• Gujarati News
 • Local
 • Gujarat
 • Anand
 • For The First Time In Anand, A Herd Of Whales Was Caught With Vomit, Six Persons Were Caught With Half A Kilo Of Ambergris.

પોણા કરોડનું એમ્બરગ્રીસ ઝડપાયું:આણંદમાં પ્રથમ વખત વ્હેલ માછલીની ઉલટી સાથે ટોળકી પકડાઇ, પોણા કિલો એમ્બરગ્રીસ સાથે છ શખ્સો ઝબ્બે

આણંદએક મહિનો પહેલા
 • કૉપી લિંક
 • ખંભાતના શખ્સ પાસે રહેલું એમ્બરગ્રીસ આણંદના શખ્સને વેચવાનું આયોજન હતું
 • વડોદરાના ચાર શખ્સ એમ્બરગ્રીસના બે ટુકડા લઇ જઇ રહ્યા હતા તે દરમિયાન ઝડપાયા
 • માછલીની ઉલટી ​​​​​​​પશ્ચિમના દેશોમાં પ્રતિબંધ, આરબના દેશોમાં ડિમાન્ડ
 • ઉલટીના ઘન પદાર્થના બે ટૂકડા પોલીસે કબજે લઈ ફોરેસ્ટ ટીમને સોંપ્યાં
 • ​​​​​​​વ્હેલ માછલીની ઉલટી ભાગ્યે જ જોવા મળે છે અને તેનો ઉપયોગ પરફ્યૂમ અને દવાઓમાં થતો હોય છે
 • 1 કરોડમાં 1 કિલો વેંચાતી વ્હેલ માછલીની 736 ગ્રામ ઉલટી વેંચવા નીકળેલા 6 શખસ આણંદમાં ઝડપાયા

આણંદ સ્પેશ્યલ ઓપરેશન ગ્રુપની ટીમ દ્વારા શંકાસ્પદ જણાતી કારને રોકી તેમાં તલાસી લેતા વ્હેલ માછલીની ઉલટી (એમ્બરગ્રીસ) મળી આવ્યું હતું. માત્ર સાડા સાત સો ગ્રામના આ એમ્બરગ્રીસની કિંમત 73.60 લાખ થવા જાય છે. આ એમ્બરગ્રીસ ખંભાતના શખ્સ પાસેથી લઇ આણંદના શખ્સને વેચવાનું હોવાનું ખુલ્યું છે. જે અંગે વધુ તપાસ આણંદ વન વિભાગને સોંપવામાં આવી છે.

આણંદ સ્પેશ્યલ ઓપરેશન ગ્રુપના પોલીસ ઇન્સ્પેક્ટર જી.એન. પરમાર સહિતની ટીમ પેટ્રોલીંગમાં હતી તે દરમિયાન બાતમી મળી હતી કે, બહાર ગામથી કેટલાક શખ્સ એક ગ્રે કલરની કારમાં વ્હેલ માછલીની ઉલટી (એમ્બરગ્રીસ) વેચવા માટે આણંદ આવી રહ્યાં છે. આ બાતમી આધારે પોલીસે 80 ફુટના રોડ પર પ્રાપ્તિ સર્કલ પાસે વોચ ગોઠવી હતી.

આ સમયે ત્યાં કેટલાક શખ્સ ભેગા થયેલા દેખાયાં હતાં. સાથોસાથ બાતમી વાળી કાર પણ હતી. આથી, તુરંત ઉભેલા શખ્સોને કોર્ડન કરી તેમની અટક કરી હતી. બાદમાં કારમાં તલાસી લેતાં તેમાં પાછલની સીટ પર પ્લાસ્ટીકની થેલીમાં બે ટુકડા મળઈ આવ્યાં હતાં. જે ટુકડાઓ શંકાસ્પદ લાગતા પકડાયેલા શખસોની પુછપરછ કરી હતી. જેમાં તેઓએ આ ટુકડા વ્હેલ માછલીની ઉલટી (એમ્બરગ્રીસ)ના હોવાનું જણાવ્યું હતું. જોકે, તેના ખરીદ - વેચાણ પર પ્રતિબંધ હોવાથી સઘન પુછપરછમાં કોઇ આધાર પુરાવા રજુ કરી શક્યા નહતાં. આથી, છ શખ્સની અટક કરી તેમની વધુ તપાસ અર્થે આણંદ વન વિભાગને સોંપવામાં આવ્યાં છે.આ કેસમાં એસઓજીએ શંકાસ્પદ વ્હેલ માછલીની ઉલટી એટલે કે એમ્બરગ્રીસ કિંમત રૂ.76.60 લાખ, મોબાઇલ ચાર, કાર મળી કુલ રૂ.76.26 લાખનો મુદ્દામાલ કબજે કર્યો હતો.

