કરૂણા અભિયાન:પક્ષીઓ ની ખાધા ખોરાકીના ખોટા બિલ મૂકી ખંભાતના વન કર્મચારીઓએ કૌભાંડ આચર્યું

આણંદ21 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • ઉત્તરાયણમાં ઘવાયેલા પક્ષીઓની સારવારના નામે ભ્રષ્ટાચાર આચર્યાની ફરિયાદ
  • મૃત્યુ પામેલી સમડીને 30 દિવસ સુધી જીવતી બતાવીને ખોરાકીનો ખર્ચ ઉધાર્યો તપાસ શરૂ

કરૂણા અભિયાન અંતર્ગત ઉત્તરાયણ પર્વે દોરીથી ઘવાયેલા પક્ષીઓને સારવાર માટે રેન્જ ફોરેસ્ટ કચેરી ખંભાત મોકલવામાં આવતાં હતા. પરંતુ રેન્જ ફોરેસ્ટ કચેરીમાં ફરજ બજાવતાં જવાબદાર અધિકારીઓ દ્વારા ઉત્તરાયણમાં ઘવાયેલી 4 સમડીને દરરોજ ચીકન ખોરાક આપવા માટે ફોરેસ્ટના ચોપડે ખોટા વાઉચર ઉધારીને સરકારને આર્થિક નુકશાન કર્યાની ફરિયાદ એક જાગૃત નાગરિક દ્વારા કરવામાં આવી હતી. જેમાં 13મી જાન્યુઆરીએ ઘવાયેલ મળી આવેલી એક સમડી તો તે દિવસે જ મૃત્યુ પામી હતી. તેમ છતાં ફોરેસ્ટ એધિકારી દ્વારા તેને 30 દિવસ સુધી જીવતી બતાવીને ચીકન ખોરાક માટે નાંણા ચોપડે ઉધાર્યા છે. તેવી રીતે અન્ય ત્રણ સમડીઓને લાંબો સમયથી સરકારી ચોપડે સારવાર બતાવીને ખોટી રીતે ખર્ચ ઉધાર્યા હોવાની ફરિયાદ નાયબ વનસંરક્ષક અધિકારી સામાજીક વનીકરણ વિભાગ આણંદને કરવામાં આવી છે. જેથી વનસંરક્ષક અધિકારીની કચેરી દ્વારા તપાસ શરૂ કરવામાં આવી છે.

આણંદ પંથકમાં ઉત્તરાયણ પર્વે ઘવાયેલા પક્ષીઓને સારવાર માટે કરૂણા અભિયાન હાથધરીને તેમની સારવાર કરી સ્વસ્થ થયા બાદ આકાશમાં છોડી દેવામાં આવે છે. ગત ઉત્તરાયણ પર્વે તા 13મીના રોજ ખંભાત પંથકમાં એક ઘવાયેલી સમડી મળી આવી હતી. જો કે સારવાર શરૂ કર્યાના કલાકોમાં મૃત્યુ પામી હતી. જ્યારે આ ગાળા દરમિયાન અન્ય 3 ઘવાયેલી સમડી પણ મળી આવી હતી. તે તમામની સારવાર રેન્જ ફોરેસ્ટ વિભાગ ખંભાત દ્વારા હાથધરવામાં આવી હતી. આ ઉપરાંત ઘુવડ સહિતના પક્ષીઓની સારવાર કરવામાં આવી હતી.

જેમાં 13મી તારીખે મૃત્યુ પામેલી સમડીની સારવાર 30 દિવસ સુધી બતાવીને તેને દરરોજ ખોરાકમાં 250 ગ્રામ ચીકન આપ્યુ હોવાના ખોટા વાઉચર તૈયાર કરીને નાંણા ઉધાર્યા હતા. તેવી રીતે અન્ય ત્રણ સમડીઓની સારવાર મહીનાઓ સુધી બતાવી છે. છેલ્લી સમડી ઓગસ્ટમાં મુક્ત કરી હોવાનું દર્શાવ્યું છે. તેઓને ચીકન ખોરાકનો ખર્ચ ઉધારવામાં આવ્યો છે. ચાર સમડી માટે દૈનિક 1 કિલો ચિકનના રૂા 200ના વાઉચર બનાવવામાં આવ્યાં હતા. જે બાબતે જાગૃત નાગરીક ભાનુબેન પરમારે નાયબ વનસંરક્ષક અધિકારી સહિત ઉચ્ચકક્ષાએ લેખિતમાં રજૂઆત કરી હતી. જે બાબતે હાલ વન સંરક્ષક વિભાગ સામાજીક વનીકરણ કચેરી આણંદ ખાતે લેખિત રજૂઆત કરી હતી. જેથી હાલ તપાસ પુર જોશમાં ચાલી રહી છે.

તપાસ બાદ રિપોર્ટ વન સંરક્ષક અધિકારીને મોકલાશે
આણંદ જિલ્લા વન સંરક્ષણ વિભાગના સૂત્રોના જણાવ્યા અનુસાર ખંભાત રેન્જ ફોરેસ્ટ વિભાગ સામે સમડી સારવાર અને ખોરાકીનો ખર્ચ ખોટી રીતે ઉધાર્યો હોવાની ફરિયાદ મળી છે. જે અંગે હાલ વન સંરક્ષકના એકાઉન્ટ વિભાગ દ્વારા તપાસ ચાલી રહી છે. તપાસ પૂર્ણ કર્યા બાદ રીપોર્ટ કરીને વન સંરક્ષક અધિકારીને મોકલી આપવામાં આવશે.

અન્ય સમાચારો પણ છે...