએ કેક કાપી તેમજ જાહેરમાર્ગ પર દારૂખાનું ફોડ્યું હતું. આ સમય દરમિયાન, ત્યાં હાજર રહેલાં મોટાભાગના લોકોએ માસ્ક પહેર્યું નહોતું. કેટલાંક માસ્ક નિયમ પ્રમાણે પહેર્યું નહોતું. આમ, સરકાર દ્વારા કોરોના સંક્રમણને નાથવા માટે રાત્રિ કર્ફ્યુ સહિતના નિયમનું પાલન પ્રજા પાસે કરાવાઇરહ્યું છે ત્યારે ભાજપના જ નેતા અને તેમના કાર્યકરો દ્વારા સરેઆમ સરકારના નિયમના ધજાગરા ઉડાડી દેવાયા હતા. જોકે, સમગ્ર બનાવનો વિડિયો સોશ્યલ મીડિયામાં વાઈરલ થતાં પોલીસે આ બનાવ અંગે સોમવારે મોડી સાંજે ગુનો નોંધ્યો હતો.

વિડિયોમાં ત્રણથી વધુ લોકો દેખાય છે, પણ ફરિયાદ માત્ર એક સામે જ નોંધાઈ
જાહેરમાર્ગ પર મિત્રો-સગા-સંબંધીઓને સાથે રાખીને વિજય પટેલ ઉર્ફે માસ્તરે બર્થડેની ઊજવણી કરી હતી. જેમાં વિજય પટેલ સહિત કેટલાંયે માસ્ક પહેર્યા નથી. વધુમાં એક શખ્સે પહેર્યું છે તો તે નિયમ પ્રમાણે પહેર્યું નથી. આમ, સમગ્ર ઘટનામાં અન્ય બેજવાબદાર વ્યક્તિઓ વિરૂદ્ધ પણ પોલીસ કાર્યવાહી કરાય તેવી માંગ ઊઠી છે.

જે ગુના હેઠળ ફરિયાદ નોંધાઈ છે તેમાં સજા માત્ર છ માસ અને દંડની છે
રાજ્ય સરકારે કોરોના સંક્રમણ ફેલાય નહીં તે માટે રાત્રિના આઠ વાગ્યાથી સવારના છ વાગ્યા સુધી કરફ્યુ નાંખ્યું છે. વિજય પટેલ જન્મદિનની ઊજવણી કરતા હોય તેમના વિરૂદ્ધ આઈપીસીની કલમ 188 અને 269 હેઠળ ગુનો નોંધાયો છે. કલમ 188 જાહેરનામા ભંગનો ગુનો છે. જ્યારે કલમ 269 કે જેમાં રોગનું સંક્રમણ ફેલાતા જિંદગી ગુમાવવાનો પણ વારો આવી શકે છે તે જાણવા છતાં પણ તેનો ભંગ કરવામાં આવે ત્યારે કલમનો ઉપયોગ કરવામાં આવે છે. બંને કલમમાં છ માસની સજા અને રએક હજાર સુધીનો દંડ અથવા બંને થઈ શકે છે. - દિપેન શાહ, એડવોકેટ, પ્રમુખ, આણંદ જિલ્લા બાર એસોસિયેશન.

સરકારનું નાક કાપ્યું હોય તેવી પરિસ્થિતિ નિર્માણ થઈ
આ બાબતે ભાજપ સંગઠન પણ પોતાના આગેવાનોને અંકુશમાં રાખવાની જગાએ બેજવાબદાર રીતે વર્તી રહ્યું છે. આણંદ નદગરપાલિકાના પૂર્વ પ્રમુખ વિજય માસ્તરના જન્મ દિવસ નિમિત્તે રાત્રે 12 વાગે જાહેરમાં આતશબાજી કરીને કેક કાપવાના વીડિયો અને ફોટાઓ વાઈરલ થતા સમગ્ર રાજ્યમાં ભાજપની ખીલ્લી ઉડી છે.આ ઘટનાએ સમગ્ર મીડિયામાં મુદ્દો બનતા ભાજપ સંગઠન અને સરકારનું નાક કાપ્યું હોય તેવી પરિસ્થિતિ નિર્માણ થઈ છે.

તપાસ કરી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે
​​​​​​​
રાજ્યમાં મુદ્દો બનેલ આ ઘટના બાબતે આણંદ જિલ્લા ડી.વાય.એસ.પી.બી.ડી.જાડેજાને પૂછતાં તેઓએ જણાવ્યું હતું કે આણંદ ટાઉન પીઆઈ.વાય.આર. ચૌહાણને આ બાબતે યોગ્ય તપાસ કરી કાર્યવાહી કરવા જણાવ્યું છે. મીડિયા સમક્ષ પૂર્વ પ્રમુખે પોતાની ભૂલ કબૂલ કરી છે. અને જનતા તેમજ સરકારની માફી માંગી છે. તે અમે જાણ્યું છે. જોકે પોલીસ મુજબ તપાસ કરી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે.

અન્ય સમાચારો પણ છે...