વડોદરાના ચાર શખ્સ સહિત છ પકડાયાં

ગીરીશ ચંદુલાલ ગાંધી (ઉ.વ.58, રહે. અપ્સરા એપાર્ટમેન્ટ, વડોદરા)

વિક્રમ ધીરેન્દ્ર પાટડીયા (ઉ.વ.48, રહે. ગુલમર્ગ સોસાયટી, વડોદરા)

મીત જયેશ ગાંધી (ઉ.વ.21, રહે. ગજાનંદ સોસાયટી, વડોદરા)

મીત નીલકલમ વ્યાસ (ઉ.વ.23, રહે. ગુરૂકૃપા સોસાયટી, વડોદરા)

ધૃવિલકુમાર ઉર્ફે કાળિયો રમેશ પટેલ (ઉ.વ.22, રહે. ઉમીયા ચોક, બોરિયાવી)

જહુર અબ્દેરરહેમાન મંસુરી (ઉ.વ.61, રહે. પીઠ બજાર, ખંભાત)

બોરિયાવીના ધ્રુવિલને એમ્બરગ્રીસ વેચવાનું હતું?

આણંદમાં વ્હેલ માછલીની ઉલટીના બે ટુકડા સાથે પકડાયેલી ગેંગની પુછપરછમાં મોટું નેટવર્ક બહાર આવે તેવી શક્યતા છે. કારણ કે આ એમ્બરગ્રીસ ખંભાતના જહુર મંસુરી પાસે હતું. જે તેણે વડોદરાના ચાર શખ્સને વેચવા આપ્યું હતું અને આ ચાર શખ્સે તેને બોરિયાવીના ધ્રુવિલ ઉર્ફે કાળિયો પટેલને વેચવાનું આયોજન કર્યું હતું. આમ, જહુર પાસે આ પદાર્થ ક્યાંથી આવ્યો ? અને ધ્રુવિલ કોને વેચવાનો હતો ? તેની તપાસ થાય તો આંતરરાષ્ટ્રીય નેટવર્ક બહાર આવી શકે છે.

ખંભાતનો શખસ હૈદરાબાદથી લાવ્યો હોવાનું ખૂલ્યું
અતિ કિંમતી એવી વ્હેલ માછલીની ઉલ્ટી ખંભાતનો જહુર હૈદરાબાદથી લાવ્યો હોવાનું ખૂલ્યું છે. જે તેણે વડોદરાના શખ્સોને આપી હોવાનું પીઆઈ ગોવિંદ પરમારે જણાવતાં વધુમાં ઉમેર્યું હતું કે, એ પછી તમામ શખસ ભેગા મળી આણંદ આવ્યા હતા. જ્યાં તેઓ દ્વારા બોરીયાવીના ધ્રુવિલકુમારને વેચવાની યોજના બનાવી હતી. જોકે, હાલમાં તેઓ અન્ય કોઈ ગુનામાં સંડોવાયેલા છે કે કેમ તેની તપાસ કરાઈ રહી છે.

વનસંરક્ષણ ધારા હેઠળ સંરક્ષિત પ્રાણી હોય 3થી 7 વર્ષ સુધીની જેલ થઈ શકે છે
અંબરગ્રીસ તરીકે ઓળખાતી વ્હેલ માછલીની ઉલટી સામાન્ય કિસ્સામાં જોવા મળતી નથી. ભાગ્યે જ તે જોવા મળે છે. જોકે, વાઈલ્ડ લાઈફ પ્રોટેક્શન એક્ટ હેઠળ વ્હેલ પણ સંરક્ષિત પ્રાણી હોય તેનો શિકાર કરી શકાય નહીં. વધુમાં તેના હાડકાં, વાળ, કે પછી તેની ઉલટીનો પણ કારોબાર કરી શકાય નહીં. અર્થાત, તે પ્રતિબંધિત છે. પોલીસ કે વન વિભાગ દ્વારા આવા કિસ્સામાં પકડવામાં આવે ત્યારે શિડ્યુલ 1 અંતર્ગત ત્રણ વર્ષથી લઈ સાત વર્ષ સુધીની જેલ પણ થઈ શકે છે.- કાર્તિક મહારાજા, નિવૃત ફોરેસ્ટ અધિકારી, વડોદરા.

વ્હેલની ઉલટીને ‘તરતા સોના’ તરીકે પણ ઓળખવામાં આવે છે
વ્હેલ માછલીના આંતરડામાં બનતો આ પદાર્થ વ્હેલ માછલી ઉલ્ટી કરે ત્યારે બહાર નીકળતો હોય છે. તરતા સોના તરીકે ઓળખાતા પદાર્થનો ઉપયોગ દવા, અત્તર અને પરફ્યુમ બનાવવા માટે થતો હોય છે. લાંબા સમય સુધી પરફ્યુમ તેમજ અત્તરની સુગંધ આ ઉલ્ટીને કારણે જ રહેતી હોય છે. ભાગ્યે જ પદાર્થ જોવા મળતો હોય તેની આંતરરાષ્ટ્રીય બજારમાં એક કિલોની કિંમત 1 કરોડ જેટલી થાય છે. જોકે, યુરોપ, અમેરિકા સહિતના કેટલાંક પશ્ચિમી દેશોમાં છેલ્લાં પાંચેક દાયકાથી તેના પર પ્રતિબંધ ફરમાવ્યો છે. જોકે, આરબ દેશોમાં તેની માંગ વધુ છે. જાણકારોના જણાવ્યા અનુસાર, પદાર્થ કિંમતી હોય કેટલાંક લોકો કેમિકલ દ્વારા બનાવટી બનાવી તેને વેચતા હોય છે.

અન્ય સમાચારો પણ છે...