• Gujarati News
  • Local
  • Gujarat
  • Anand
  • Five Injured In Stone Pelting And Stabbing Between Two Groups Late At Night, Rioters Also Stabbed Police Personnel, 14 Detained

બોરસદમાં કોમી તોફાન:મોડી રાત્રે બે જૂથો વચ્ચે પથ્થરમારા અને છરાબાજીમાં પાંચ વ્યક્તિ ઈજાગ્રસ્ત, તોફાનીઓએ પોલીસ કર્મીને પણ છરી મારી, 14ની અટકાયત

આણંદ25 દિવસ પહેલા
  • પોલીસે 50 ટીયરગેસ અને 30 રબર ગોળીનો મારો ચલાવ્યો
  • 14 તોફાનીઓની પોલીસે અટકાયત કરી, બોરસદ પોલીસ છાવણીમાં ફેરવાયું

બોરસદમાં મોડી રાત્રે કોમી તોફાન ભડકયું છે. છેલ્લા બે દિવસથી ચાલતી અજંપાભરી શાંતિ અંતે મોડી રાત્રી સમયે પથ્થરબાજી અને છરીબાજીમાં પરિણમી છે. ચાર નાગરિક અને એક પોલીસ જવાન સહિત કુલ પાંચ વ્યક્તિ પણ આ કોમી તોફાનમાં ઘાયલ થયા છે. પોલીસ દ્વારા કોમી તોફાનને અંકુશમાં લેવા સખ્તાઈ સાથે ટીયરગેસ સેલ અને રબરની ગોળીઓ છોડી પરિસ્થિતિ ઉપર કાબુ મેળવવામાં આવ્યો છે. 14 જેટલા શખ્સોની પોલીસે અટકાયત કરી છે. હાલ એસ.આર.પીની ટુકડીઓ સહિત પોલીસ બંદોબસ્ત ચુસ્ત કરવામાં આવ્યો છે.

મોડી રાત્રે 1 વાગ્યે હિંસા ભડકી
બોરસદ શહેરમાં રાત્રિ દરમિયાન શહેરના બ્રાહ્મણવાળા વિસ્તારમાં બે કોમ વચ્ચે પથ્થરમારો થયો હતો. રાત્રીના 1 વાગ્યાના અરસમાં શરૂ થયેલો પથ્થરમારો 2 કલાક જેટલો ચાલ્યો હતો. જ્યારે હનુમાન મંદિર પાસે સ્થાનિક નાગરિક પર ચપ્પાથી હમલો થયો હતો. વળી એક પોલીસ કર્મીને પેટમાં છરી વાગતા ગંભીર ઇજા પહોંચી હતી. જે બાદ આ વિવાદ વધુ વકર્યો હતો. અન્ય ત્રણ નાગરિકોને પણ આ તોફાનોમાં ઇજાગ્રસ્ત થયા છે. ઇજાગ્રત પોલીસકર્મી હાલ વડોદરા હોસ્પિટલમાં સારવાર હેઠળ છે.

14 તોફાનીઓની પોલીસે અટકાયત કરી
મધરાત્રે થયેલો આ પથ્થર મારો પૂર્વ આયોજિત હોવાની ચર્ચાએ જોર પકડ્યું છે. બોરસદમાં હજુ પણ ભારેલા અગ્નિ જેવી પરિસ્થિતિ છે. પોલીસ દ્વારા આ તોફાનને અંકુશમાં લેવા 50 જેટલા ટિયરગેસ છોડવામાં આવ્યા હતા. તેમજ 30 જેટલી રબર બુલેટનું પણ ફાયરિંગ કરવામાં આવ્યું હતું. જે બાદ આ તોફાન કાબુમાં આવ્યું છે. તોફાની તત્વો દ્વારા શહેરના દેરાસર પાસે લગાવેલ CCTVને પણ નુકશાન પહોંચાડવામાં આવ્યું છે. પોલીસે આ અંગે ચોક્સાઇ પૂર્વકની તપાસ આરંભી દેવામાં આવી છે. જેમાં 14 જેટલા તોફાની ટોળાની પોલીસે અટકાટત કરી છે.

બોરસદ પોલીસ છાવણીમાં ફેરવાયું
હાલ જિલ્લા પોલીસ વડા અજિત રાજયાન સહિતની પોલીસ ટીમ બોરસદમાં ધામાં નાખ્યા છે. એસ.આર.પીની બે કંપની અને સ્થાનિક પોલીસના જવાનો બોરસદના વિવિધ સ્થળે બંદોબસ્તમાં ગોઠવાયા છે. પોલીસ અધિકારીઓના જણાવ્યા મુજબ પરિસ્થિતિ કાબુમાં છે. જોકે, બન્ને કોમના સામાન્ય નાગરિકોમાં હજુ પણ ભય પ્રવર્તી રહ્યો છે.

