ચરોતરમાં છેલ્લા 6 દાયકાથી કેળની ખેતી મોટાપ્રમાણમાં થાય છે. તેની સાથે 12 હજારથી વધુ ખેડૂતો જોડાયેલા છે. કેન્દ્ર અને રાજય સરકાર દ્વારા આણંદ જિલ્લાને કેળની ખેતી માટે અનામત જાહેર કરાયો છે. વાર્ષિક લાખો ટન કેળનું ઉત્પાદન થાય છે. આણંદ જિલ્લામાં ઓર્ગેનિક કેળાની ખેતી પણ મોટા પ્રમાણમાં થાય છે. 6 દાયકાથી કેળની ખેતી કરતાં હોવા છતાં ખેડૂતોને કયારેય કેળાના (સંતોષકારક) પોષણક્ષમ ભાવ મળતાં ન હતા.
દોઠ વર્ષ સુધી મજૂરી કરવા છતાં વળતર ઓછું મળતું હતું. જયારે એમપીના બુરહાનપુરના કેળાં આણંદના કેળા કરતાં ઉતરતી કક્ષાના હોવા છતાં ₹450નો ભાવ મળે છે. કારણ કે ત્યાં નાના ખેડૂતો પણ સંગઠીત થઇને માલ વેચતાં હોય છે. જયારે ચરોતરમાં 200 થી 325 વચ્ચે છેલ્લા એક દાયકાથી ભાવ મળી રહ્યાં હતા. જો કે પ્રથમ વખત કેળના ભાવ મંગળવારે 450 મળતાં બોરીયા ગામના ખેડૂતોએ ઢોલ નગારા સાથે ખેતરમાં જઇને કેળની લૂમને વધાવીને વેપારીને વેચાણ કર્યુ હતું.
પહેલીવાર ચરોતરમાં 400ની પાર કેળાનો ભાવ જતાં ખેડૂતોમાં ખૂશી વ્યાપી ગઇ છે. બોરીયા ગામે મોટાપાયે કેળની ખેતી છેલ્લા ત્રણ દાયકાથી કરતાં કેતન પટેલે જણાવ્યું હતું કે, ચરોતરમાં 17 હજારથી વધુ હેકટરમાં કેળની ખેતી થાય છે. પરંતુ નાના ખેડૂતો વધુ છે તેના કારણે આણંદ-ખેડા જિલ્લામાં ઉચ્ચ ગુણવત્તાયુક્ત કેળાં હોવા છતાં સારા ભાવ મળતાં ન હતા. એક દાયકાથી 200 થી 325 વચ્ચે 1 મણ કેળા વેચાતાં હતા. પ્રથમ વખત આણંદ જિલ્લામાં 1 મણ કેળના ભાવ 401 બોલાયો છે. જેને લઇને ખેડૂતોમાં ખુશી વ્યાપી ગઇ હતી.
ખેડૂતો સંગઠિત થઇ વેચાણ કરે તો સારા ભાવ મળે
આણંદ જિલ્લામાં નાના ખેડૂતો મોટાપ્રમાણમાં કેળની ખેતી કરે છે. તેઓને એક વખતનો ફાલ 150 મણની આસપાસનો હોય છે. જયારે એક ટ્રકમાં 700 મણ કેળા ભરાય છે. તેથી દલાલો અને વેપારીઓ ઓછા માલ ધરાવતા ખેડૂતોના કેળા ₹280 થી 300 વચ્ચે પડાવી લે છે. એક ટ્રક ભરીને બજારમાં વેચતાં તેઓને સારો નફો મળે છે. ત્યારે ચાર થી પાંચ ખેડૂતો સંગઠીત થઇને એક ટ્રક માલ વેચે તો સારા ભાવ મળે તેમ છે. - મોહનભાઇ પરમાર, ખેડૂત, અગાસ
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.