બોરસદની કણભા વિસ્તારની પ્રજાની મનોવેદના સાંભળનાર કોઈ નથી. ચોમાસા દરમિયાન પારાવાર પરેશાનીથી ગ્રસ્ત આ વિસ્તારના નાગરિકો ક્યારેય ચોમાસુ અહીં ન આવે તેવી વરુણદેવને પ્રાર્થના કરે છે. સામાન્ય રીતે વરસાદ પડે એટલે આનંદની લાગણી જન્મે છે, પરંતુ બોરસદ તાલુકાના કણભા ગામમાં સો જેટલા પરિવારો માટે વરસાદ હંમેશા આફતરૂપ બને છે. સામાન્ય વરસાદમાં અવર જવર માટેની નળીમાં કાંસના પાણી ફરી વળતાં હોવાથી રસ્તો બંધ થઇ જાય છે અને આ પરિવારોને નાછૂટકે ઘરમાં જ ભરાઇ રહેવું પડે છે.
સ્થાનિકોને મુશ્કેલી
બોરસદ તાલુકાના કણભા ગામના મહાદેવપુરા વિસ્તારને અડીને આવેલા બહુચ્યાપુર અને સીમ વિસ્તારમાં રહેતા સો જેટલા પરિવારોને વરસાદમાં હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. અહીં કાચી નળી છે, જ્યાં કાંસનું પાણી ભરાઇ જતું હોવાથી રસ્તો બંધ થઇ જાય છે. અંદાજીત બે કિલોમીટર જેટલી નળી કાંચી અને બિસમાર હાલતમાં હોવાથી સ્થાનિકોને મુશ્કેલી પડી રહી છે. કણભા ગામના 500થી વધુ નાગરિકો પરિવાર સાથે આ વિસ્તારમાં રહે છે. આ નાગરિકો વરસાદી પરિસ્થિતિમાં નર્ક કરતા પણ વધુ અસહ્ય પરિસ્થિતિનો સામનો કરી રહ્યા છે.તેમને રસ્તાની સુવિધાના નામે શૂન્યવકાશ જોવા મળી રહ્યો છે. ખાસ કરીને ચોમાસામાં આ વિસ્તારના લોકોને ઘરમાં જ ભરાઇ રહેવું પડે છે.
સ્મશાનના અભાવે કાંધરોટી ગામમાં અંતિમસંસ્કાર કરવા પડે છે
કણભા ગામના મહાદેવપુરા વિસ્તારને અડીને આવેલા બહુચ્યાપુર અને સીમ વિસ્તારના સો જેટલા પરિવાર માટે દુઃખની બાબત એ છે કે, સ્મશાનની સુવિધા નથી. જેના કારણે કોઇનું મૃત્યું થાય તો અંતિમ સંસ્કાર માટે કાંધરોટી ગામે જવું પડે છે. તેમાંય કાચા રસ્તા પરથી પસાર થતા સમયે નનામીને ચારના બદલે બે વ્યક્તિના ખભે મુકવી પડે છે.ખૂબ લાચાર પરિસ્થિતિમાં આ નાગરિકો રાજકીય આગેવાનો અને વહીવટી તંત્રની દયા ઝંખે છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.