પોલીસની નિષ્ક્રિયતાને કારણે બોરસદ કોમી દાવાનળમાં લપેટાયું
બોરસદ શહેરમાં છેલ્લા બે દિવસથી માહોલ ગરમ હતો. જેમાં શુક્રવારના રોજ મુસ્લિમ સમાજ દ્વારા સમાજની દુકાનો અને વેપાર ધંધા બંધ પાડી ભાજપ પ્રવક્તાના વિવાદિત નિવેદનનો વિરોધ કર્યો હતો. પરંતુ બપોર બાદ અમુક તત્વો દ્વારા પોસ્ટરો રોડ ઉપર લગાવ્યા બાદ તેના પૂતળાનું દહન કરવામાં આવતા માહોલ તંગ બની ગયો હતો. પરંતુ પોલીસ દ્વારા આ ઘટનાને ગંભીરતાથી લેવામાં આવી ન હતી.

બીજા દિવસે શનિવારે રાત્રે નગરપાલિકા પાસે આવેલ અહેમદશા પાર્ટી પ્લોટ અને હનુમાનજી મંદિર વચ્ચે આવેલ ખુલ્લી જગ્યા આરસીસી રોડ બનાવવા મુદ્દે નજીકમાં આવેલ શહીદ સર્કલ પાસે બન્ને કોમના ટોળા ભેગા થવા લાગ્યા હતા. જો તે જ સમયે પોલીસે ટોળાઓ વિખેરી દીધા હોત અને અગ્રણીઓ સાથે સમસ્યાનો સમાધાન કાઢ્યું હોત તો આજે શહેર કોમી દાવાનળમાં ના લપેટાયું હોત. પોલીસે ગંભીર ઘટનાઓ અને લોકોના ટોળા ભેગા થતા હોવા છતાં કોઈ જ તકેદારી રાખી ન હતી જેને લઇ મામલો બિચક્યો હતો.

તોફાની ટોળાંની તોડફોડ કરી લૂંટ
બોરસદ શહેરના ગાંધી પોળ અને ચોક્સી પોળ પાસે ડો.વિપુલ પટેલ અને ડો હરેશ પંડ્યાના દવાખાનામાં તોડફોડ કરી આગ ચાંપવામાં આવી હતી. તેમજ વસીમ વ્હોરાની અનાજ કરિયાણાની દુકાનને તોડી માલસામાનની લૂંટ કરવામાં આવી હતી. ટાઉન હોલ પાસે ઇમરાન મલેકની કોલ્ડડ્રીંકની દુકાનમાં તોડફોડ કરી લૂંટ કરી ફ્રિજ સહીતનો માલસામાન લૂંટી લેવામાં આવ્યો હતો. સમગ્ર રાત્રિ દરમિયાન શહેરમાં અનેક અફવાઓ ફેલાઈ હતી. જો કે પોલીસ દરેક સંવેદનસીલ પોઈન્ટો પર પોલીસ ખડકી દીધી હતી.

પથ્થરમારો કરનારાની ઓળખ મુશ્કેલ બની
શહેરના બ્રાહ્મણવાળા ઠક્કર દવાખાના વિસ્તારમાં બન્ને કોમના ટોળા સામસામે આવી ગયા હતા અને પથ્થરમારા પહેલાં જ બ્રાહ્મણવાડા જૈન દેરાસર પાછળ અને રોડ ઉપરની સ્ટ્રીટ લાઈટો અને મંદિર બહાર લગાવેલા સીસીટીવી કેમેરા તોડી નાખવામાં આવ્યા હતા. એ પછી પથ્થરમારો કરવામાં આવ્યો હતો. જેને લઈ પથ્થરમારો કરનાર તત્વોની ઓળખ કરવી મુશ્કેલ બની છે.

અંજપાભરી શાંતિ વચ્ચે શહેર બંધ રહ્યું
રવિવારે શહેરમાં અજંપાભરી સ્થિતિ વચ્ચે સમગ્ર શહેર બંધ રહ્યું હતું. લોકોની સામાન્ય ચહલપહલ જોવા મળી છે. શહેર હાલ પોલીસ છાવણીમાં ફેરવાયું છે. રેન્જ આઇજી, ખેડા અને આણંદના DSP તેમજ જિલ્લાના DYSP,વડોદરા,ખેડા અને નડિયાદની 150 પોલીસ, બે એસઆરપી કંપની તૈનાત કરવામાં આવી છે. આ ઉપરાંત પોલીસ દ્વારા ફાયર બ્રાઉઝર, ટીયર ગેસ, સેલ વાહન વ્રજ ઉપરાંત આધુનિક સાધનો સાથે ચુસ્ત બંદોબસ્ત ગોઠવ્યો છે.

અન્ય સમાચારો પણ છે...